ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાઈ 2 વર્ષની રુહી, અડધી રાત્રે RPF જવાનો પાટા પર શોધવા દોડ્યા
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના અમલસાડ સ્ટેશન પર વિચિત્ર ઘટના બની હતી. સ્ટેશન પરથી પસાર થયેલી અવંતિકા એક્સપ્રેસમાંથી એક બાળકી ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાઈ હતી. જોકે, આ ઘટનાની જાણ થતા જ આરપીએફ જવાન તાત્કાલિક ટ્રેક પર દોડી ગયા હતા, અને બાળકીનો જીવ બચાવ્યો હતો. જોકે આ ઘટનામાં બાળકી ઈજાગ્રસ્ત થઈ હતી.
ઈમરજન્સી બારીમાંથી બહાર પડી બાળકી
પ્રાપ્ત માહિતી અનુસાર, ભીલાડનો એક પરિવાર મુંબઈથી મધ્ય પ્રદેશ જવા રવાના થયો હતો. મહેશ હેંચાનો પરિવાર તેમની બે વર્ષની દીકરી સાથે અવંતિકા એક્સપ્રેસમાં સવાર થઈને દેવાસ પહોંચવાનો હતો. ત્યારે રાતના સમયે અવંતિકા એક્સપ્રેસ અમલસાડ સ્ટેશન પરથી પસાર થઈ રહી હતી, ત્યારે પરિવાર સાથે દુખદ ઘટના બની હતી. પરિવાર સાથે બે વર્ષની દીકરી રુહી હતી. જે અમલસાડ સ્ટેશન પાસે અચાનક ઈમરજન્સી બારીમાંથી નીચે પડી ગઈ હતી. રુહી નીચે પડી ત્યારે ટ્રેન રવાના થઈ ગઈ હતી.
આ પણ વાંચો : આ સાત લક્ષણો હોય તો કોરોના ટેસ્ટ જરૂર કરાવજો, સુરતમાં કોરોનાએ બદલ્યું રૂપ
આરપીએફ જવાનો બાળકીને શોધવા પાટા પર દોડી પડ્યા
બાળકી નીચે પડ્યાની જાણ થતા જ મહેશ હેંચાએ તાત્કાલિક ઈમરજન્સી ચેન પુલિંગ કર્યું હતું. જેથી ટ્રેન અમલસાડ સ્ટેશન પર ઉભી રહી ગઈ હતી. પરિવારે રેલવે પોલીસને આ અંગે જાણ કરી હતી. જેથી રેલવે પોલીસે બાળકીને શોધવા દોડાદોડ કરી મૂકી હતી. તાત્કાલિક બીલીમોરા સ્ટેશન પર જાણ કરવામાં આવી હતી. જેથી વલસાડ પોલીસનો ડી સ્ટાફ અને બીલીમોરાના આરપીએફ જવાનો તાત્કાલિક બાળકીને શોધવા નીકળી પડ્યા હતા. પોલીસના જવાનોએ રેલવેના પાટા પર શોધ આદરી હતી.
આ પણ વાંચો : અમદાવાદ 2008ના સીરિયલ બ્લાસ્ટના આતંકવાદી સલમાનની ધરપકડ કરાઈ, બોમ્બ પ્લાન્ટ કરવામાં હતી માસ્ટરી
સમયસર બાળકી મળી ન હોત તો કંઈ અનિચ્છનીય બન્યું હોત
મોડીરાત્રે 12 વાગ્યાથી બે વાગ્યા સુધી બાળકીની શોધખોળ કરવામાં આવી હતી. આખરે પોલીસ જવાનાનો કાન પર રડતી રુહીનો અવાજ પડ્યો હતો. બીલીમોરા નજીક તલોધ ગરનાળા પાસે બાળકી રડતી હોવાનો અવાજ સંભળાયો હતો. જેથી પોલીસે તાત્કાલિક જઈને જોયું તો ઈજાગ્રસ્ત બાળકી નીચે પડી હતી અને તે રડી રહી હતી. આખરે રુહીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવી હતી. જોકે, સમગ્ર બનાવમાં રેલવે પોલીસના જવાનોની બાહોશ કામગીરી વખાણવાલાયક બની છે. જો સહેજ પણ મોડુ થાત તો બાળકી સાથે કોઈ પણ ગંભીર અને અનિચ્છનીય ઘટના બની શકી હોત.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે