World Yoga Day 2022: ભાવનગરની હેતસ્વીને જોઈ ભલભલી અભિનેત્રીઓને ભુલી જશો, જાણો લગ્ન બાદ યોગથી કેવી રીતે રહેશો ફીટ
નવી દિલ્લીઃ સમગ્ર વિશ્વમાં જે ભારતીય સંસ્કૃતિએ નામના અપાવી એ છે યોગ. ભારત દેશે વિશ્વને યોગની ભેટ આપી છે અને એટલે જ વિશ્વ આખું 21 જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવે છે. ત્યારે ભાવનગરની હેતસ્વી સોમાણીએ આ ભારતીય પરંપરાને જાળવી રાખી છે.
21 જૂને વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે વાત કરીશું ભાવનગરની દિકરી હેતસ્વીની. 24 વર્ષિય હેતસ્વી સોમાણીએ વિશ્વ લેવલની અનેક સ્પર્ધાઓમાં ભાગ લઈ અનેક મેડલ અને ખિતાબો મેળવ્યા છે.
યોગમાં અનેક આસનો હોય છે. અને હેતસ્વી એ તમામ યોગાસનો ખૂબ સરળતાથી કરી શકે છે. હવાના હળવા પ્રવાહથી પણ સ્થિર ન રહી શકતા અને સરળતાથી સરકી જતાં રબ્બર બોલ ઉપર પણ હેતસ્વી આસાનીથી યોગ કરી બતાવે છે. તેની આ અદભૂત યોગ કળાથી સૌ કોઈ પ્રભાવિત થઈ રહ્યા છે.
યોગ એ આપણા ઋષિ મુનિઓ દ્વારા મળેલી પ્રાચીન સંસ્કૃતિ છે. જેના અલગ અલગ આસનો દ્વારા સારા સ્વાસ્થ્ય સાથે શરીરને પણ મજબૂત અને સુડોળ રાખી શકાય છે. ત્યારે 24 વર્ષીય હેતસ્વી સોમાણીએ તેની ઉંમર કરતાં પણ વધુ મેડલો, ટ્રોફી અને એવોર્ડ્સ મેળવ્યા છે. તે 4 વર્ષની હતી ત્યારે તેને યોગમાં રુચિ લાગી હતી અને સતત 21 વર્ષથી યોગ સાથે જોડાયેલી છે.
હેતસ્વીએ પોતાની આગવી પ્રતિભાથી દેશ વિદેશમાં ભારત અને ગુજરાત સહિત ભાવનગરનું નામ રોશન કર્યું છે. હેતસ્વીએ યુરોપ, હોંગકોંગ, દુબઈ, સિંગાપોર, મલેશિયા અને વિયેતનામ જેવા દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી યોગ ક્ષેત્રે કારકિર્દી ઊભી કરી છે. હેતસ્વી આંતરરાષ્ટ્રીય યોગ ચેમ્પિયન છે. તેણે 68 કરતાં વધુ ગોલ્ડ મેડલ, 55 સિલ્વર મેડલ અને 37 બ્રોન્ઝ મેડલ જીતી ચૂકી છે.
એટલું જ નહીં 63 ટ્રોફી એવોર્ડ સહિત અનેક ટાઇટલ મેળવ્યા છે. જેમાં તેણે મિસ યોગિની ઓફ વર્લ્ડ, મિસ યોગિની ઓફ પ્રિન્સેસ, મિસ યોગિની ઓફ યુનિવર્સ, મિસ યોગિની ઓફ સામ્રાગ્ની, મિસ યોગિની ઓફ ખેલમહાકુંભ, મિસ યોનીગી ઓફ ઇન્ડિયાનો એવોર્ડ સામેલ છે. હેતસ્વીએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે મોસ્ટ બેક બેંડીગ ક્વીનનો એવોર્ડ પણ મેળવ્યો છે.
સામાન્ય રીતે નોકરી સાથે જોડાયેલી યુવતીઓ લગ્ન બાદ નોકરી ધંધો છોડી દેતી હોય છે.
હેતસ્વી લગ્ન બાદ પણ યોગ સાથે આજે પણ જોડાયેલી છે. હેતસ્વીના છ વર્ષ પૂર્વે લગ્ન થઈ ચુક્યા છે.. છતાં તે યોગ થકી અલગ અલગ ચેમ્પિયનશિપમાં ભાગ લઈને અનેક ખિતાબ પોતાના નામે કરી રહી છે.
Trending Photos