વડોદરાની મર્દાની નદીમા ડુબી રહેલા યુવકનો બચાવ્યો જીવ, કલેક્ટરે કર્યું સન્માન
મહી નદીમાં ડુબી રહેલા યુવકને બચાવવા માટે ઉંડા ધરામા કુદી હતી ભર્ગસેતુ શર્મા નામની બહાદુર યુવતી
Trending Photos
વડોદરા : બે મહિના અગાઉ મહિસાગર નદીમાં ડુબી રહેલા યુવાનને બહાદુરી પુર્વક બચાવનાર યુવતીનું કલેક્ટર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત વડોદરામાં યોજાનારા સ્વાતંત્ર્ય સમારોહ દરમિયાન પણ તેનું સન્માન કરવામાં આવશે.
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર વડોદરાનાં વાઘોડિયા રોડ પર રહેતા ચાર મિત્રો બે મહિના અગાઉ રસુલપુરા પાસેથી પસાર થતી મહિસાગર નદીમા ન્હાવા માટે પડ્યા હતા. ત્યારે અચાનક બે યુવકો ડુબવા લાગ્યા હતા. જે પૈકી એકને તો અન્ય એક મિત્રએ બચાવી લીધો હતો પરંતુ એક યુવક ડુબવા લાગ્યો હતો. તેના મિત્રો દ્વારા બુમરાણ કરવામાં આવતા પોતાના મિત્રો સાથે પિકનિક મનાવી રહેલી અને વડોદરા એમએસ યુનિવર્સિટીમાં ઝુઓલોજી (પ્રાણીશાસ્ત્ર)નો અભ્યાસ કરતી ભર્ગસેતુ શર્માએ પળનો પણ વિચાર કર્યા વગર પાણીમા છલાંગ લગાવી હતી.
નદીના ઉંડા વમળમાં ડુબી ગયેલા યુવકને બહાદુર યુવતી ભર્ગસેતુએ બચાવ્યો હતો અને તેને કિનારે લાવી હતી. જો કે યુવાનના શરીરમાં પાણી ભરાઇ જવાના કારણે તેનો શ્વાસ પણ અટકી ગયા હતા. જેથી યુવતીએ બાદલ નામના યુવકના શરીરમાં રહેલુ પાણી બહાર કાઢતા યુવકના શ્વાસ ફરીએકવાર ચાલુ થયા હતા.
વડોદરા જિલ્લા સંકલન સમિતી દ્વારા તથા વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ દ્વારા બહાદુર યુવતીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ રંજનબહેન ભટ્ટ પણ હાજર રહ્યા હતા. તેમણે યુવતીનાં બહાદુરીપુર્ણ કાર્યને બિરદાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, આજની યુવતીઓ માટે ભર્ગસેતુ એક આદર્શ વ્યક્તિત્વ છે. પોતાનાં વ્યક્તિત્વનું નિર્માણ કઇ રીતે કરવું જોઇએ તે ભર્ગસેતુ પાસેથી શિખવું જોઇએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે