મહારાષ્ટ્ર જેવો રાજકીય ભૂકંપ UKમાં, વિરોધમાં ઢગલો રાજીનામા પડતા હવે બોરિસ જ્હોન્સન છોડશે PM પદ
Trending Photos
યુકેમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણમાં મોટા સમાચાર સામે આવ્યા છે. એક પછી એક ઢગલો રાજીનામા પડ્યા બાદ હવે પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સન રાજીનામું આપવા માટે તૈયાર થઈ ગયા છે. રિપોર્ટ્સ મુજબ પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સન કન્ઝર્વેટિવ પાર્ટી (ટોરી)ના નેતા પદેથી હટવા તૈયાર છે. તેઓ નવા નેતાની પસંદગી થાય ત્યાં સુધી પ્રધાનમંત્રી પદે યથાવત રહેશે.
અત્રે જણાવવાનું કે બોરિસ જ્હોન્સન વિરુદ્ધ તેમની જ કન્ઝર્વેટિવ પાર્ટીમાં બળવો જોવા મળ્યો હતો. અત્યાર સુધીમાં 41 મંત્રી રાજીનામા આપી ચૂક્યા છે. એક પછી એક ઢગલો રાજીનામા પડ્યા બાદ તેમના પર રાજીનામું આપવા માટે દબાણ વધી ગયું હતું. વિપક્ષી લેબર પાર્ટી પણ તેમના રાજીનામાની માંગણી કરી રહી હતી.
જો કે બોરિસ જ્હોન્સન જ્યાં સુધી નવા પ્રધાનમંત્રીની પસંદગી ન થઈ જાય ત્યાં સુધી પદ પર યથાવત રહેશે. બીબીસીના જણાવ્યાં મુજબ ઓક્ટોબરમાં નવા પ્રધાનમંત્રીની પસંદગી થશે. ત્યાં સુધી બોરિસ જ્હોન્સન પદ પર યથાવત રહેશે.
બોરિસ જ્હોન્સનની ખુરશી પર સંકટના વાદળો નાણામંત્રી ઋષિ સુનકના રાજીનામા બાદ મંડરાવવા માંડ્યા હતા. તેમણે 5 જુલાઈના રોજ પોતાના પદેથી રાજીનામું આપી દીધુ હતું. ગણતરીની પળોમાં સ્વાસ્થ્યમંત્રી સાજિદ જાવિદે પણ રાજીનામું આપી દીધુ. અત્યાર સુધીમાં 4 કેબિનેટ મંત્રી રાજીનામા આપી ચૂક્યા છે. જેમાં ઋષિ સુનક, સાજિદ જાવિદ, ઉપરાંત સાઈમન હાર્ટ અને બ્રેન્ડન લુઈસ સામેલ છે.
બોરિસ જ્હોન્સન વિરુદ્ધ બળવાની શરૂઆત ક્રિસ કિંચરની નિયુક્તિને લઈને થઈ હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં જ્હોન્સને ક્રિસ પિંચરને કન્ઝર્વેટિવ પાર્ટીના ડેપ્યુટી ચીફ વ્હિપ તરીકે નિયુક્ત કર્યા હતા. 30 જૂનના રોજ બ્રિટિશ અખબાર ધ સને પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે ક્રિસ પિંચરે લંડનની એક ક્લબમાં બે યુવકોને આપત્તિજનક રીતે સ્પર્શ કર્યો હતો. પિંચર પર અગાઉ પણ યૌન દુરાચારના આરોપ લાગતા રહ્યા છે.
ધ સનના રિપોર્ટ બાદ ક્રિસ પિંચરે ડેપ્યુટી ચીફ વ્હિપના પદેથી રાજીનામું આપી દીધુ હતું. જો કે તેમની જ પાર્ટીના સાંસદોનું કહેવું હતું કે જ્હોન્સનને તેમના પર લાગેલા આરોપોની જાણકારી હતી. ત્યારબાદ પણ તેમણે તેમની નિયુક્તિ કરી. જ્યારે એક જુલાઈના રોજ સરકારના પ્રવક્તાએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી જ્હોન્સનને આ આરોપોની જાણકારી નહતી. પરંતુ 4 જુલાઈના રોજ ફરી સરકારી પ્રવક્તાએ કહ્યું કે જ્હોન્સનને પિંચર પર લાગેલા આરોપોની જાણકારી હતી. પરંતુ તેમણે તે બદલ નિયુક્ત ન કરવી એ યોગ્ય ન ગણ્યું. કારણ કે આરોપો હજુ સાબિત થયા નહતા.
5 જુલાઈએ સૌથી પહેલા ઋષિ સુનકે રાજીનામું આપ્યું હતું. તેમણે પોતાના રાજીનામામાં લખ્યું કે લોકોને આશા હોય છે કે સરકાર બરાબર કામ કરે. સાજિદ જાવિદે પોતાના રાજીનામામાં લખ્યું હતું કે સરકાર રાષ્ટ્રહિતમાં કામ કરતી નથી. બીબીસીના જણાવ્યાં મુજબ બે દિવસમાં અત્યાર સુધીમાં ચાર કેબિનેટ મંત્રી, 22 મંત્રી, 22 સાંસદના અંગત સચિવ અને 5 અન્ય લોકોએ રાજીનામા આપ્યા હતા.
બોરિસ જ્હોન્સનની ખુરશી પર સંકટ તો પાર્ટીગેટ સામે આવ્યા બાદથી જ ઊભુ થઈ ગયું હતું. જો કે આ સંકટમાંથી તેઓ બચી પણ ગયા હતા. તેમના વિરુદ્ધ તેમની જ પાર્ટી અવિશ્વાસનો પ્રસ્તાવ લઈને આવી હતી. જેના પર 6 જૂનના રોજ વોટિંગ થયું હતું. અવિશ્વાસના પ્રસ્તાવ પર વોટિંગ દરમિયાન જ્હોન્સનના પક્ષમાં 211 અને વિપક્ષમાં 168 મત મળ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે