ગુજરાતી ખેડૂતોના ઘરોમાં કંસાર બન્યો, હળોતરાનું મુહૂર્ત સાચવીને પરંપરા જાળવી

Akshaya Tritiya 2023 સમીર બલોચ/અરવલ્લી : આજે દેશભરમાં અક્ષય તૃતીયાનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે. આજે વિવાહ, મુંડન, ગૃહ પ્રવેશ, નવા કામની શરૂઆત જેવા શુભ કાર્યો કરવા માટે વણજોયું મહૂર્ત છે. એટલે કે આ દિવસે કોઇપણ કાર્ય શુભ મુહૂર્ત જોયા વિના કરી શકાય છે. અક્ષય તૃતીયાનો દિવસ વર્ષ દરમિયાન આવતા શુભ દિવસોમાંથી એક છે. આ દિવસે કેટલાક શુભ કાર્યો કરવામાં આવે તો માતા લક્ષ્મી વ્યક્તિ ઉપર હંમેશા મહેરબાન રહે છે અને તેમને સુખ સમૃદ્ધિ આપે છે. ત્યારે આ દિવસ ગુજરાતના ખેડૂતો માટે ખાસ ગણાય છે. અક્ષયા તૃત્તીયાના શુભ દિને ધરતીપુત્રો વણજોયેલા આ મુહુર્તમાં નવા કૃષિ -વર્ષનો ઉમંગભેર પ્રારંભ કરે છે. નવા વર્ષ માટે ખેતી પાકોનું આયોજન કરે છે. ત્યારે અરવલ્લીના ખેડૂતોએ વર્ષો જૂની ચાલી આવતી પરંપરાને હળોતરા ઉજવીને ખેતીનો પ્રારંભ કર્યો. 

1/6
image

અરવલ્લીમાં અત્ર..તત્ર..સર્વત્ર.. ખેડૂતો ભાઈઓએ ભારે ઉમંગ સાથે પોતાના ખેતી ઓજારો, હળ તૈયાર કરી, બળદોના શિંગડા રંગી, નવા પોષાક પહેરી, ખેતરે સાગમટે હળ જોડીને જઈને ખેતીનું મુહુર્ત કર્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ આજના શુભ દિને જિલ્લાના ઈસરોલ પંથકના સૌ ભૂમિપુત્રો એકસાથે જ હળ જોડીને ગામ નાજીકના એક મોટા ખેતરમાં જઈને ખેડ કરી નવા વર્ષનું ખેતીનું મુહૂર્ત સાગમટે કર્યું હતું. 

2/6
image

ખેડૂત વીરાભાઇ પટેલ કહે છે કે, આજે ખેતીમાં ભલે આધુનિક ઓજાર તરીકે ટ્રેકટર હોય પણ ખેડૂતો આજે પણ હળોતરા તો બળદ થકી જ હળ જોડીને જ કરતા હોય છે. આજે દરેક ગામે.. ખેડૂતો સાગમટે નીકળીને ખેતરમાં હળ જોતરીને ગયા હતા અને ગામના કોઈપણ મોટા ખેતરમાં જઈને હળથી ચાસ પાડી ખેતર ખેડ્યાં હતા અને નવા વર્ષની ખેતીનું મુહુર્ત કર્યું હતું.

3/6
image

ભૂમિપુત્રો  નવા પોષાક પહેરી અને બળદોને સજાવીને અને લાકડાના હળને કુમકુમ તિલક કરી, બળદના શિગડા રમજીના રંગથી રંગીને, મોં મીઠું કરી તેમજ કંસાર જમીને બધા જ ખેડૂતો એક સાથે ઘરેથી નીકળી ખેતરે ગયા હતા. જ્યાં બધા જ એક સાથે હળ ચલાવી ખેતર ખેડી ખેતરમાં સાત ધાન્ય ઘઉં, મકાઈ, બાજરી, મઠ, મગનું વાવેતર કરી નવા કૃષિ વર્ષનો પ્રારંભ કર્યો હતો. 

4/6
image

વીતેલા વર્ષમાં પકવેલા પાકોના ભાવ નહિ મળ્યાનું દુખ છે. છતાં આજે નવા વર્ષનો ઉમંગે પ્રારંભ કર્યા પછી ઘરે આવી આખા વર્ષની ખેતીનું આયોજન કર્યું હતું. વીતેલા વર્ષનું સરવૈયું માંડીને અને નવા વર્ષની ખેતી વાવેતર અને પાકનું આયોજન કરવા સાથે ખેતી માટે કામે રાખેલ મજુરોના હિસાબો કરી નવા વર્ષનું કામ સોંપવાના કામમાં પરોવાયેલા જોવા મળ્યા હતા. જોકે અખાત્રીજ એટલે ખેડૂતો માટે મહત્વનો દિવસ ગણવામાં આવે છે. ત્યારે આજના પાવન દિવસે ખેડૂતોએ ખેતીના મુહૂર્ત સાથે ધરતી માતાનું પણ પૂજન અર્ચન કરી વર્ષો જૂની પરંપરા નિભાવી હતી.

5/6
image

6/6
image