ભીમા ખુંટી, એવા ક્રિકેટર જેમણે ક્રિકેટની પરિભાષા બદલીને બતાવ્યું કે, દિવ્યાંગ પણ સફળ થઈ શકે છે
ભીમા ખુંટીએ છેલ્લા ઘણા વર્ષોથી રાષ્ટ્રીય અને આતંરરાષ્ટ્રીય વ્હીલચેર ક્રિકેટ રમીને અનેક રેકોર્ડ પોતાને નામે કર્યા
અજય શીલુ/પોરબંદર :શારીરિક તેમજ માનસિક રીતે ઉણપ હોવા છતાં હિંમત હાર્યા વગર પરીશ્રમ અને મહેનત વડે દિવ્યાંગ લોકો પણ આજે સફળતા પૂર્વક તમામ ફિલ્ડમાં આગળ વધી રહ્યા છે. ત્યારે કોઈ પણ દિવ્યાંગ લોકોએ નિરાશ થયા વગર મહેનત કરીને જરૂરથી આગળ વધી શકાય તે વાતની પ્રેરણા પોરબંદરના ભીમા ખુંટી (Bhima Khunti) આપી રહ્યા છે.
3 ડિસેમ્બરના દિવસને દર વર્ષે આતંરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ (world disability day) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ દિવ્યાંગ લોકોને પ્રેરણા મળે, તેઓ કેમ આગળ વધી શકે તે માટેના પ્રયાસો કરવામાં આવે તે છે. શારીરિક-માનસfક રીતે ઉણપ ધરાવતા દિવ્યાંગ લોકો અમુક સમયે હતાશ-નિરાશ થઈ જતા હોય છે. પરંતુ દિવ્યાંગ લોકો હિમંત હાર્યા વગર પોતાનામાં રહેલ શક્તિ અને આવડતને ઓળખી મહેનત કરે તો તેઓ પણ જરૂર સફળ થઈ શકે છે તે વાતને સાબિત કરી રહ્યા છે પોરબંદરના વ્હીલચેર ક્રિકેટર ભીમા ખુંટી કે જેઓએ પોતાની શારીરિક ખામીની સામે હાર્યા વગર પોતાનું સ્વપ્ન સાકાર કરી રહ્યા છે.
ભીમા ખુંટી છેલ્લા ઘણા વર્ષોથી રાષ્ટ્રીય અને આતંરરાષ્ટ્રીય વ્હીલચેર ક્રિકેટ રમીને અનેક રેકોર્ડ પોતાને નામે કર્યા છે. તેઓએ નેપાળ, મલેશિયા, દુબઈ અને બાંગ્લાદેશ સહિતના સ્થળોએ આતંરરાષ્ટ્રીય વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ રમી ચુક્યા છે અને ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન પણ છે. સાથે જ તેઓ પોરબંદરના ખેલાડીઓને પણ ક્રિકેટ માટેની તાલીમ આપી રહ્યા છે.
પોરબંદર સહિત અનેક દિવ્યાંગો માટે પ્રેરણારુપ બનેલ ભીમા ખુંટીએ આજે આતંરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ પર તમામ દિવ્યાંગ ભાઇ-બહેનોને જણાવ્યું હતું કે, દિવ્યાંગ ભાઇ-બહેનોને જે પણ ફિલ્ડમાં રુચિ હોય તેમા તેઓ મહેનત કરશે, તો તેઓ જરૂરથી આગળ જઈ શકશે. હિમંત કરી માત્ર બહાર નીકળવાની જરૂર છે. આપ બહાર આવશો તો લોકો પણ તમને જરુરથી સપોર્ટ કરશે.
દિવ્યાંગ ભાઇ-બહેનોની એક શક્તિ કુદરતે છીનવી હશે તો તેઓને અનેક એવી શક્તિ પણ આપી હોય છે, જે સામાન્ય માણસમાં પણ ન હોય. ત્યારે આવા દિવ્યાંગ લોકોને યોગ્ય પ્લેટફોર્મ મળે, તેઓની સાથે યોગ્ય વ્યવહાર થાય તો તેઓ પણ જરુરથી આગળ વધી શકે અને સમાજમાં એક સારુ એવું પદ પણ મેળવી શકે છે. ત્યારે સમાજ-સરકાર આવા દિવ્યાંગ ભાઇ-બહેનોને આગળ વધારવા વધુ ધ્યાન આપે તે જ આજના દિવસની ખરી ઉજવણી કહી શકીએ.
Trending Photos