અલૌકિક જડીબુટ્ટીઓની ભંડાર છે આ ગિરિમાળા, લીલીછમ વનરાજી વચ્ચે બિરાજમાન મહાદેવ

નવનીત દલવાડી/ ભાવનગર: ભાવનગર જિલ્લાના ભંડારીયા ગામની ગિરિમાળાઓમાં આવેલું માળનાથ મહાદેવ અતિ રમણીય અને સુંદર ધાર્મિક સ્થળ છે, અંહીની લીલોતરી મન મોહી લે છે, પાવનકારી અને કલ્યાણકારી માળનાથ મહાદેવના દર્શન કરવા દૂર દૂર થી લોકો આવે છે, મહાદેવના સાનિધ્યમાં લોકોને પરમ શાંતિની અનુભૂતિ થાય છે.

જડીબુટ્ટીઓનો ભંડાર માળનાથની ગિરિમાળા

1/5
image

ભાવનગરના ભંડારીયા ગામના ડુંગરો માં આવેલા માળનાથ મહાદેવ મંદિરની આજુબાજુમાં અલૌકિક જડીબુટ્ટીઓ નો ભંડાર છે, અંહી અનેક પ્રકાર ની આયુર્વેદિક ઔષધિઓ જોવા મળે છે, વિકળો, ઠુમરી, અરડૂસી, સતાવરી, અશ્વગંધા જેવી હજારો દુર્લભ આયુર્વેદિક ઔષધિઓ અહીં મોટા પ્રમાણમાં જોવા મળે છે.

લીલીછમ વનરાજી વચ્ચે બિરાજમાન છે મહાદેવ

2/5
image

ભંડારીયા ગામની ગિરિમાળા ના ડુંગરો માં ચોમાસા દરમ્યાન લીલીછમ ચાદર પથરાઈ જાય છે, અહીં નું દૃશ્ય ખૂબ મનમોહક બની જાય છે, ચારે તરફ ઊંચા ઊંચા ડુંગરો અને એના પર લીલાછમ વૃક્ષોનો એક અલગ જ નજારો જોવા મળે છે.

અતિ પ્રાચીન સ્થળ છે માળનાથ મહાદેવ

3/5
image

સુંદર ગિરિમાળાઓ ડુંગરો ની વચ્ચે આવેલું આ મંદિર અતિ પ્રાચીન માનવામાં આવે છે, આશરે 650 વર્ષ પૂર્વે એની સ્થાપના કરવામાં આવી હોવાનું ગામલોકો નું માનવું છે, જોકે 132 વર્ષ પૂર્વે 1887 માં ભાવનગરના તત્કાલીન નેકનામદાર મહારાજા તખ્તસિંહજી ગોહિલ એ મહાદેવ પ્રત્યેની પોતાની આસ્થાને કારણે આ મંદિર નો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.

પર્યટન અને ટ્રેકિંગ માટે શ્રેષ્ઠ છે ગિરિમાળા

4/5
image

માળનાથ મહાદેવ મંદિર ની આજુબાજુ માં આવેલ સુંદર અને લીલીછમ ગિરિમાળા ના કારણે અહીં ગુજરાતભર માથી હજારો લોકો પરિવાર સાથે ફરવા આવે છે, અહીં ઊંચા ઊંચા પર્વતો પર્વતારોહણ નો શોખ ધરાવતા લોકો માટે પસંદગીનું સ્થળ છે.

કઈ રીતે જઈ શકાય માળનાથ મહાદેવ

5/5
image

ભાવનગર થી તળાજા રોડ પર આશરે 26 કિમી દૂર આવેલું છે માળનાથ મહાદેવનું મંદિર, ત્યાં જવા માટે તમે ભાવનગરથી તળાજા, મહુવા જતી કોઈ પણ બસમાં બેસી ઉખરલા ગામ સુધી જઈ શકો છો અને ત્યાંથી બીજા વાહનમાં બેસી માળનાથ જઈ શકાય છે, બાઈક, કાર, મીની બસ લઈને પણ માળનાથ જઈ શકાય છે. ચાલવાના શોખીન લોકો ઊખરલા ગામથી ચાલતા દર્શને આવતા હોય છે જ્યારે ટ્રેકિંગ ના શોખીન લોકો ભંડારીયા ની ગિરિમાળામાં ડુંગરો ખૂંદીને વીરેશ્વર મહાદેવ થઈ માળનાથ ના દર્શને આવે છે.