અમદાવાદમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે તૈયાર છે આ ટીમ, આ નંબર પર કરી શકો છો સંપર્ક

અમદાવાદમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે તૈયાર છે આ ટીમ, આ નંબર પર કરી શકો છો સંપર્ક
  • ઘાયલ પક્ષીઓની સારવાર માટે અમદાવાદમાં જુદી જુદી ટીમો બનાવાઈ છે
  • 70 કર્મચારીઓ અને 60 અન્ય સ્વયંસેવકોની ટીમ દ્વારા આજે પક્ષીઓની સારવાર કરાશે

અતુલ તિવારી/અમદાવાદ :ઉત્તરાયણની મજા પક્ષીઓ માટે સજા બની જતી હોય છે. પક્ષીઓના ગળામાં દોરો ફસાઈ જવાના, મોત થવાના અનેક કિસ્સાઓ બનતા હોય છે. ત્યારે આવામાં અનેક સેવાભાવી સંસ્થાઓ ઉત્તરાયણમાં 24 કલાક સેવા આપે છે. જ્યાંથી પણ કોલ આવે ત્યાં મદદ કરવા પહોંચી જાય છે. ત્યારે આજે અમદાવાદનું જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ પણ પક્ષીઓના સારવાર માટે તૈયાર છે. ઘાયલ પક્ષીઓની સારવાર માટે અમદાવાદમાં જુદી જુદી ટીમો બનાવાઈ છે. 70 કર્મચારીઓ અને 60 અન્ય સ્વયંસેવકોની ટીમ દ્વારા આજે પક્ષીઓની સારવાર કરાશે. 

આ વિશે રેસ્ક્યૂ ટીમના એક મેમ્બરે કહ્યું કે, ઘાયલ પક્ષી આવે એટલે તેની તપાસ બાદ જરૂર જણાશે તે મુજબ સારવાર આપવામાં આવશે. તમામ કર્મચારીઓ જે સારવારમાં જોડાશે. તે ગાઈડલાઈન મુજબ PPE કીટમાં હાજર રહેશે. સૌપ્રથમ OPD માં ચકાસણી બાદ જરૂર જણાય તો સર્જરી માટે પણ ટીમ તૈનાત કરાઈ છે. સર્જરી માટે 30 OT ટેબલ બનાવાયા છે, જેમાં 60 ડૉક્ટર્સની ટીમ હાજર રહેશે. ઓપરેશન પછી જરૂર પડે તો પક્ષીઓને રાખવા ICU ની પણ વ્યવસ્થા કરાઈ છે.

CM રૂપાણીની 30 વર્ષ જુની પરંપરાગત પ્રથા તૂટી, નહિ ઉજવે ઉત્તરાયણ

પાંજરાપોળ ખાતે બહારથી પણ એક્સપર્ટ ડોક્ટર બોલાવવામાં આવ્યા છે. નાગપુર, મુંબઈ અને બેંગ્લોર જેવા શહેરોમાંથી ખાસ ડોકટરો આજે સેવા આપશે. આ વખતે કોરોનાને કારણે આંતરરાષ્ટ્રીય ડોક્ટરો અમદાવાદ આવી શક્યા નથી. 

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 3300 ઘાયલ પક્ષીઓને જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ, પાંજરાપોળ તરફથી સારવાર અપાઈ હતી. એ પહેલાં વર્ષ 2019માં 4000 ઘાયલ પક્ષીઓને સારવાર અપાઈ હતી. જોકે, સરકારના કડક વલણ અને કોરોનાને કારણે તેમજ લોકોમાં જાગૃતતાને કારણે ઘાયલ પક્ષીઓની સંખ્યા આ વર્ષે ઘટે તેવી અપેક્ષા છે. ગત વર્ષોને ધ્યાને રાખીએ તો, ઉત્તરાયણમાં કબૂતર સૌથી વધુ ઘાયલ થાય છે, ત્યારબાદ સમડી પણ મોટી સંખ્યામાં ઉત્તરાયણ પર ઘયાલ થતી હોય છે. 

વડોદરામાં બ્રિજ પરથી જઈ રહેલા યુવકના ગળામાં દોરો ફસાતા મોત, આણંદમાં 4 વર્ષના બાળકનું ગળુ કપાયું 

હાલ ઠંડીને કારણે રિવરફ્રન્ટની આસપાસ કેટલાક વિદેશી પક્ષીઓ પણ જોવા મળે છે. ગત વર્ષોમાં કેટલાક વિદેશી પક્ષીઓ જેમાં ફ્લેમિંગો, ગાજહંસ, રાજહંસ જેવા પક્ષીઓ ઘાયલ થયા હતા, જેમને સારવાર અપાઈ હતી. કોઈ શહેરીજન જો ઘાયલ પક્ષી જુએ તો તેને સારવાર માટે જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ, પાંજરાપોળ ખાતે લાવી શકશે. આ માટે કોઈપણ શહેરીજન મોબાઈલ નંબર 9924419194 પર સંપર્ક સાધી ઘાયલ પક્ષીઓને બચાવવામાં મદદરૂપ થઈ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news