World Water Day: વિદ્યાર્થીએ બનાવ્યો અનોખો નળ, ટેક્નોલોજી જોઇ તમે પણ બોલી ઉઠશો વાહ ક્યા બાત હૈ!!!
આજે વિશ્વ જળ દિવસ (World Water Day) છે ત્યારે સમગ્ર વિશ્વમાં ભવિષ્યમાં પાણીનું સંકટ સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે લોકો પાણીનો વેડફાટ કરતા અટકે તે જરૂરી છે.
અલ્કેશ રાવ, પાલનપુર: આજે વિશ્વ જળ દિવસ (World Water Day) છે ત્યારે સમગ્ર વિશ્વમાં ભવિષ્યમાં પાણીનું સંકટ સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે લોકો પાણીનો વેડફાટ કરતા અટકે તે જરૂરી છે. ત્યારે ઘરવપરાશ દરમિયાન થતા પાણીનો વેડફાટ અટકાવવા બનાસકાંઠા જીલ્લાની પોલિટેકનિક કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ પોતાનામાં રહેલી અનોખી સુષુપ્ત શક્તિનો ઉપયોગ કરી એલાર્મ નળ બનાવ્યો છે.
નળના ઉપયોગ થકી દરેક ઘરમાં થતા પાણીનો વેડફાટ અટકાવી શકાશે તેવું પણ આ વિદ્યાર્થી કહી રહ્યો છે. આ યુવક કોઈ મોટો વૈજ્ઞાનિક નથી પરંતુ એક મિકેનીકલ એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલી પોલીટેકનીક કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહેલો યુવક ધવલ નાઇ મૂળ ધાનેરાનો વતની છે અને પાલનપુર પોલિટેકનિક હોસ્ટેલમાં રહી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છે.
લોક ડાઉન દરમ્યાન કોલેજમાં રજાઓ પડી જતાં ધવલ પોતાના વતન ધાનેરા ગયો હતો. અને ત્યાં તેને અવારનવાર પોતાના સહિત આસપાસના ઘરોમાં થતાં પાણીનો વેડફાટ જોયો. તેને આ વેડફાતું પાણી જીવનમાં કામ લાગશે તેવો વિચાર આવ્યો અને પાણીનો બચાવ કેવી રીતે કરી શકાય તેવું વિચારવાનું શરૂ કર્યું. પછી તેણે પોતાની કોલેજમાં ચાલતા એસએસઆઇપી પોલીસીની મદદ માંગી અને આ પોલિસીમાં કાર્યરત શિક્ષકોને માર્ગદર્શન હેઠળ શરૂ કર્યું એલાર્મ નળ બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો.
મુખ્યત્વે રોજબરોજ લોકોના ઘરે આવતા પાણીનો કોઈ સમય નક્કી હોતો નથી જેને લઈ લોકો પોતાના ઘર વપરાશનું પાણી ભરવા નળ ચાલુ રાખી દેતા હોય છે. અને પાણી ટાંકામાં ભરાઈ ગયા બાદ પણ નળ ચાલુ રહેતા દરરોજ હજારો ઘરોમાં પાણીનો વેડફાટ થયા કરે છે. જેને લઈ આ યુવકે એલાર્મ નળ બનાવ્યો છે. જેના થકી જો કોઈ વ્યક્તિ પોતાના ઘરે આ નળ લગાવે તો પાણી આવતા આ નળમાં એલાર્મ વાગે છે.
જેથી અવાજ થકી પાણી આવી ગયાની જાણ થાય છે. અને વ્યક્તિ સરળતાથી પોતાના ઘર વપરાશનું પાણી ભરી દે અને તે બાદ નળ બંધ કરી દેતા વેડફાતું પાણી બચી શકે છે. આ નળમાં ઓન મોડ, ઓફ ઓડ અને એલાર્મ મોડ જેવા ત્રણ મોડ મુકવામાં આવ્યા છે. જયારે નળ ચાલુ કરો ત્યારે નળને એલાર્મ મોડમાં મુકવામાં આવે છે.
જો એલાર્મનો ઉપયોગ ન કરવો હોય તો ઓફ મોડ પણ આપવામાં આવ્યો છે. ત્યારે આ યુવકે 8 માસથી વધુ સમયનો ઉપયોગ કરી બનાવેલો આ નળનો પ્રોજેક્ટ પરિપૂર્ણ થતા કોલેજ દ્વારા આ વિદ્યાર્થીના અનોખા નળની પેટર્ન લેવાની કામગીરી પણ ચાલી રહી છે.
Trending Photos