વ્યાજખોરો સામે સરકારનું બુલડોઝર ફરી વળ્યું, માત્ર બે સપ્તાહમાં 1026 સામે ગુના દાખલ
Money Lenders : અનધિકૃત વ્યાજખોરો સામે રાજ્ય સરકારની મેગા ડ્રાઇવ... મજબૂર નાગરિકોને વ્યાજે રૂપિયા આપ્યા બાદ મન ફાવે તેમ વ્યાજ વસુલતા વ્યાજખોરોએ આ ધંધો છોડવો પડશે અથવા ગુજરાત છોડવું પડશે... રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી મેગા ડ્રાઇવમાં બે અઠવાડિયામાં 1026 સામે ગુના દાખલ : 635 ની ધરપકડ : 622 એફ.આઇ.આર દાખલ... 16 મી જાન્યુઆરી સુધીમાં રાજ્યભરમાં 1288 લોકદરબાર યોજાયા
Trending Photos
Gujarat Government Mega Drive On Money Lenders : રાજ્યમાં વ્યાજખોરો અને તેના વ્યાજના ચક્કરમાં ફસાઈ ચૂકેલા મજબૂર અને જરૂરિયાતમંદ નાગરિકોને આ બોજમાંથી મુક્ત કરાવવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ મેગા ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. અનધિકૃત વ્યાજખોરો સામે રાજ્ય સરકાર દ્વારા તા.૫મી જાન્યુઆરીથી શરૂ થયેલી આ મેગા ડ્રાઇવમાં પોલીસે હાથ ધરેલી કડક કાર્યવાહીથી એક સંદેશ સ્પષ્ટ થઈ ગયો છે કે, મજબૂર નાગરિકોને વ્યાજે રૂપિયા આપ્યા બાદ મન ફાવે તેમ વ્યાજ વસુલતા વ્યાજખોરોએ આ ધંધો છોડવો પડશે અથવા તો ગુજરાત છોડવું પડશે.
રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી આ મેગા ડ્રાઇવમાં બે અઠવાડિયામાં પોલીસ દ્વારા કુલ ૬૨૨ એફ.આઇ.આર દાખલ કરી ૧૦૨૬ સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે તેની સામે ૬૩૫ વ્યાજખોર આરોપીઓ ધરપકડ પણ કરી લેવામાં આવી છે. તા.૧૬મી જાન્યુઆરી સુધીમાં રાજ્યભરમાં ૧૨૮૮ લોકદરબાર યોજવામાં આવ્યા છે. આ લોકદરબાર થકી આવા તત્વોના ભોગ બનેલા અનેક નાગરિકોને પોલીસ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી અને તેના આધારે પોલીસે વ્યાજખોરો સામે સઘન કાર્યવાહી હાથ ધરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસ દ્વારા સમગ્ર કાર્યવાહી દરમિયાન વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. અનધિકૃત રીતે વ્યાજખોરીનો વ્યવસાય કરી નિર્દોષ નાગરિકો પાસેથી વ્યાજના નામે બેફામ રૂપિયા ઉઘરાવતા તત્વો સામે નાગરિકોને પોલીસનું સુરક્ષા કવચ મળી રહ્યું છે ત્યારે કોઈ અનધિકૃત વ્યાજખોર કડક કાર્યવાહીથી બચે નહિ અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થઇ જાય તેની ખાસ તકેદારી પોલીસ રાખી રહી છે.
આ પણ વાંચો :
પઠાણી ઉઘરાણીથી કંટાળેલી મહિલાએ વ્યાજનું વ્યાજ ચૂકવવા માટે બીજા વ્યાજખોર પાસેથી પૈસા લેવા પડ્યા હતા : વ્યાજખોરોએ લઈ લીધેલો મોબાઈલ, મોપેડ અને કોરા ચેક પોલીસે રિકવર કરી કડક કાર્યવાહી કરી
વલસાડ પોલીસે વ્યાજખોરો સામે કાર્યવાહી અંગે મુકેલી ફેસબુક પોસ્ટ જોઇ એક મહિલા ફરીયાદી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ખાનગી હોસ્પીટલમાં રીસેપ્શનીસ્ટ તરીકે કામ કરતા આ ડાયવોર્સી બહેન પોતાની પુત્રી સાથે એકલા રહે છે. બહેને રજુઆત કરી કે, વલસાડ શહેરમા જાસ્મીન મોબાઇલ નામની દુકાન ચલાવતા વિનોદ ભોગીલાલ શાહની પાસેથી તેમણે મોબાઇલ હપ્તેથી ખરીદ્યો હતો. ત્યારથી વિનોદભાઇ સાથે ઓળખાણ થઇ અને વિનોદભાઇ વ્યાજે રૂપિયા ધિરાણ કરતા હોઇ તેમની પાસેથી એક વર્ષ પહેલા રૂ. ૧,૮૦,૦૦૦/- ૧૦ થી ૨૦ ટકા વ્યાજના દરે લીધા હતા. જે વ્યાજે લીધેલ રકમ ઉપર વિનોદભાઇ ૧૦ ટકા લેખે વ્યાજ વસુલ કર્યું અને છેલ્લા છ માસથી ૨૦ ટકા લેખે વ્યાજ ચુકવી રહ્યા છે. મુદ્દલ રકમ તથા વ્યાજની રકમ ચુકવાઇ ગઈ હોવા છતા ફરીયાદી બહેન પાસે વિનોદભાઇએ વધુ વ્યાજની માંગણી કરી પરંતુ વ્યાજ ચુકવી ન શકતા વિનોદભાઇએ ફરીયાદી બહેનનો મોબાઇલ ફોન પડાવી લીધો હતો. તે ઉપરાંત કોરા ચેક લખાવી લીધા બાદ અવારનવાર વ્યાજના રૂપીયાની પઠાણી ઉઘરાણી કરતા ફરીયાદી બહેને પ્રેસરની વધુ પડતી ગોળીઓ ખાઇ લીધી હતી. હોસ્પિટલમાં દાખલ થયેલા બહેને વિનોદભાઇ ના ડરથી પોતે દવા પીધી હોવાની હકકીત છુપાવી હતી.
ફરીયાદી બહેને વિનોદભાઇ પાસેથી લીધેલા નાણા તથા વ્યાજ ચુકવવા માટે વલસાડના રહેવાસી શ્રવણભાઇ મારવાડી પાસેથી રૂપીયા ૩૫,૦૦૦/- ૫ ટકા વ્યાજ દરે ત્રણ માસ પહેલા લીધા હતા. જે રકમનુ વ્યાજ ફરીયાદી બેન ચુકવી ન શકતાં શ્રવણભાઇએ તેનુ મોપેડ પડાવી લીધુ અને બળજબરીથી ટીટીઓ ફોર્મમાં સહી લઇ લીધી હતી.
આ પણ વાંચો :
રાજય સરકાર દ્વારા ચલાવાઈ રહેલી વ્યાજખોરો વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવા અંગેની ખાસ ઝુંબેશ અને આ ઝુંબેશ દરમ્યાન પોલીસ વિભાગની વ્યાજખોરો વિરૂધ્ધની કડક કાર્યવાહી જોઇ ફરીયાદી બહેનને હિંમત મળી અને નિર્ભય રીતે ફરીયાદ કરી હતી. જે ફરીયાદ અન્વયે તાત્કાલીક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપી વિનોદભાઇ તથા શ્રવણભાઇ મારવાડીને ઝડપી પાડી આરોપીના રહેણાંક મકાન તથા દુકાનની ઝડતી તપાસ કરી ફરીયાદી બહેન પાસેથી આરોપીઓએ મેળવેલ વધુ નાણા, મોબાઇલ ફોન, મોપેડ તથા પચ્ચીસ કોરા ચેક પોલીસ દ્વારા રીકવર કરવામાં આવ્યા છે.
અનેક ગરીબ, મધ્યમ વર્ગના પરિવારો ઉપરાંત મહીલાઓ પણ ગેરકાયદેસર વ્યાજના ચક્રમાં ફસાયેલા છે જે રાજય સરકારની વ્યાજખોરો વિરૂધ્ધની ખાસ ઝુંબેશમાં નિર્ભય બની પોતાની ફરીયાદ આપવા પોલીસ વિભાગનો સંપર્ક કરી રહ્યા છે.
રૂ.૨.૭૦ લાખની સામે વ્યાજ સાથે રૂ.૬.૮૭ લાખ ચૂકવ્યા, તો પણ વ્યાજખોરે ઉઘરાણી ચાલુ રાખીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી
અરજદાર પાસેથી પડાવી લીધેલી આઇ-૧૦ ગ્રાન્ડ ગાડી રિકવર કરી પંચમહાલ પોલીસે કડક કાર્યવાહી કરી
આ પણ વાંચો :
રાજ્યભરમાં અનધિકૃત વ્યાજખોરો કરતા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે ત્યારે પંચમહાલ પોલીસે ફરિયાદને આધારે એવા વ્યાજખોર સામે કાર્યવાહી કરી છે જેને રૂ.૨.૭૦ લાખની સામે વ્યાજ સાથે રૂ.૬.૮૭ લાખ લઈ લીધા, તો પણ વધારાના રૂ.૧૧.૨૮ લાખ લેવા માટે પઠાણી ઉઘરાણી ચાલુ રાખીને અરજદારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. એટલું જ નહિ, વ્યાજખોરે અરજદાર પાસેથી પડાવી લીધેલી આઇ-૧૦ ગ્રાન્ડ ગાડી પણ રિકવર કરી પંચમહાલ પોલીસે આરોપી સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.
ગોધરાના વ્યાજખોરોએ નાણાં ધીરધારના લાયસન્સ વગર માસીક ૨% લેખે તન્મયકુમાર વસંતભાઇ મહેતાને રૂ.૨,૭૦,૦૦૦/- ધીરધાર કરી સિકયુરીટી પેટે કોરા ચેક લઇ લીધા હતા. ત્યાર બાદ તન્મય મહેતાએ માસીક ૧૦% લેખે રુપીયા ૬,૮૭,૦૦૦/- ચુકવ્યા હોવા છતાં વ્યાજખોરો બળજબરીપુર્વક વધારાના વ્યાજ સહીતના નાણાં રૂપીયા ૧૧,૨૮,૦૦૦/- માંગી રહ્યા હતા. વસંત મહેતાની હુન્ડાઇ આઇ-૧૦ ગ્રાન્ડ મેઘના ગાડી બળજબરીથી પડાવી પોતાની પાસે રાખી લઇ વ્યાજખોરોએ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. પંચમહાલ પોલીસે ગુનો દાખલ કરી પરીમલ સોસાયટી, ભુરાવાવ ચાર રસ્તા, ગોધરામાં રહેતા આરોપી વિરેનભાઇ પરમાનંદ લાલવાણીના ઘરે સર્ચ કરી ફરીયાદી પાસેથી બળજબરીથી પડાવી લીધેલી ગાડી તાત્કાલીક ધોરણે રીકવર કરી પ્રસંશનીય કામગીરી કરી છે.
આ પણ વાંચો :
વ્યાજ સહિતની રકમ ચૂકવી દીધી તો પણ દુકાનના દસ્તાવેજ પાછા ન આપી વ્યાજખોરે વ્યાજનું વ્યાજ માંગી દીકરાને મારવાની ધમકી આપી : પોલીસને જાણ કરવાનો મારો નિર્ણય શ્રેષ્ઠ રહ્યો: લલીતભાઇ સોની
"એ દિવસ મને બરાબર યાદ છે. મને પૈસાની ખૂબ જરૂર હતી. બેંકની લોન લઇ શકું એવી ધીરજ ન્હોતી. સગા-સંબંધી, મિત્રો દરેકના દરવાજે દસ્તક દઇ દીધા પછી મારી પાસે એક જ દરવાજો બાકી બચ્યો હતો, અશોક સોનીનો. મને ખબર હતી કે એ વ્યાજે પૈસા આપે છે. નાનો હતો ત્યારે વડીલોએ શિખામણ આપેલી કે, બધું કરજે પણ વ્યાજનાં ચક્કરોમાં ના પડતો…પણ શિખામણ સામે જરૂરિયાત વધારે મોટી બની ગઇ હતી.
મેં અશોક સોની પાસે 3%નાં દરે રૂપિયા 80,000/- વ્યાજે લીધા. અશોક સોનીએ આ 80 હજાર સામે મારી દુકાનનો દસ્તાવેજ લઇ લીધેલો. એમણે કહેલું વ્યાજ સાથે મુદ્દલ પરત કરી દઇશ તો દસ્તાવેજ પાછો આપી દેશે. મેં નક્કી કરેલું વ્યાજ સહિત એક-એક પાઇ ચૂકી દેવાનું. મેં ખૂબ મહેનત કરી અને ટુકડે-ટુકડે અશોકભાઇને વ્યાજ સહિત રૂપિયા 1,89,000/- રૂપિયા ચૂકવી દીધા. આ પૈસા ચૂકવી દીધા પછી મેં રાહતનો શ્વાસ લીધેલો. મને એમ કે હવે અશોકભાઇ દસ્તાવેજ પાછો આપી દેશે, પણ એમણે એવું કર્યું નહીં. એમણે વ્યાજનું પણ વ્યાજ માંગ્યું. મને આઘાત લાગ્યો. મેં કહ્યું, ‘અશોકભાઇ-તમે વચનભંગ કરો છો..!’ પણ એમણે સાંભળ્યું નહીં. દુકાનનો દસ્તાવેજ પાછો ન આપ્યો. એમણે વધુ 1 લાખ રૂપિયાની માંગણી કરી અને જો આ પૈસા ન ચૂકવું તો દુકાનનો દસ્તાવેજ તો પાછો ન જ આપે પણ મારા દિકરાને માર-મારવાની વાત પણ કરી. દિકરાને માર-મારવાની વાતથી હું હેબતાઈ ગયો. ખૂબ વિચાર્યું-પહેલા તો એવું થયું કે જીવનની બધી જ મૂડી દાવ પર લગાડી અશોક સોનીને એક લાખ રૂપિયા આપી દઉં-પણ દિકરાએ અને પરિવારે હિંમત આપી. અમે પોલીસને જાણ કરવાનું નક્કી કર્યું. મને લાગે છે કે-આ નિર્ણય અમારો સર્વશ્રેષ્ઠ નિર્ણય હતો. અમરોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને અમે આખી વાત કરી. એમણે તાત્કાલિક જરૂરી તપાસ કરી-અશોક સોનીની સામે ફરિયાદ દાખલ કરી અને ધરપકડ કરી લીધી. અમારી દુકાનનો દસ્તાવેજ હવે નામદાર કોર્ટ પાસેથી પરત મળશે.
આ વાત પૂરી કરતા-લલીતભાઇ સોની રાહતનો શ્વાસ લે છે. એમનાં ચહેરા પર એક સંતોષ અને શાંતિ બંને છલકાય છે. લલીતભાઇ કહે છે કે-બેંક પાસેથી લોન લીધી હોત તો સસ્તી પડી હોત. વ્યાજનાં ચક્કરમાં મુદ્દલ કરતા બે ગણી રકમ ચૂકવી અને પઠાણી ઊઘરાણીનો માનસિક ત્રાસ પણ વેઠ્યો. સુરત શહેર પોલીસે અશોક સોનીનાં ચુંગાલમાંથી ઉગારી લીધા એ બદલ એમનો જેટલો આભાર માનું એટલો ઓછો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે