Photos : 450 વર્ષ પહેલા એક ગાયને કારણે શોધાયું હતું આ પ્રાચીન શિવમંદિર
મુસ્તાક દલ/જામનગર :જામનગરની નગરીને છોટી કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે અને જામનગરમાં હજારોની સંખ્યામાં શિવ મંદિરો આવેલા છે. શ્રાવણ મહિનામાં ભોલેનાથના મંદિરનો મહિમા અનેરો હોય છે. એવું જ એક પ્રખ્યાત અને જામનગરથી 30 કિલોમીટર દૂર ભોળેશ્વર પર મહાદેવનું મંદિર આવેલું છે. આ પૌરાણિક અને ઐતિહાસિક મંદિર 450 વર્ષ જુનો ઈતિહાસ ધરાવે છે. એવી લોકવાયકા છે કે, ભગવાન ભોળાનાથ અહી સ્વયંભૂ પ્રગટ થયા છે અને મંદિરના શિવલિંગના કદમાં દર વર્ષે વધારો થતો જોવા મળી રહ્યો છે.
ભોળેશ્વર મહાદેવનું મંદિર ત્રિવેણી સંગમ પાસે આવેલું છે. અહીં વિવિધ ત્રણ નદીઓનો સંગમ થાય છે. તેમાંય ખાસ કરીને શ્રાવણ મહિનામાં અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. એક લોકવાયકા પ્રમાણે નારણભાઈ નામના વ્યક્તિને ભગવાન ભોળાનાથે સપનામાં પ્રગટ થવા માંગે છે તેવું કહ્યું હતું અને બાદમાં નારણભાઈ અહીં ખોદકામ કરતાં શિવલિંગ મળી આવ્યું હતું. જોકે આ શિવલિંગમાં ત્રિકમ વાગી જતા લોહી પણ વહેતું થયું હતું.
મંદિરના પૂજારે અશ્વિનગીરી ગોસ્વામીનું કહેવું છે કે, ભોળેશ્વર મહાદેવના મંદિરની વિવિધ ગાથાઓની જો વાત કરવામાં આવે તો અહી મહત્વનું છે કે નારણભાઈની એક ગાય હતી. આ ગાય ગૌશાળામાંથી રોજ અહીં આવતી હતી અને નજીકમાં રહેલ રાફડા પર એકાએક ગાયનું દૂધ પડવા લાગતું હતું. નારણભાઈને સમગ્ર ઘટના વિશે જાણ થતા તેઓ ચિંતામાં મૂકાયા હતા. જોકે બાદમાં ભગવાન ભોળાનાથ તેમને સપનામાં જ અહીં સ્વયં પ્રગટ થવાના તેવું કહ્યું હતું અને બાદમાં અહીં ખોદકામ કરતા ભવ્ય શિવલિંગ મળી આવ્યું છે.
જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં મુરીલા ગામેથી જવાના રસ્તે લાલપુરની બાજુમાં આવેલું ભોળેશ્વર મહાદેવનું મંદિર પોતાના પ્રાકૃતિક સૌંદર્યને કારણે પણ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મંદિરની પાસે એક નદી આવેલી છે અને ત્યાંથી એક ઝરણુ વહેતુ રહે છે. આખો શ્રાવણ મહિનો અને એમાં પણ ખાસ સોમવારે અભૂતપૂર્વ મેદની અહીં ઉમટી પડે છે. ઘણાં લોકો પગપાળા યાત્રા કરીને મંદિરે પહોંચે છે. જોકે મંદિર પ્રશાસનને નદી પાસે સેલ્ફી પોઇન્ટ પણ બનાવ્યો છે, જ્યાં લોકો સેલ્ફી પણ લઈ શકે છે.
Trending Photos