PM Modi Birthday: બાળકો સાથે મેટ્રો ટ્રેનમાં અનોખી રીતે પ્રધાનમંત્રી મોદીએ કરી જન્મદિનની ઉજવણી

1/6
image

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર 17 સપ્ટેમ્બરે તેમના 73મા જન્મદિને રાજધાની દિલ્હીના દ્વારકામાં નવા મેટ્રો સ્ટેશન 'યશોભૂમિ દ્વારકા સેક્ટર-25'નું ઉદ્ઘાટન કર્યું છે. પીએમ મોદી મેટ્રોના નવા રૂટ મારફત યશોભૂમિ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન કેન્દ્ર પહોંચ્યા હતા. અહીં તેમણે યશોભૂમિ નામનું ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર (IICC) રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. આ દરમિયાન તેમણે અહીં પ્રદર્શનમાં આવેલા કુંભારો અને મોચીની મુલાકાત લીધી હતી. પીએમ મોદીના જન્મદિન નિમિત્તે રવિવારે સરકારે વિશ્વકર્મા યોજના લોન્ચ કરી છે જ્યારે ભાજપ ‘નમો વિકાસ ઉત્સવ’ હેઠળ સેવા પખવાડિયાની ઊજવણી કરશે, જેના અંતર્ગત દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

2/6
image

વડાપ્રધાન મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનના ઉદ્ઘાટન સાથે જ નવી દિલ્હીના દ્વારકા સેક્ટર-25 સુધીનો પ્રવાસ માત્ર 21 મિનિટમાં પૂર્ણ થશે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) અનુસાર, દિલ્હી મેટ્રો એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર મેટ્રો ટ્રેનની સ્પીડ 90 થી વધારીને 120 કિમી પ્રતિ કલાક કરાશે. તેનાથી મુસાફરીનો સમય ઘટશે. દિલ્હી મેટ્રોની એરપોર્ટ એક્સપ્રેસ લાઇનને દ્વારકા સેક્ટર-21થી આ કન્વેન્શન સેન્ટર સુધી લંબાવવામાં આવી છે. નવા સ્ટેશનનું નામ IICC-દ્વારકા સેક્ટર-25 રાખવામાં આવ્યું છે, જે એક અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન છે. આ સ્ટેશનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે લોકો મેટ્રોમાંથી નીચે ઉતરી શકશે અને સબવે દ્વારા સીધા આ કન્વેન્શન સેન્ટરની અંદર પહોંચી શકશે.

3/6
image

મેટ્રો ટ્રેનમાં સવાર લોકોએ હેપ્પી બર્થ ડે ટૂ યૂ સોંગ ગાઈને પ્રધાનમંત્રી મોદીને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી. તો બીજી તરફ ત્યાં મેટ્રોમાં સવાર પેસેન્જર દ્વારા પ્રધાનમંત્રીને સંસ્કૃત ભાષામાં પણ જન્મદિનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી. પ્રધાનમંત્રી મોદી પણ આ જોઈને ખુબ પ્રસન્ન થયા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, 8.9 લાખ ચોરસ મીટરથી વધુના પ્રોજેક્ટ એરિયામાં ફેલાયેલું અને 1.8 લાખ ચોરસ મીટરથી વધુના નિર્મિત ક્ષેત્રમાં ફેલાયેલું આ કેન્દ્ર સૌથી મોટી MICE (મીટિંગ્સ, ઇન્સેન્ટિવ્સ, કોન્ફરન્સ અને એક્ઝિબિશન) સુવિધાઓમાંનું એક હશે. તેમાં 15 કન્વેન્શન સેન્ટર છે અને 11 હજાર લોકોની બેઠક ક્ષમતા છે.

4/6
image

વાસ્તવમાં, દેશમાં મીટિંગ્સ, કોન્ફરન્સ અને એક્ઝિબિશનનું આયોજન કરવા માટે વિશ્વ કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું પીએમ મોદીનું વિઝન છે. જેનાથી દ્વારકામાં યશોભૂમિને પ્રોત્સાહન મળશે. આ પ્રદર્શન કેન્દ્રના પ્રથમ તબક્કાના ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ વિશ્વકર્મા યોજના લોન્ચ કરી હતી. આ યોજનાની જાહેરાત સ્વતંત્રતા દિને કરવામાં આવી હતી. ડીએમઆરસીએ એક ટ્વિટમાં માહિતી આપી કે મેટ્રો ટ્રેનના નવા એક્સટેન્શન પછી નવી દિલ્હીથી યશોભૂમિ દ્વારકા સેક્ટર-25 સુધીની એરપોર્ટ એક્સપ્રેસ લાઇનની કુલ લંબાઈ 24.9 કિલોમીટર થઈ જશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ધૌલા કુવાથી મેટ્રોમાં સવાર થઈને દ્વારકા સેક્ટર-25 પહોંચ્યા હતા. PM મોદીએ દ્વારકા ખાતે સંમેલન અને એક્સ્પો સેન્ટર 'યશોભૂમિ'ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. 

5/6
image

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકા સેક્ટર-21 થી નવા મેટ્રો સ્ટેશન 'યશોભૂમિ દ્વારકા સેક્ટર-25' સુધી દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ લાઇનના વિસ્તરણનું ઉદ્ઘાટન કર્યા પછી દિલ્હી મેટ્રો કર્મચારીઓ સાથે વાતચીત કરી. આ દરમિયાન તેમણે મજૂરો અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં મેટ્રોનો પ્રવાસ કરતા તેઓ યશોભૂમિ દ્વારકા-25 સ્ટેશન પહોંચ્યા હતા. મેટ્રોના પ્રવાસમાં તેમણે મહિલાઓ તથા અન્ય પ્રવાસીઓ સાથે વાતચીત કરી હતી.

6/6
image

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યશોભૂમિ કેન્દ્ર પહોંચ્યા બાદ સૌપ્રથમ જૂતા અને ચપ્પલ બનાવતા કારીગરો એટલે કે મોચી સાથે વાત કરી અને તેમની સ્થિતિ વિશે પૂછપરછ કરી. આ પછી, પ્રધાનમંત્રી માટીની શિલ્પકૃતિ કરનારા કુંભારોને મળ્યા અને તેમની સાથે તેમની કળા વિશે વિગતવાર વાત કરી. ત્યાર પછી તેમણે યશોભૂમિ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું.