ભક્તિમાં શક્તિ : શરીરે સવા અગિયાર કિલોની લોખંડની સાકળ બાંધી અને ઉલટા પગે ચાલતો નીકળ્યો યુવક
Jamnagar News મુસ્તાક દલ/જામનગર : જામનગરના જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામેથી યુવક માતાના મઢે જવા શરીરે સવા અગિયાર કિલોની લોખંડની સાકળ બાંધી અને ઉલટા પગે ચાલી પદયાત્રા શરૂ કરી છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામના યુવકોની માં આશાપુરા પ્રત્યે અનોખી શ્રદ્ધા છે. મોટા વાગુદળ ગામના દિવ્યરાજસિંહ જાડેજા નામના યુવકે કોઈ માનતા માંગી નથી પરંતુ માત્ર પદયાત્રીઓનો ઉત્સાહ વધારવા માટે જ શરીરે સવા અગિયાર કિલોની લોખંડની સાંકળ બાંધી અને ઉલટા પગે ચાલી કચ્છ ખાતે માતાના મઢે જવા પદયાત્રા શરૂ કરી છે.
દિવ્યરાજસિંહે ગયા વર્ષે પાંચ કિલોની લોખંડની સાંકળ બાંધી પદયાત્રા કરી હતી. ત્યારે આ વર્ષે સવા અગિયાર કિલોની લોખંડની સાકળ બાંધી છે. આ યુવકનું લોખંડની સાકળ બાંધવાનું કારણ માત્ર એટલું જ છે કે તે પદયાત્રીઓને સંદેશ આપવા માંગે છે કે જો તે આટલું વજન લઈને પણ પદયાત્રા કરી શકે છે તો લોકો વગર વજને પણ પદયાત્રા કરી શકે છે.
આ યુવક જોગવડ ગામના જય જોગેશ્વર ગ્રુપ સાથે જોડાયો છે. આ સંઘ દ્વારા છેલ્લા 18 વર્ષથી માતાના મઢે જવા પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ સંઘ સાથે મોટા વાગુદળ ગામનો યુવક પણ છેલ્લા બે વર્ષથી પગપાળા યાત્રા કરે છે અને શરીરે સવા અગિયાર કિલોની લોખંડની સાંકળ બાંધી અને ઉલટા પગે ચાલી લોકોને સંદેશ આપે છે કે જો તે ઉલટા પગે ચાલીને માતાના મઢે જઈ શકતો હોય તો લોકો સીધી રીતે પણ પદયાત્રા કરી શકે છે. સાથે સાથે જય જોગેશ્વર ગ્રુપ દ્વારા જોગવડથી માતાના મઢ જતા પદયાત્રીઓ માટે પીવાનું પાણી તથા આરોગ્ય લક્ષી સેવા પણ પૂરી પાડવામાં આવતી હોય છે.
જામનગરના સમર્પણ સર્કલ પાસે આ પદયાત્રા સંઘ આવી પહોંચતા રાજપુત યુવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ યુવકને માતાજી શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. જોકે જોગવડ ગામના આ યુવકની અનોખી શ્રદ્ધા જોઈને લોકો પણ આશ્ચર્ય ચકિત થઈ ગયા છે.
Trending Photos