PHOTOS: 3 વર્ષના બાળકને રખડતા કૂતરા 50 મીટર સુધી ખેંચી ગયા, પેટના આંતરડા બહાર આવી ગયા

તસવીરો તમને હચમચાવી દેશે. ભરૂચના નબીપુરની આ ઘટનામાં કૂતરાના જીવલેણ હુમલામાં 3 વર્ષનું બાળક રીબાઈ રીબાઈને મોતને ભેટ્યો. 

ભરત ચુડાસમા, ભરૂચ: ભરૂચ તાલુકાના નબીપુરમાં ત્રણ વર્ષના બાળક પર શ્વાનોના હુમલામાં માસૂમ બાળકનું કરૂણ મોત નીપજતાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી. રખડતા શ્વાનો ના પગલે છેલ્લા 3 મહિનામાં 10 જેટલા બાળકોને કૂતરાઓએ બચકાં ભર્યાની ઘટનાઓ ગામમાં બનતા ગ્રામજનોમાં ડર નો માહોલ છવાઈ ગયો છે.

ઘર નજીક રમતા બાળક પર કૂતરાનો જીવલેણ હુમલો

1/5
image

ભરૂચ તાલુકાના નબીપુર ગામે ગતરોજ એક 3 વર્ષનો બાળક જેનું નામ મહમદ જેટ સિદ્દી છે, તે પોતાના ઘરની નજીક રમી રહ્યો હતો. આ દરમ્યાન રસ્તે રખડતા 3 થી 4 કૂતરાઓએ બાળક ઉપર જીવલેણ હુમલો કર્યો હતો અને બાળકને આશરે 50 મીટર જેટલું દૂર ખેંચી ગયા હતા. બાળકના પેટના ભાગે તથા માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. શબે બરાતની ઇદ હોવાના તઅને મૃતક બાળકના પરિવારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.

બાળકના પેટના આંતરડા બહાર આવી ગયા

2/5
image

બાળકના પેટના ભાગે ગંભીર ઇજાઓના કારણે પેટમાંથી આંતરડા પણ બહાર આવી ગયા હતા. જ્યારે બાળકના માતાને ખબર પડતાં તેઓ પોતાના દીકરાને બચાવવા દોડ્યા ત્યાં સુધીમાં તો કૂતરાઓ પોતાનું કામ તમામ કરી દીધું હતું. 

મૂળ આફ્રિકન પણ વર્ષોથી નબીપુરમાં વસેલો છે પરિવાર

3/5
image

મૂળ આફ્રિકન અને ઝગડિયાના રતનપુર ગામે આવેલ બાવાગોરની દરગાહથી વર્ષો પહેલા નબીપુર આવીને વસેલા સિદ્દી બાદશાહ પરિવારને સ્થાનિકો રખેવાળ પણ કહે છે. ગામ લોકો રાજીખુશી 100-200 રૂપિયા, જમવાનું, સદકો, જકાત અથવા અનાજ આપે ત્યારે આ સિદ્દી બાદશાહ પરિવારો પોતાનું ગુજરાન ચલાવે છે. પવિત્ર રમઝાન માસમાં ગામમાં શહેરીના સમયે લોકોને જગાડવાની જહેમત ઉઠાવનાર પરિવારે રમઝાન પહેલા જ પોતાનો બાળક ગુમાવ્યો. (મૃતક બાળકનો ફાઈલ ફોટો)

ગ્રામજનોમાં ભયની લાગણી

4/5
image

આજુબાજુના રહીશોએ બાળકના મૃતદેહને તેના ઘેર લઇ જઇ બાળકના માતા પિતાના દુઃખમાં સહભાગી બન્યા હતા. મૃતક બાળક આ કુટુંબનો એકનો એક દીકરો હતો. જેથી આ ઘટનાથી સિદ્દી કુટુંબ ઉપર જાણે આભ તુટી પડ્યું હતું. શ્વાનના ત્રાસના પગલે ગ્રામજનોમાં ભારે ભયની લાગણી વ્યાપી જવા પામી છે. રખડતા શ્વાનોને સામે કાર્યવાહી કરાય એવી માંગ ઉઠવા પામી છે.   

આટલી મોટી ઘટના છતાં પીડિત પરિવારને નથી મળી રહ્યો સહકાર!

5/5
image

જો કે નબીપુર ગામમાં આવેલ સ્ટેશન રોડ ઉપર દેડકાની ચાલમાં રહેતા સિદી બાદશાહ પરિવારોને ફક્ત સ્ટેશન રોડના અમુક પરિવારોનો સહકાર મળી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ મૃતકના પરિવારજનો મૂળ નબીપુર ગામના ન હોવાના કારણે તેઓને ગામનો સહકાર મળવો મુશ્કેલ થઈ પડ્યો છે. (મૃતક બાળકનો ફાઈલ ફોટો)