ગુજરાતમાં કોરોનાથી સૌથી વધુ મોત થાય છે તે ખાલી મનનો વહેમ, આ રોગથી રોજ 100થી વધારે ગુમાવી રહ્યા છે જિંદગી

Gujarat In Cancer Death: ગુજરાતમાં દારૂબંધી તેમજ તમાકુ જેવાં વ્યસનો પર કડક કાયદા બનાવવામાં આવ્યા છે. એમ છતાં ગુજરાતમાં મોટી માત્રામાં દારૂ તેમજ તમાકુ સેવન કરવામાં આવે છે, સાથે જ ગુજરાતમાં સતત બદલાતા વાતાવરણને કારણે પણ મોઢાના કેન્સરના દર્દીઓ પણ વધી રહ્યા છે.

ગુજરાતમાં કોરોનાથી સૌથી વધુ મોત થાય છે તે ખાલી મનનો વહેમ, આ રોગથી રોજ 100થી વધારે ગુમાવી રહ્યા છે જિંદગી

ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાતમાં અન્ય રાજ્યની સરખામણીમાં કેન્સરના કેસની સંખ્યામાં નોધપાત્ર વધારો નોંધાઇ રહ્યો છે. શિયાળુ સત્રમાં સંસદમાં કેન્દ્રીય આરોગ્ય વિભાગે કેન્સરના કેસ અને મોતના આંકડા રજૂ કર્યા છે. જેમાં એક વાત ખૂલીને સામે આવી છે કે, ગત વર્ષમાં ગુજરાતમાં કેન્સરના કુલ 2,03,530 કેસ નોધાયા હતાં. જ્યારે ગુજરાતમાં દરરોજ સરેરાશ 100 લોકોથી વધારે કેન્સરના કારણે જીવ ગુમાવી રહ્યા છે.

ગુજરાતમાં દારૂબંધી તેમજ તમાકુ જેવાં વ્યસનો પર કડક કાયદા બનાવવામાં આવ્યા છે. એમ છતાં ગુજરાતમાં મોટી માત્રામાં દારૂ તેમજ તમાકુ સેવન કરવામાં આવે છે, સાથે જ ગુજરાતમાં સતત બદલાતા વાતાવરણને કારણે પણ મોઢાના કેન્સરના દર્દીઓ પણ વધી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગે રજૂ કરેલા આંકડા પ્રમાણે મહિલાઓમાં સ્તન કેન્સરનું જોખમ સૌથી વધુ છે, જેમાં સ્તન કેન્સરમાં ત્રણ વર્ષમાં 11,533 મહિલાઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં દર વર્ષે કેન્સરના વધતાં કેસનું ઊંચકાતું પ્રમાણ ચિંતાજનક જણાવવામાં આવી રહ્યું છે. 

ગુજરાતમાં કેન્સરના નવા કેસની સંખ્યામાં પણ વધારો નોંધાઈ રહ્યો છે, વર્ષ 2018માં 66,069 જેટલા નવા કેસ નોંધાયા હતા, એ પછીના વર્ષ 2019માં 67,841 અને ત્યાર બાદના વર્ષ 2020માં કેસો વધીને 69,660 થયા છે. દેશમાં વર્ષ 2020માં અંદાજે 7.70 લાખ જેટલાં દર્દીના મોત થયા છે, એ પહેલાં 2019માં 7.51 લાખ અને 2018માં 7.33 લાખનાં મોત થયાં હતાં. 

શિયાળુ સત્રમાં સંસદમાં કેન્દ્રીય આરોગ્ય વિભાગે રજૂ કરેલા આંકડા પર નજર નાંખીએ તો ગુજરાતમાં કેન્સરના કારણે વર્ષ 2020માં રોજના આશરે 105 જેટલા લોકોનાં મોત થયાં છે. ગુજરાતમાં વર્ષ 2020માં અંદાજે 38,306 જેટલાં લોકોનાં મોત થયાં છે, દર વર્ષે આ મોતનો આંકડો વધી રહ્યો છે, જે ગુજરાત માટે ચિંતાજનક છે, કેન્સર સહિતના અન્ય ગંભીર રોગમાં પણ મોતનું પ્રમાણ ઊંચકાયું છે, જેના કારણે હવે પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પણ અભિયાન છેડાઈ રહ્યું છે.  

મહેનત વગરની જીવન શૈલી, તમાકુ, દારૂ અને બિન આરોગ્યપ્રદ ખોરાક તેમ જ વાયુ પ્રદૂષણના કારણે કેન્સરના રોગ વધી રહ્યા હોવાનું તબીબોનું કહેવું છે. કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે તાજેતરમાં ડેટા રિલીઝ કર્યો છે, જેમાં આ આંકડા સામે આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news