ગુજરાત વિધાનસભાની આ બેઠક ભાજપ- કોંગ્રેસ માટે જીતવી કેમ છે ચેલેન્જરૂપ, BJP પણ અહીં મારે છે ફાંફા!

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પડઘમ વાગી ચુક્યા છે અને રાજકીય પક્ષો મતદારોને રિઝવવા અનેકવિધ યોજનાઓ ઘડી રહ્યા છે. જેમાં નવસારી જિલ્લાની ચાર બેઠકોમાંથી વાંસદા વિધાનસભા વર્ષોથી કોંગ્રેસ પાસે રહી છે.

ગુજરાત વિધાનસભાની આ બેઠક ભાજપ- કોંગ્રેસ માટે જીતવી કેમ છે ચેલેન્જરૂપ, BJP પણ અહીં મારે છે ફાંફા!

ધવલ પરીખ/વાંસદા: વાંસદા વિધાનસભા જીતવી કોંગ્રેસ અને ભાજપ બંને માટે મહત્વનુ બન્યુ છે. ત્યારે ભાજપ વિકાસના નામે આદિવાસીઓને પોતાના તરફ કરવાના પ્રયાસોમાં છે. જેની સામે ધારાસભ્ય અનંત પટેલે આજથી વાંસદાના ગામડાઓમાં મારૂ ઘર, અનંતનું ઘર અભિયાન શરૂ કર્યુ છે. જેના થકી આદિવાસીઓની સમસ્યા જાણી તેનુ નિરાકરણ લાવવાની રણનીતિ અપનાવી છે.

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પડઘમ વાગી ચુક્યા છે અને રાજકીય પક્ષો મતદારોને રિઝવવા અનેકવિધ યોજનાઓ ઘડી રહ્યા છે. જેમાં નવસારી જિલ્લાની ચાર બેઠકોમાંથી વાંસદા વિધાનસભા વર્ષોથી કોંગ્રેસ પાસે રહી છે. વાંસદા જીતવા ભાજપ દર વખતે એડી ચોટીનું જોર લગાવે છે, પણ આદિવાસી બાહુલ્ય ધરાવતા વાંસદામાં ભાજપ ફાવી શકતુ નથી. ત્યારે વાંસદા જાળવી રાખવા કોંગી ધારાસભ્ય અનંત પટેલ આદિવાસીઓની સમસ્યાને આગળ ધરીને ચુંટણી જંગ જીતવા મેદાને પડ્યા છે. 

જેમાં પોતાના 46 માં જન્મ દિવસે ''મારૂ ઘર, અનંતનુ ઘર '' અભિયાનની શરૂઆત કરી ચુંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે. જેમાં લોકોના ઘરે ઘરે જઈ, તેમનો વિશ્વાસ કેળવવા સાથે તેમની સમસ્યાઓના નિરાકરણ લાવવાની તૈયારી બતાવી છે. ખાસ કરીને અનંત પટેલે 27 વર્ષોમાં ભાજપે આદિવાસીઓની ઉપેક્ષા કરી હોવાના આક્ષેપો સાથે આદિવાસીઓના મુદ્દે જ ચુંટણી જંગ જીતવા કમર કસી છે.

વાંસદા વિધાનસભા જે વર્ષોથી કોંગ્રેસ પાસે રહી છે, એને જીતવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી. આર. પાટીલે રાજકીય રીતે દત્તક લીધી છે. સાથે જ વાંસદા જીતવા વિશેષ રણનીતિ ઘડી, વાંસદામાં આદિવાસીઓ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી લઈ જઈ વિકાસની રાજનીતિ પર ધ્યાન આપી રહી છે. જેમાં પણ સદસ્યતા અભિયાનને તેજ કરી, ભાજપ સંગઠનના શીર્ષ નેતૃત્વ દ્વારા પણ વાંસદા વિધાનસભા માટે રણનીતિ ઘડી કાર્યકર્તાઓને એક્ટિવ કરવામાં આવ્યા છે.

વાંસદા વિધાનસભા જીતવા એક તરફ કોંગી ધારાસભ્ય 27 વર્ષોમાં ભાજપે આદિવાસીઓની ઉપેક્ષા કરી હોવાના આક્ષેપ સાથે સહાનુભૂતિની રણનીતિ પર આગળ વધી રહ્યા છે, બીજી તરફ ભાજપ વિકાસના નામે આદિવાસીઓનો સાથ મેળવવાની રણનીતિ પર આગળ ધપી રહી છે. ત્યારે આદિવાસી મતદારો કોના ઉપર પોતાની પસંદગી ઢોળે છે એ જોવુ રહ્યુ..

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news