ફરવા માટે ગુજરાતનું આ લોકેશન છે સાવ નવુ, ગરમીમાં પણ હિમાલયની ઠંડીનો અહેસાસ કરાવી દેશે
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતીઓ ફરવાના શોખીન કહેવાય છે. ગુજરાતીઓ ગુજરાતની દરેક જગ્યાઓ ખુંદી વળ્યા છે. આ કારણે જ ગુજરાત ટુરિઝમ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. આવામા ગુજરાતીઓને ફરવા માટે વધુ એક લોકેશન મળ્યુ છે. વલસાડમાં 15મી સદીનો ઐતિહાસિક પારનેરા ડુંગર હવે વધુ સુવિધા સાથે પર્યટકધામ બની ગયુ છે. તાજેતરમાં જ વલસાડ જિલ્લાના જાણીતા તીર્થ સ્થળ એવા પારનેરા ડુંગર પર વિકાસના કામોનું લોકાર્પણ કરાયું છે. ડુંગર પરના કિલ્લાની અટારીએથી દેખાતા અરબી સમુદ્રનો નજારો અને માતાજીના મંદિરો તથા પ્રાકૃતિક સૌદંર્યથી છલકાતા ડુંગર ઉપર શ્રધ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે નવા રંગરૂપ સાથે ગુજરાતને નવુ પ્રવાસન સ્થળ મળ્યુ છે.
વલસાડથી કેટલુ દૂર
વલસાડથી 6 કિમી દૂર આવેલો પારનેરાનો ઐતિહાસિક ડુંગર ધાર્મિક અને પ્રવાસન સ્થળ તરીકે મહત્વ ધરાવે છે. જેની ત્રિજીયામાં 113.71 હેકટર વન વિસ્તાર ફેલાયેલો છે. એટલે કે સર્વત્ર હરિયાળી છવાયેલી રહે છે. ડુંગર પર લગભગ 15મી સદીનો વિશાળ પેશ્વાઇ કિલ્લો જોવાલાયક છે. કિલ્લાની દક્ષિણે આવેલી નાઠાબારી તરીકે ઓળખાતી જગ્યાએથી સુરત ઉપર ચઢાઇ કરીને પરત ફરી રહેલા શિવાજી પસાર થયા હતા, તેવી લોકવાયકા છે. અહીનું મહાકાળી મંદિર ખુબ જાણીતું અને ચમત્કારિક મનાય છે.
વલસાડ તાલુકાના સુપ્રસિદ્ધ ધાર્મિક પ્રવાસન સ્થળ પારનેરા ડુંગર ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા ફાળવાયેલી ગ્રાન્ટમાંથી જિલ્લા પ્રવાસન સમિતિ દ્વારા રૂા.1.46 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલી સુવિધાઓનું લોકાર્પણ કરાયુ છે.
પારનેરા ડુંગરની ટોચ પર ચંડીકા માતા, અંબિકા માતા, નવદુર્ગા અને મહાકાળી માતાજીના મંદિર આવેલાં છે. અહીં વર્ષમાં બે વખત ચૈત્ર નવરાત્રિ અને આસો નવરાત્રિમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને આવે છે. આ ઉપરાંત દર માસની પૂનમે દર્શનાર્થીઓ માટે ભંડારો રાખવામાં આવે છે.
Trending Photos