મેઘરાજાનો માતાજી પર જળાભિષેક : હજારો વર્ષ પહેલા સિદ્ધરાજ જયસિંહ બનાવેલું મંદિર પાણીમાં ડૂબ્યુ

Bhavnagar News નવનીત દલવાડી/ભાવનગર : ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કુકડ ગામ નજીક આવેલું પોહરિઆઇ મંદિર દર ચોમાસામાં પાણીમાં ગરકાવ થઈ જાય છે. સિદ્ધરાજ સોલંકીએ મંદિર બંધાવ્યું હતું, જેને હજારો વર્ષોનો સમય વીતી ગયો છે. હાલ અહીં ડેમ બનાવવામાં આવેલો હોય આ મંદિર પર ચોમાસા દરમ્યાન ચારે તરફથી આવતા વરસાદી પાણી ફરી વળે છે, જેના કારણે પોહરિઆઈ મંદિર પાણીમાં ગરકાવ થઈ જાય છે. હજારો લોકો દર્શનાર્થે આવતા હોય લોકોની શ્રદ્ધાને ધ્યાને રાખી 15 વર્ષ પૂર્વે બાજુમાં આવેલા ઊંચા ટેકરા પર મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે.

1/7
image

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના છેવાડે આવેલા કુકડ ગામ નજીક પ્રાચીન પોહરીઆઇ માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિર દર વર્ષે ચોમાસા દરમ્યાન આ મંદિર પાણીમાં ગરકાવ થઈ જાય છે. ઘોઘા અને તળાજા તાલુકા પંથકના સાત ગામની મધ્યમાં આવેલા પોહરીઆઈ મંદિર પર દર વર્ષે મેઘરાજા નદીઓના ધસમસતા પ્રવાહથી મંદિર પર અભિષેક કરે છે. ત્યારે બંને તાલુકામાં પડેલા ધોધમાર વરસાદી પાણી અહીં એકત્રિત થતાં હોય જેના કારણે આ મંદિર પાણીમાં ગરકાવ થઈ જાય છે.

2/7
image

માં ખોડિયારનું પોહરીઆઈ મંદિર હજારો વર્ષો જૂનુ  છે. કહેવાય છે કે, સિદ્ધરાજ સોલંકી ફરવા નીકળતા હતા ત્યારે જ્યાં રોકાણ કરતા ત્યાં કોઈને કોઈ દેવસ્થાન નું નિર્માણ કરાવતા હતા, જેના કારણે આ મંદિરનું નિર્માણ પણ સિદ્ધરાજ સોલંકીએ કરાવ્યું હોવાની લોકવાયકા પ્રચલિત છે. 

3/7
image

બીજી એક લોકવાયકા મુજબ અહી એક માલધારી કુળની મહિલા પોતાના બાળક સાથે કપડાં ધોવા આવી હતી અને ત્યારે આ મહિલાનું બાળક રમતા રમતા પાણીમાં પડી ગયું હતું, ત્યારે બાળકને બચાવી લેવા માતાજીને આજીજી કરતા માતાજીએ સ્વંયમ પ્રગટ થઈ બાળકનો જીવ બચાવ્યો હતો અને ત્યારથી આ મંદિર લોકોની આસ્થાનું પ્રતિક બની ગયું છે.   

4/7
image

અહીં પૂનમ અને સાતમ આથમે હજારો લોકો દર્શનાર્થે આવતા હોય છે. પરંતુ અહી ફરતે વરસાદી પાણી મોટી માત્રામાં એકત્રિત થતું હોય લોકોની સુખાકારી માટે આ મંદિર ફરતે સરકાર દ્વારા ૧૫ વર્ષ પહેલાં ડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું, આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ થતાં નદીઓમાં વહી રહેલા પાણી સીધા અહી માતાજીના મંદિર પર ઠલવાય છે. જેના કારણે માતાજીનો અભિષેક થતો હોય એવા દ્રશ્યો સર્જાય છે અને જોતજોતામાં લોકોની નજર સામે ડેમમાં પાણી ભરાઈ જતાં મંદિર પાણીમાં ગરકાવ થઈ જાય છે. 

5/7
image

પોહરીઆઈ મંદિરના પૂજારી દિલીપરામ અગ્રાવત જણાવે છે કે, મોટી સંખ્યામાં લોકો અહી દર્શનાર્થે આવતા હોય લોકોની આસ્થાને ઠેસ ના પહોંચે અને લોકો માતાજીના દર્શન કરી શકે એ માટે ટ્રસ્ટ દ્વારા નજીકની ઊંચી જગ્યામાં નવા મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું છે. જેના કારણે ચોમાસાના ચાર મહિના લોકો આ મંદિરમાં માતાજીના દર્શન કરી શકે છે. આ મંદિર ડુંગરાળ વિસ્તારની મધ્યમાં આવેલું હોય અહી મોટી સંખ્યામાં લોકો માતાજીના દર્શનાર્થે આવે છે. 

6/7
image

7/7
image