Gujarat Election 2022: ભાજપે ગુજરાત બનાવ્યું નથી, બગાડ્યું છે: અલ્પેશ કથીરિયા

BJP vs AAP, Gujarat Election: ગુજરાતમાં જેમ-જેમ મતદાન નજીક આવી રહ્યું છે તો નેતાઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપ થઈ રહ્યાં છે. મતદારોને પોતાના પક્ષમાં કરવા દરેક પાર્ટીઓ એકબીજા પર પ્રહારો કરી રહ્યાં છે. આ વચ્ચે આપના ઉમેદવાર અલ્પેશ કથીરિયાએ ભાજપ પર પ્રહાર કર્યો છે. 

Gujarat Election 2022: ભાજપે ગુજરાત બનાવ્યું નથી, બગાડ્યું છે: અલ્પેશ કથીરિયા

સુરતઃ રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. દરેક રાજકીય પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની ચૂંટણીમાં નારો આપ્યો હતો કે આ ગુજરાત મેં બનાવ્યું છે. હવે સુરતના વરાછા રોડથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથીરિયાએ નિશાન સાધ્યું છે. અલ્પેશ કથીરિયાએ મીડિયાને સંબોધિત કરતા જણાવ્યું કે, ગુજરાતની પ્રજા પરિવર્તન ઈચ્છે છે. ગુજરાતના ખેડૂતો 24 કલાકની વીજળી માંગે છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ ગેરંટી આપી છે કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે જ વીજળીની એવી વ્યવસ્થા કરવામાં આવશે, જેનાથી ખેડૂતોને 24 કલાક વીજળી મળે. આજે પંજાબમાં 97 ટકા ઘરોમાં વીજળીનું બિલ 0 આવે છે, તેવી જ રીતે ગુજરાતમાં પણ લોકોને 300 યુનિટ મફત આપવામાં આવશે. ગુજરાતની દરેક મહિલાને દર મહિને 1000 રૂપિયાની સન્માન રાશિ આપવામાં આવશે. 

આજે ગુજરાતમાં શિક્ષણ ખૂબ જ મોંઘુ થયું છે, ડોનેશનની પ્રથાને નાબૂદ કરવાનો અમે સંકલ્પ લીધો છે. દરેક શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં દર 3 કિલોમીટરે  જ્યાં સ્માર્ટ શાળાઓ નથી ત્યાં સ્માર્ટ શાળાઓ શરૂ કરીને બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવાની અમે ગેરંટી આપી છે. સુરતમાં 70 લાખથી વધુ લોકો વસવાટ કરી રહ્યા છે. આટલી વસ્તી હોવા છતાં સરકારી સિવિલ હોસ્પિટલમાં સિટી સ્કેનની વ્યવસ્થા નથી, સારા બેડ નથી, દવા બહારથી ખરીદવી પડે છે, RMO ના કામમાં ભૂલો થાય છે. એટલા માટે આમ આદમી પાર્ટી સારી હોસ્પિટલો અને મહોલ્લા ક્લિનિક બનાવશે. કોઈપણ પાર્ટી જ્યારે કોઈ મફત સુવિધાની જાહેરાત કરે છે, તો એ જનતાના પૈસાથી મફત સુવિધા ઊભી થતી હોય છે. પ્રજાના ટેક્સના પૈસાથી સરકાર ફક્ત મફત સુવિધાઓનું આયોજન કરતી હોય છે. 

આ પણ વાંચોઃ ગુજરાતમાં 2002 બાદ હવે કોઈ દાદાઓ રહ્યાં નથી, અમદાવાદમાં બોલ્યા અમિત શાહ

બે દિવસ પહેલા પ્રત્યેક યુનિટ દીઠ 1.5 રૂપિયાથી વધુનો વીજળીના ભાવમાં વધારો કરવામાં આવ્યો. ગુજરાત સરકાર મહારાષ્ટ્ર અને બીજા રાજ્યને સસ્તા ભાવે વીજળી વેચી રહી છે, જ્યારે ગુજરાતમાં ગુજરાતમાં પ્રજાને મોંઘી વીજળી આપવામાં આવે છે. આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રત્યેક ઘરને 24 કલાક મફત વીજળી મળે એવી વ્યવસ્થા કરવામાં આવશે. 

આજે અમુક લોકો વાત કરી રહ્યા છે કે, અમે ગુજરાત બનાવ્યું છે. પરંતુ આ ગુજરાત સરદાર પટેલે બનાવ્યું છે, મહાત્મા ગાંધીએ બનાવ્યું છે, ભગતસિંહએ બનાવ્યું છે અને લાખો વીર જવાનોએ આહુતિ આપીને આ ગુજરાત બનાવ્યું છે, ભારત બનાવ્યું છે. ગુજરાત બનાવવાની લડાઈમાં જે પક્ષોનું કોઈ યોગદાન નથી તેઓ આજે વાતો કરી રહ્યા છે કે ગુજરાત તેમણે બનાવ્યું. હકીકતમાં તેમણે ગુજરાત બનાવ્યું નથી, તેમણે ગુજરાત બગાડ્યું છે. આજે ગુજરાતમાં ઠેર ઠેર ડ્રગ્સના વ્યસનિયો થઈ ગયા છે. આજથી 20 વર્ષ પહેલા યુવાનોને ખબર પણ ન હતી કે ડ્રગ્સ શું હોય, જ્યારે આજે ડ્રગ્સ ઘર ઘર સુધી પહોંચી ગયું છે.  ગુજરાતની જનતાને સુવિધાઓથી વંચિત રાખવામાં આવી છે. 2000 થી વધુ સરકારી શાળાઓને તાળા મારવામાં આવ્યા છે. 4000 ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. હોસ્પિટલમાં ડોક્ટર નથી મળતા, શિક્ષકોની ઘટ છે, 1235 શાળાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી. આમ તે લોકોએ ગુજરાત બગાડ્યું છે.

કેશુ બાપાના સપનાને સાકાર નથી થવા દીધું. કેશુ બાપાનું સપનું હતું કે કલ્પસર પૂરું થાય. અને કલ્પસરથી ગુજરાતના 18000 ગામડાઓને પાણી મળે અને સારો પાક મેળવી શકે. પરંતુ ભાજપે ખેડૂતોને પાણીથી વંચિત રાખીને કેશુબાપાના સપનાને અધૂરું રાખ્યું છે અને ગુજરાતને બગાડ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news