નર્મદા પરિક્રમા કરવા ઉમટી પડ્યા ભક્તો, એક રાતમાં 27 હજાર લોકોએ પરિક્રમા પૂરી કરી

Narmada Parikrama રાજપીપલા : શનિવારની રાત્રિથી રવિવારે સવારે ૧૦ કલાક સુધીમાં ૨૭ હજાર કરતા વધુ શ્રદ્ધાળુઓએ નર્મદા પરિક્રમા કરી ધન્યતા અનુભવી : પરિક્રમાના પ્રારંભથી એક સપ્તાહમાં લાખોની સંખ્યામાં લોકો જોડાયા, પરિક્રમાર્થીઓની સંખ્યામાં વધારો થતા રામપુરા ઘાટ ખાતે ૩૫ અને શહેરાવ ઘાટ પર ૩૦ નાવડીનું થઈ રહેલું સંચાલન, નર્મદા જિલ્લા વહીવટી તંત્ર ઊભી કરાયેલી સુવિધાઓની પ્રસંસા કરતા ભાવિકો : પરિક્રમા પૂર્ણ થતાં રામપુરા ઘાટ ખાતે ચૈત્ર નવરાત્રિએ ગરબા રમી ધન્યતા અનુભવતા શ્રદ્ધાળુઓ 

1/8
image

નર્મદા જિલ્લામાં ચૈત્ર મહિના દરમિયાન યોજાતી માં નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા અર્થે મોટી સંખ્યામાં પરિક્રમાર્થીઓ વિવિધ રાજ્યોમાંથી આવી રહ્યા છે. જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ આ વર્ષે પરિક્રમાર્થીઓ માટે પુરતી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. પરિક્રમાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ૨૪X૭ કલાક કન્ટ્રોલરૂમના માધ્યમથી સમગ્ર પરિક્રમા ઉપર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શાંતિ-સલામતી સુવિધા પર નજર રાખવામાં આવી રહી છે.

2/8
image

નર્મદા નદીની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા એક આધ્યાત્મિક પદ પરિક્રમા છે, ખાસ કરીને હાલમાં ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે ત્યારે શનિવારની રાત્રિથી રવિવારે સવારે ૧૦ કલાક સુધીમાં અંદાજે ૨૭ હજાર કરતા વધુ શ્રદ્ધાળુઓએ માં નર્મદાની પરિક્રમા કરી હતી. શ્રદ્ધાળુઓ પરિક્રમા પૂર્ણ કરી રામપુરા ઘાટ ખાતે ચૈત્ર નવરાત્રીએ ગરબા રમીને પરિક્રમા સાથે પણ જાણે ઉત્સાહ – ઉમંગ સાથે વધાવી ધન્યતા અનુભવી હતી. 

3/8
image

પરિક્રમાર્થીઓની સંખ્યા અનુસાર રામપુરા ઘાટ ખાતે ૩૫ અને શહેરાવ ઘાટ ખાતે ૩૦ નાવડીઓનું સતત અને સલામત સંચાલન કરવામાં આવી રહ્યું છે. પરિક્રમાના પ્રારંભથી એક સપ્તાહના સમયમાં લાખોની સંખ્યામાં ભાવિકોએ આ પરિક્રમાનો લાભ લીધો છે. માઉથ ટુ માઉથ પ્રસાર-પ્રચાર થઈ રહ્યો છે. એક બીજાને સારી સુવિધાની વાત કહેતા લોકો અનુકૂળતાએ પરિક્રમા કરવા નદીના પ્રવાહની જેમ આવ્યા કરે છે. નર્મદાના નીરની જેમ અસ્ખલિત રીતે વહ્યા કરે છે. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સમગ્ર રાત્રિ દરમિયાન પરિક્રમા રૂટ પર સતત પેટ્રોલિંગ કરવા સાથે વિવિધ પોઈટ ખાતે સુરક્ષા જવાનો દ્વારા ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. વાહન પાર્કિંગના સ્થળોએ પણ શિસ્તબદ્ધ રીતે સંચાલન કરવામાં આવી રહ્યું છે.

4/8
image

રામપુરા, શહેરાવ, તિલકવાડા અને રેંગણ ઘાટ ખાતે ૨૪X૭ કલાક ફરજ બજાવી રહેલા નોડલ-સહ નોડલ ઓફિસર તેમજ કર્મચારીઓ દ્વારા કન્ટ્રોલ રૂમમાં સમયાંતરે રિપોર્ટીંગ કરવામાં આવી રહ્યું છે. જ્યારે આરોગ્ય વિભાગની ટીમો પ્રાથમિક સારવારની દવાઓ સાથે તમામ ઘાટ અને રામજી મંદિર પરિસર ખાતે પરિક્રમાર્થીઓની મુશ્કેલીમાં કાળજી લેવાનું કામ કરી રહી છે. સમગ્ર પરિક્રમા રૂટમાં અનોખું વાતાવરણ અને એકલ દોકલ અને ટુકડીમાં શ્રદ્ધાપૂર્વક યાત્રા કરી રહ્યા છે. નર્મદાના નીરથી ફૂવારા દ્વારા સ્નાન કરીને ધન્યતા અનુભવે છે. જીવનની યાદગાર ક્ષણને મોબાઈલમાં કેદ કરી સેલ્ફી-ફોટો-વીડિયો પણ ઉતારીને અનોખી પળોને કેદ કરે છે. 

ચૈત્ર મહિનાની પરિક્રમા એટલે નાની પરિક્રમા

5/8
image

સમગ્ર વિશ્વમાં નર્મદા નદી એવી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે. કહેવાય છે કે ગંગા સ્નાને, યમુના પાને અને નર્મદા દર્શન માત્રથી પવિત્ર કરે છે. ત્યારે જ્યાંથી માં નર્મદા ઉત્તરવાહિની થાય છે, એટલે કે નાંદોદ તાલુકાના રામપુરા કીડીમકોડી ઘાટની ચૈત્ર માસની એકમથી ચૈત્ર માસની અમાસ સુધી એટલે કે 30 દિવસ આ પરિક્રમા કરવામાં આવે છે. જેને નર્મદા નદીની નાની પરિક્રમા કહેવામાં આવે છે. આ પરિક્રમાની શરૂઆત 8 એપ્રિલથી થશે. મોટી સંખ્યામાં લોકો મા રેવાની પરિક્રમા માટે નીકળી પડે છે. એક મહિનાના સમયગાળામાં પરિક્રમા કરતા શ્રદ્ધાળુઓ નદી તટે જોવા મળે છે. જેમના માટે સ્થાનિક લોકો દ્વારા વિવિધ વ્યવસ્થા કરવામા આવે છે. ભક્તો દ્વારા ચૈત્ર મહિનામાં થતી નાની પરિક્રમા કરવામાં આવી રહી છે.

શું છે નાની પરિક્રમા અને મોટી પરિક્રમા

6/8
image

આ પરિક્રમાના રૂટની વાત કરીયે તો, રામપુરા ગામથી આ પરિક્રમાની શરૂઆત કરવામાં આવે છે. રામપુરા, માંગરોળ, ગુવાર, તિલકવાડા અને રેંગણ-વાસણ ગામ થઈને ફરી રામપુરા પહોંચીયે ત્યારે આ 19 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ થઈ ગણાઈ છે. જ્યારે મોટી પરિક્રમા એટલે કે અમરકંટકથી માં નર્મદાની પરિક્રમા શરૂ થતી હોઈ છે. જો આ કરવી હોઈ તો 36 હજાર 600 કિલોમીટરની પરિક્રમા છે. જેને પુરી કરતા લગભગ 3 વર્ષ અને 6 મહિના જેટલો સમય લાગે છે.   

ચૈત્ર મહિનાની પરિક્રમાનું મહત્વ

7/8
image

જે ભક્તો મોટી પરિક્રમા ના કરી શકતા હોય તે ચૈત્ર મહિનામાં આ 19 કિલોમીટરની પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે. 19 કિલોમીટરની પરિક્રમા કરતા લગભગ 5 થી 7 કલાકનો સમય લાગે છે. પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો લાભ ગુજરાત જ નહીં, પણ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકો પણ લઈ રહ્યા છે. 

8/8
image

આ પરિક્રમા માટે રોજના 20 થી 25 હજાર લોકો આ પરિક્રમાનો લાભ લઈ રહ્યા છે. પરિક્રમા કરનાર ભક્તોને પરિક્રમાના રૂટમાં આવતા આશ્રમો, મંદિરો અને ગામના લોકો દ્વારા રેહવાની, નાસ્તાની અને જમવાની પણ સુવિધા વિના મુલ્યે આપવામાં આવે છે. આજે રવિવારને કારણે મોટી સંખ્યામાં લોકો પરિક્રમા કરી રહ્યા છે.