દક્ષિણ ગુજરાતમાં આભ ફાટ્યું! વલસાડમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદથી રસ્તાઓ નદીઓ બન્યા!
ઉમેશ પટેલ/વલસાડ: શહેરમાં છેલ્લા બે કલાકમાં 3 ઇંચ વરસાદ પડતા શહેરના વિવિધ વિસ્તારમાં પાણી ભરાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. શહેરના વિવિધ વિસ્તારમાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકો અટવાયા છે. વલસાડમાં ભારે વરસાદ પડતા Zee 24 કલાક દ્વારા ગ્રાઉન્ડ રીપોર્ટ હાથ ધરવામાં આવ્યો હતો.
વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે વલસાડ શહેરમાં છેલ્લા બે કલાકમાં 3 ઇંચ કરતા વધુ વરસાદ પડતાં શહેરના વિવિધ વિસ્તારમાં પાણી ભરાય જવા પામ્યા છે. વલસાડના છીપવાડ, દાણા બજાર, તિથલ રોડ, મોગરવાડી અંદર પાસ, છીપવાડ અંદર પાસ વલસાડ ધરમપુર સ્ટેટ હાઇ-વે પર પાણી ભરાઈ જવા પામ્યા હતા.
શહેરમાં 2 કલાક માં 3 ઇંચ વરસાદ પડતાં શહેરના રસ્તાઓ નદીમાં પરિવર્તન થયા હતા, તો પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી પડી હતી. સ્થાનિક લોકો દ્વારા પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી પર રોષ ઠાલવ્યો હતો. શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો અટવાયા હતા. તો અંદર પાસમાં પીકપ ટેમ્પો અને ઇકો કાર ફસાતા સ્થાનિકો દ્રારા અન્ય મોટા વાહનો સાથે બાંધીને બહાર કાઢવામાં આવ્યા હતા.
Trending Photos