ભૂલાઈ રહી છે ગુજરાતના શ્વાસમાં ધબકતી બારોટજીની વંશાવલીની પદ્ધતિ, જેને આપણા પૂર્વજોએ જીવની જેમ સાચવી હતી
આજે માનવી પોતાના કુળ અને મૂળ વિશે જાણવા ઉત્સુકતા રાખે તે સ્વાભાવિક છે અને માહિતીનો એકમાત્ર આધારભૂત સ્તોત્ર બારોટજીના ચોપડા છે. આ સંસ્કૃતિનો વારસો શહેરીજનોમાં વિલિપ્ત થઈ રહ્યો છે તેમ કહીયે તો નવાઈ નહિ
તેજશ દવે/મહેસાણા :વહી એટલે લોક સંસ્કૃતિનો વિરડો. આજના આધુનિક યુગમાં પણ વહી શબ્દનું ગ્રામ્ય સંસ્કૃતિમાં ખૂબ મહત્વ છે. વહીઓ આપણા ભવ્ય ભૂતકાળને જાણવાનું એક સબળ સાધન છે. વહીઓના અનેક પ્રકાર છે. આજની પેઢીને એમ લાગે છે કે, હવે કોણ વહી લખે. પરંતુ રસપ્રદ તેનો ભૂતકાળ છે. આ વહી કોણ લખે અને વહી દ્વારા આપણો ભવ્ય ભૂતકાળ કેવી રીતે જાણી શકાય? તો આ પ્રશ્નનો જવાબ મેળવવા વહી ને લખનાર બારોટને મળવું પડે. આ એક અનોખી સંસ્કૃતિને ઉજાગર કરવાનો પ્રયાસ છે. ત્યારે શુ છે આ વહી અને તેનો કેવો છે ઇતિહાસ જોઈએ.
દરેક માનવીને કાયમ પોતાના કુળ અને મૂળની વિગત જાણવાની ઈચ્છા હોય તે સ્વાભાવિક છે. પરંતુ આ કુળ અને મૂળની વિગત જાણવી ક્યાં? માનવીની આ ઈચ્છાને બારોટજી જ સંતોષી શકે. મોટાભાગની જ્ઞાતિઓ ઇતિહાસ જીવંત રાખવા માટે અપડેટેટ અને પ્રાચીન પરંપરા એ જ બારોટજીની વહી. આપણે ત્યાં આ વહી ને લખનારને વહીવંચા બારોટજી તરીકે ઓળખવામાં આવે છે. બારોટજી વહીમાં નવી અને પ્રમાણભૂત માહિતી ઉમેરાતી જ જાય. જૂની ભરાઈ જાય એટલે નવી લખાતી જાય. યજમાન અને વહીવંચા બારોટજી પેઢીઓ બદલાય પણ વહી એ જ રહે.
બારોટજી એટલે કોણ
સરસ મજાના સફેદ વસ્ત્ર, મછમોટી મૂછો, ગળે રુદ્રાક્ષની એક બે માળાઓ, અને ખભે વહીનો થેલો, પહાડી દેહ અને અવાજ ય પહાડી. આ બારોટજીની ઓળખ. કદાચ આજના યુગમાં આ દ્રશ્ય શહેરી વિસ્તાર માટે દુલર્ભ ગણાય. પણ આ દ્રશ્ય આજે પણ આપણા ગ્રામ્ય વિસ્તારમાં અને ખાસ કરીને રાજપૂત સમાજમાં અચૂક જોવા મળે છે. ગામડામાં જ્યારે બારોટજી આવે ત્યારે ઉત્સવનો માહોલ હોય છે. જેના ઘરે પોટલું ઉતરે તેના ઘરે પહેલું જમણ લેવાય. બારોટજી માટે ઢોલિયા ઢળાય. ચા પાણી થાય અને ગામના ફળિયામાં લોકો રામ રામ કરવા માટે આવે અને ત્યારપછી શરૂ થાય વંશાવલીનું કામ. બારોટજી રાત પડે અને વાર્તા માંડે. પૂર્વજોના નામ સંભળાવે અને તેમની બહાદુરીના કિસ્સા પણ સંભળાવે અને ત્યારબાદ નવા જન્મેલા બાળકની વહીમાં નોંધ પડે.
બારોટજી પંકજભાઈ જણાવે છે કે, પેઢી દર પેઢીની યાદી રાખતા બારોટના ચોપડાનો ઇતિહાસ ભવ્ય છે. આજે પણ આ ચોપડામાં કોઈ પણ વ્યક્તિનું મૂળ મળી જાય. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ભક્ત કવિ નરસિંહ મહેતાનો ઇતિહાસ અને મૂળ પણ બારોટજી ચોપડામાં મળી જાય. આજના કોમ્પ્યુટર યુગમાં પણ રાજપૂત સમાજમાં નવા બાળકનો જન્મ થાય ત્યારે બારોટજીને બોલાવી તેની વહીમાં નોંધ કરાવવામાં આવે છે.
જોકે વહીમાં જે પણ નોંધ થાય તે સાંકેતિક ભાષામાં જ થાય તે ભાષા ને લખનાર બારોટ જ ઉકેલી શકે. વહીમાં લખાણની પદ્ધતિ ગુપ્ત રાખવાની પ્રથા છે. જ્યાં નવું ગામ શરૂ થાય અને એ ગામની વહી શરૂ થાય ત્યાં ઘોડો કિઆડો, પાઘડી, તલવાર, વેઢ, ધોતિયું જેવા શબ્દો લખવામાં આવે. અને આ શબ્દોના ચોક્કસ સાંકેતિક અર્થ થતા હોય. એ અર્થ મુજબની સંખ્યાના પાને આગળની પેઢીઓની વંશાવલી મળે. તો મોર પનર કે મોર 7 જેવા શબ્દો આગળના પંદરમાં પુષ્ઠ ઉપર કે આગળના 7 માં પાના ઉપર એવો મતલબ થાય છે. આ રીતે જુદી જુદી જ્ઞાતિઓની વંશાવલી ધરાવતી વહીઓ બારોટ પાસે સચવાયેલી પડી છે. જોકે આજે આ અમૂલ્ય વારસો માત્ર ગ્રામ્ય સંસ્કૃતિ કે ચોક્કસ જ્ઞાતિ પૂરતો જ સીમિત બની ગયો છે.
વહી લખનાર બારોટજી ભાનુભા કહે છે કે, લોક વિદ્યા અને લોક જીવન સાથે સંબધ ધરાવતી એક અત્યંત મહત્વની કલા છે. છતાં આજદિન સુધી ઉપેક્ષિત રહી છે. વિદ્યાશાખા બારોટ અને બારોટી સાહિત્ય વિશે ઊંડાણથી ચર્ચા અને સંશોધન ખૂબ જરૂરી છે. વહી તરીકે ઓળખાતા બારોટ દ્વારા લખાયેલા વંશાનુંચરિતના લક્ષણો ધરાવતી વંશાવલીના ચોપડાઓનું સામાજિક મૂલ્ય શુ છે એની વિગતવાર આલોચના થવી પણ આજના સમયે આવશ્યક છે. આજે માનવી પોતાના કુળ અને મૂળ વિશે જાણવા ઉત્સુકતા રાખે તે સ્વાભાવિક છે અને માહિતીનો એકમાત્ર આધારભૂત સ્તોત્ર બારોટજીના ચોપડા છે. આ સંસ્કૃતિનો વારસો શહેરીજનોમાં વિલિપ્ત થઈ રહ્યો છે તેમ કહીયે તો નવાઈ નહિ.
Trending Photos