ગુજરાતમાં વિન્ટેજ બાઇકનું અદ્દભૂત કલેક્શન, વર્લ્ડ વૉરમાં થયો છે આ બાઇકનો ઉપયોગ
ધવલ પરીખ/નવસારી: 200 વર્ષના સાયકલના ઇતિહાસમાં મોટરસાયકલ બન્યા બાદ મોટરબાઈક અને હવે ઇલેક્ટ્રિક બાઈક રસ્તાઓ પર દોડવા માંડી છે. કાળક્રમે ટેકનોલોજી બદલાઈ, પણ મનુષ્યનો શોખ ઐતિહાસિક બાઈકને પણ અમરતા બક્ષી દે છે. વાત છે નવસારીના ઉદ્યમી પિતા પુત્રની, જેમના શોખના કારણે આજે તેમની પાસે વર્ષોનો ઇતિહાસ ધરાવતી 45 થી વધુ વિન્ટેજ બાઈકનો ખજાનો છે, ત્યારે વિન્ટેજ બાઈક કેવી દેખાય છે, શું વિશેષતા છે આવો જોઈએ..
વર્ષ 1817 માં જર્મનીમાં પ્રથમ સાયકલ બની અને તેના 68 વર્ષ બાદ સાયકલ ઉપર એન્જિન બેસાડી મોટરસાયકલ યુગનો પ્રારંભ થયો. ભારતમાં અંગ્રેજ અને રજવાડાઓના રાજાઓ વિદેશી બનાવટની મોટરસાયકલ અને મોટરબાઇક લાવ્યા હતા. જર્મની અને ઇંગ્લેન્ડની કંપનીઓ દ્વારા બનેલી મોટરસાયકલ ઇમ્પોર્ટ કરવામાં આવતી હતી.
ત્યારબાદ 1939 થી 1945 દરમિયાન બીજા વિશ્વ યુદ્ધમાં ઇંગ્લેન્ડની BSA, મોર્ટન, ટ્રીમ્ફ જેવી કંપનીઓ દ્વારા સૈનિકો માટે બનાવવામાં આવેલી 500 થી 800 CC ની મોટરબાઇક તેની બનાવટ માટે લોકોમાં જાણીતી બની હતી, જ્યારે વિદેશી પોલીસ કર્મીઓ માટે પણ મોટરબાઇક બની હતી. જેની સાથે યઝદી, જાવા, BMW, એરિયલ જેવી કંપનીઓની બાઈક લક્ઝરી ગણાતી હતી. જે હોલિવુડ અને બોલિવુડની જૂની ફિલ્મોમાં પણ જોવા મળી હતી.
આવી ઐતિહાસિક અને એન્જીનીયરીંગની વિશેષતા ધરાવતી બાઈક આજે ફકત ફોટામાં જોવા મળે છે, પરંતુ નવસારીના આમડપોર ગામના ક્રીપલાની દેસાઈએ 1990 થી અવનવી બાઈકના શોખને પેશનમાં ફેરવ્યો અને મહારાષ્ટ્રના પુણે, નાશિક, રાજસ્થાન અને ગુજરાતના વિવિધ શહેરોમાંથી વિન્ટેજ બાઈક શોધી અને એનો સંગ્રહ કર્યો છે. જેમાં આજે મોટરસાયકલ અને મોટરબાઇક મળી 45 થી વધુ વિન્ટેજ બાઈક ભેગી કરી શક્યા છે. જેમાં સૌથી જૂની 1910 માં બનેલી રોયલ એનફિલ્ડ મોટરસાયકલ સહિત લેમરેડા, સુવેગા, હુસ્કવારના, એટલાસોલેક્સ જેવી વિદેશી કંપનીઓ, તો ભારતમાં બનેલી લક્ષ્મી, સુરેખા જેવી કંપનીની બાઈક પણ છે.
જેની સાથે મોટરબાઇકમાં બીજા વિશ્વ યુદ્ધમાં વપરાયેલી BSA, નોર્ટન, ટ્રિઅમ્ફની શક્તિશાળી બાઈક, જેમાં બાઈકના સ્ટીયરિંગ અને સીટ નીચે સ્પ્રિંગ, એલ્યુમનિયમ બોડીના એન્જિન તેમજ બંદૂક, દારૂગોળો સહિતની સાધન સામગ્રી લઈ જવા મજબૂત કેરિયર જેવી વિશેષતા જોવા મળે છે. જ્યારે લંડનની મહિલા પોલીસ કર્મીઓ વાપરતી ટ્રિઅમ્ફની બ્લુ કલરની આકર્ષક બાઈક પણ તેમના સંગ્રહમાં છે. ક્રિપલાની દેસાઈના વારસાને હવે એમનાં પુત્ર સિદ્ધાર્થ દેસાઈએ સાચવ્યો છે, સિદ્ધાર્થ પણ વિન્ટેજ બાઈક શોધીને એમના કાફલામાં સમાવી રહ્યા છે.
વિન્ટેજ બાઈકનો શોખ ખાતર દેસાઈ પિતા પુત્રએ દરેક બાઈકને આજે પણ ચાલુ હાલતમાં રાખી છે. તમામ બાઇકના મેંટેનન્સ પાછળ મહિને અંદાજે 1 લાખ રૂપિયા સુધીનો ખર્ચ પણ કરે છે. બાઈક વર્કિંગ કન્ડીશનમાં રાખવા છેલ્લા 25 વર્ષોથી એક મિકેનિક મહેબૂબ શેખ રાખ્યો છે. જે દરેક બાઈકનું ટ્યુનઅપ કરવા સાથે તેની સંપૂર્ણ સંભાળ રાખે છે. મિકેનિક મહેબૂબ પ્રમાણે વિન્ટેજ બાઈક આજની બાઈક કરતા બહેતર છે. 800 CCની બાઈક ચાલ્યા બાદ ગરમ એન્જિન બાહ્ય હવાથી જ થોડીવારમાં ઠંડુ થઈ જાય છે.
જ્યારે જૂની બાઇકમાં કાર્બોરેટર છે, જેથી થોડા પેટ્રોલમાં પણ બાઈક ચાલુ થઈ જાય છે. જેની સામે આજની બાઈક ઠંડી પાડવામાં રેડિયેટર આવે છે, સાથે જ ટેકનિક પણ નવી હોવાથી જ્યાં સુધી 2 થી અઢી લીટર પેટ્રોલ ન નાંખવામાં આવે, ત્યાં સુધી ચાલુ જ નથી. હું તમામ બાઈકને અપ ટૂ ડેટ રાખી છે, જ્યારે ચાલુ કરવી હોય, ત્યારે પેટ્રોલ નાંખીએ અને થોડી મહેનત કરતા જ ચાલુ થઈ જાય છે. ક્રિપલાની દેસાઈનો વિન્ટેજ બાઈકનો ખજાનો આજની યુવા પીઢી જોઈ અને જાણી શકે એવા પ્રયાસ તેમના પુત્ર સિદ્ધાર્થ કરી રહ્યા છે. જોકે 100 વર્ષોથી વધુ સમયનો ઇતિહાસ જીવી ચૂકેલી આ વિન્ટેજ બાઈક જોવા સાથે હકીકતમાં અનુભવવાનો પણ એક અલૌકિક લાહ્વો છે.
Trending Photos