રંગમંચના રંગલો, રંગલી અને ભવાઈની ભવ્યતા વિશે જાણો રસપ્રદ વાતો

થિયેટર અને મલ્ટીપ્લેક્સ બાદ હવે વેબસિરીઝનો જમાનો આવ્યો છે. લોકો મનોરંજન માટે હવે મોબાઈલમાં વેબસિરીઝ જોવાનું પસંદ કરે છે. પણ શું તમે જાણો છોકે, વર્ષો પહેલાં જ્યારે આવી કોઈ સુવિધાઓ નહોંતી ત્યારે કઈ રીતે લોકોનું મનોરંજન થતું હતું. એ જાણવા માટે તમારે અતિતમાં ડોકિયું કરવું પડશે જ્યાં તમને ભવાઈ વિશે જાણવા મળશે. જેમાં મનોરંજનની સાથો-સાથ સામાજિક સંદેશો આપવામાં આવતો હતો. 

 રંગમંચના રંગલો, રંગલી અને ભવાઈની ભવ્યતા વિશે જાણો રસપ્રદ વાતો

હિના ચૌહાણ, અમદાવાદઃ 

લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી,
અરે લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી
બોલ બોલતો તોળી તોળી છેલ છબીલો ગુજરાતી,
તન ખોટું પણ મન મોટું,
તન ખોટું પણ મન મોટું છે ખમીરવંતી જાતી,
અરે ભલે લાગતો ભોળો હું છેલ છબીલો ગુજરાતી,
ભાઈ છેલ છબીલો ગુજરાતી...
આ વાંચ્યા બાદ તમે સમજી ગયા હશો કે અહીં કોની વાત કરવાના છે. આજે આપણે વાત કરીશું ભવાઈ વિશે. ભવાઈએ જૂના જમાનામાં મનોરંજન માટેનું શ્રેષ્ઠ માધ્યમ હતું. ભવાઈમાં રમૂજની સાથે સાથે સંસ્કાર અને સંસ્કૃતિની પણ ઝાંખી કરાવાતી હતી.  અત્યારે નાટકો, સિનેમાઘરો,વેબસિરીઝે ભવાઈનું સ્થાન લીધુ છે, આજના સમયમાં મનોરંજનના નવા સાધનો ઉપલબ્ધ થયા છે. પણ ભવાઈ તો ભવાઈ જ છે. ભવાઈ યાદ આવે એટલે તેના બે મોસ્ટ પોપ્યુલર પાત્રો રંગલો અને રંગલી યાદ આવે જ. ચાલો  જાણીએ ભવાઈ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો.

રંગલી : આ ફિલ્મ એટલે શું?
રંગલો : અરે રંગલી....જેમાં એક નાયક હોય અને એક નાયિકા હોય બને વચ્ચે પ્રેમ કહાની હોય.
રંગલી : રંગલા ફિલ્મમાં ફકત નાયક અને નાયિકા જ હોય?
રંગલા : ના રંગલી ફિલ્મમાં અન્ય કલાકારો હોય જેમાં દર્શકોને મનોરંજનની સાથે સામાજિક સંદેશો પણ અપાય.
રંગલી: તો રંગલા નાયક નાયિકા તો આપણી ભવાઈમાં પણ હોય. અન્ય પાત્રો ભવાઈમાં પણ ભજવાય, મનોરંજન સાથે સામાજિક સંદેશો ભવાઈમાં પણ અપાય છે.
રંગલો: હા રંગલી, પણ ભવાઈ તો દાયકાઓ અને સદીઓ પહેલા ભજવાતી, હવે મનોરંજનનું માધ્યમ પણ બદલાયું છે.
રંગલી: તો ચાલ રંગલા...ફરી લોકોને જણાવીએ ભવાઈની કહાની રંગલો રંગલીની જુબાની તા થૈયા થૈયા થઈ...

રંગલા અને રંગલીનો આ સંવાદ વાંચીને ભવાઈ વિશે જાણવાની આતુરતા વધી જાય છે. ભવાઈ અને વર્તમાન સમયના મનોરંજનના માધ્યમોમાં શું તફાવત છે. તો જોઈએ ભવાઈના ઈતિહાસથી માંડીને તેની સાથે જોડાયેલી અન્ય રસપ્રદ વાતો. વર્તમાન સમયમાં વધતી-જતી સુવિધા અને ટેક્નોલોજીના બમણા ઉપયોગથી લોકો જે ધારે તે કરી શકે છે. હાલની સ્થિતિમાં જો કોઈને કંટાળો આવે અથવા સમય પસાર ન થાય તે માટે અનેક એવા મનોરંજનના સાધનો ઉપલબ્ધ છે જેનાથી તે  સમય પસાર  કરી શકે છે. વર્તમાન સમયમાં ટેલિવીઝન, સોશિયલ મીડિયા, થિયેટર સહિતના એવા વિકલ્પો આપણી સમક્ષ છે કે જેનાથી આપણે સૌ મનોરંજન મેળવી શકીએ. ફિલ્મો, વેબ સિરીઝ, સીરિયલો આજના લોકોની જરૂરીયાત સમાન બની ગયું છે. તે સિવાય પણ  શૈક્ષણિક ક્ષેત્રે પણ એટલો વિકાસ થયો છે કે ઘરે બેઠા બાળકો ઓનલાઈન શિક્ષણ મેળવી શકે છે.

આજના આધુનિક યુગને જોઈને એકવાર તો મનમાં વિચાર આવી જ જાય કે પહેલાના જમાનામાં જ્યારે આટલી સુવિધા ન હતી, ટેક્નોલોજી એટલી વિકસિત ન  હતી ત્યારે લોકો મનોરંજન મેળવવા શું કરતાં હશે?. તો જણાવી દઈએ કે આજના આધુનિક યુગની જેમ જ પહેલાના સમયમાં પણ મનોરંજનના અનેક પરિબળો હતા. જેમ કે, નાટકો, આખ્યાન, ભવાઈ, કઠપૂતળીનો ખેલ, મેળા, લોકડાયરો વગેરે. આ તમામ  મનોરંજનના સાધનો હતા. જે ખાસ કરીને ગામડાના લોકો માટે વધુ લોકપ્રિય હતા. જેમાંથી મનોરંજન માટે સૌથી લોકપ્રિય હતી ભવાઈ. અન્‍યાય, સ્‍ત્રીનો દરજ્જા, સામાજીક અસમાનતા, અંધશ્રદ્ધા અને જાતિવાદ જેવી સામાજિક અને અન્ય બાબતો પ્રત્યે  જાગૃતિ ફેલાવવા મનોરંજનના સાધનોનો ઉપયોગ કરાતો હતો અને તેમાં ભવાઈ મનોરંજનનું શ્રેષ્ઠ માધ્યમ હતું.

ભવાઈ વર્તમાન સમયમાં કદાચ ઘણા લોકોએ નહીં જોઈ હોય, પણ તેના વિશે સાંભળ્યું હશે. ભવાઈ મનોરંજનનું એક શ્રેષ્ઠ માધ્યમ છે. ખાસ કરીને ભવાઈનો  ગામડાઓમાં મનોરંજનના માધ્યમ તરીકે ઉપયોગ કરાતો. આજના સમયમાં પણ અંતરિયાળ  વિસ્તારના ગામડાઓમાં ભવાઈના ખેલ કરાય છે. જ્યાં હજુ ટેક્નોલોજી પૂરતા પ્રમાણમાં પહોંચી નથી તે લોકો આજે પણ ભવાઈથી મનોરંજન મેળવે છે. સૌથી પહેલા તો તે જાણવું જરૂરી છે કે ભવાઈ શું છે અને ભવાઈ કેમ, ક્યાં અને કઈ રીતે પ્રસ્તુત થાય છે.  સિનેમા, ટીવી, રેડિયો જેવાં સાધનો ન હતાં તે યુગમાં વિભિન્‍ન વેશો મારફતે લોકોને જ્ઞાન, શિક્ષણ અને મનોરંજન પૂરાં પાડવામાં આવતા હતા. આ ભવૈયાઓનો સામાજિક દરજ્જો ઊંચો હતો. તેઓ જ્યારે ગામમાં પ્રવેશતાં ત્‍યારે લોકો ઢોલ-નગારાં સાથે તેમનું  સામૈયું કરતા. ગામની બધી કોમો તેમાં સંકળાયેલી રહેતી. આમ, ભવાઈ લોકજીવનના તાણા-વાણા સાથે વણાઈ ગઈ હતી અને પોતાની અનોખી છાપ સાથે મુકતપણે વિહરતી હતી. શાસ્‍ત્રકારોએ ભવાઈને ‘ભાવપ્રધાન નાટકો’ કહ્યાં છે.

ભવાઈ એટલે શું?
‘ભવાઈ’ શબ્‍દમાં ‘ભવ’ એટલે વિશ્વ, જગત અથવા સર્વકાળ. જ્યારે ‘આઇ’ એટલે માતા. અહીં તેને જગતની માતા એટલે કે જગદંબા ગણી છે. ભવાઈમાં મા અંબાની ભક્તિને કેન્‍દ્રમાં રાખી નાટક ભજવવામાં આવે છે. આજે પણ અંબાજી ખાતે દર નવરાત્રીએ  ભવાઈના માધ્યમથી મા આદ્યશક્તિની પૂજા કરવામાં આવે છે. ભવાઈમાં બધા જ પુરુષ પાત્રો હોય છે.પહેલાના જમાનામાં સ્ત્રીઓ ઘુંઘટમાં રહેતી હતી. સ્ત્રીઓ ઘરનો ઝાંપો પણ ઓળંગી શકતી નહોતીં.  તે સમયે ભવાઈમાં વિવિધ પાત્રો  પુરુષો જ ભજવતા  હતા અને પુરુષો જ સ્ત્રીવેશ ધારણ કરતા હતાં. તેમાં પરંપરાગત પોશાકો, ભાતીગળ ભાષાશૈલી અને સ્થાનિક કથાવસ્તુ પર ધ્યાન આપવામાં આવતું હોય છે. ભવાઈ ગામડામાં રાત્રે ૯:૦૦ થી ૧:૦૦ સુધીના સમયમાં સામન્ય રીતે ભજવાતી.

ભવાઈમાં વપરાતા વાજીંત્રો
ભવાઈમાં જે વાદ્યો વપરાય છે તેનું ખાસ મહત્વ છે. ભવાઈમાં મુખ્યત્વે ભૂંગળ તબલા, ઝાંઝ, ઢોલક, મંજીરા અને સારંગી વગેરે વાજીંત્રો વપરાય છે. ભવાઈ મોટે ભાગે ખુલ્‍લા મેદાનમાં અથવા નાના ચોક જેવી જાહેર જગ્યાએ ભજવવામાં આવે છે. મેદાનમાં  ભવાઈ થતી હોય તે જ સ્થળે લોકો જોવા માટે આવે છે.

ભવાઈના કલાકારો
ભવાઈની મંડળીના કલાકારોના પ્રમુખને ‘નાયક’ તરીકે ઓળખવામાં આવે છે. તે નાટકની જરૂરીયાત મુજબ સંવાદો, સંગીત અને વેશભૂષા માટે નિર્દેશન આપે છે. ભવાઈના સંવાદો પહેલાથી નક્કી નથી હોતા પણ કલાકારો પ્રસંગ મુજબ જાતે જ સંવાદો બોલે  છે અને સાથે સાથે નૃત્‍યમય શૈલીમાં અભિનય પણ કરે છે. ભવાઈના મુખ્‍ય પાત્રને ‘રંગલો’ કહેવામાં આવે છે. મોટા ભાગના વેશોમાં બેથી ત્રણ પાત્રો એકસાથે ચાચરમાં આવે છે. નાયક, નાયિકા અને મશ્‍કરો જુદા જુદા વેશમાં જુદાં જુદાં નામે ઓળખાય છે.  
bhvaidance.gif
ભવાઈનો ઈતિહાસ
ભવાઈની આટલી ચર્ચા બાદ તેનો ઈતિહાસ જાણવો ખૂબ જરૂરી છે. લોકપ્રિય બનેલી ભવાઈ કોણે, ક્યારે અને કેમ શરૂ કરી તે જાણવું જરૂરી છે. ભવાઈની શરૂઆત સિદ્ધપુરના ઔદિચ્‍ય સહસ્‍ત્ર બ્રાહ્મણકુળમાં જન્‍મેલા કવિ-કથાકાર અસાઈત ઠાકરે કરી હતી.  ચૌદમી સદીમાં ગુજરાતના પ્રદેશોમાં પ્રચલિત નાટયપ્રકારોમાંથી પ્રેરણા મેળવી અસાઈત ઠાકરે એક નવા નાટ્યપ્રકાર ભવાઈનું સર્જન કર્યું હતું. અસાઈત ઠાકરે આશરે 360 ભવાઈ વેશ લખ્યાની માહિતી છે. તેમાં રામદેવનો વેશ સૌથી જૂનો અને પ્રખ્યાત  હોવાનો માનવામાં આવે છે.  

ભવાઈ વિશે વિશેષ વાતો
ભવાઈમાં કેટલીક વિશિષ્ટ રચનારીતિ છે. ખાસ કરીને ભવાઈની શરૂઆતમાં ભૂંગળ વગાડીને કરવામાં આવતી. ભવાઈમાં ગણપતિનો વેશ પ્રારંભે રજૂ કરવામાં આવે છે. જેમાં એક પાત્ર ગણપતિ બનીને હાથમાં ઊંધી થાળી લઈને આવે છે. આ થાળી ઉપર  સ્વસ્તિક દોરેલો હોય છે. એ પછી કાળકા માતાનો વેશ પણ આવે છે. આ વેશમાં પતઈ રાજાના પતનની કથા અને ગરબો રજૂ થાય છે. આટલી ઘટના બાદ જ અન્ય વેશ રજૂ થાય છે. સમય જતાં ભવાઈનાં વેશોની જગ્યાએ સામાજિક નાટકોનું કથાનક પણ  ભવાઈમાં રજૂ થવા લાગેલું. ભવાઈના રંગમંચ સાથે ભવાઈ કરનારા ભવૈયાનો ભાવનાત્મક સંબંધ રહેતો. ભવાઈ શરૂ થતાં પહેલાં નાળિયેર વધેરવામાં આવે છે. ભવાઈમાં આવણું હોય છે. આ આવણું એટલે પાત્રનો પડમાં પ્રવેશ થવાનો હોય કે વેશ શરૂ થતાં  ગીત વગેરે દ્વ્રારા પાત્રનો પરિચય કરાવવાનો હોય ત્યારે જે માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે તે.

ભવાઈ કરનાર લોકો પાસે સામગ્રી ઓછી હોય અને છતાં એની અસરકારકતા ઘણી રહેતી. મોટે ભાગે તો ખભા ઉપર લઈને એક ગામથી બીજે ગામ જઈ  શકાય એટલી સામગ્રી રહેતી. ભવૈયાઓ જે તે ગામમાં જઈ ખૂટતી સામગ્રી મેળવી લેતાં. કોઈકને ત્યાંથી વસ્ત્રો માંગે, જમવાનું બનાવવા માટે તો સીધું તો ગામલોકો તરફથી મળી રહેતું. ખૂટતી વસ્તુઓ મેળવી આપવામાં રંગલો બહુ મદદ કરતો. રંગલાની  રમૂજ ભરેલ માંગણીને કોઈ ભાગ્યે જ મના કરતું. ભવાઈના રંગમંચને ખાસ કોઈ સજાવટની જરૂર ન પડતી. ભવાઈ કરનાર લોકો પાત્ર પ્રમાણેના વસ્ત્રો પહેરતાં. રંગમંચની કોઈ સજાવટ કરવામાં ન આવે. પ્રેક્ષકો પણ એવી કોઈ અપેક્ષા રાખતા નહીં.

ભવાઈનું માળખું
વેશોના ત્રણ પ્રકાર છે.
1. સામાજીક વેશ. જેમાં જૂઠણ, પઠાણ-બામણી, કજોડો, વિગેરેનો સમાવેશ થાય છે.
2. પૌરાણિક વેશ. જેમાં કાન-ગોપી, શંકર-પાર્વતી, વિગેરે હોય છે.  
3. ઐતિહાસિક વેશ. જેમાં જસમા-ઓડણ, વિકો સિસોદીઓ, વિગેરે હોય છે.

ભવાઈ વિશે લોકકથા પણ છે પ્રચલિત
ભવાઈ ક્યારે અને ક્યા કારણોથી શરૂ થઈ તે વિશે અનેક લોકકથા છે. જે મુજબ 14મી સદીમાં ઊંઝાના એક નાયક(મુખી) હેમા પટેલની પુત્રી ગંગાનું એક મુસ્લિમ સુબેદારે અપહરણ કર્યું હતું. તે બાદ તેમના પરિવારના બ્રાહ્મણ પુરોહિત અસાઈત ઠાકર સુબેદાર  પાસે જાય છે અને ગંગા તેમની પુત્રી છે તેવો દાવો કરે છે. આ વાતને સાબિત કરવા માટે સુબેદાર તેમને ગંગા સાથે જમવાનું કહે છે. જો કે તે સમયે બ્રાહ્મણો નીચી જ્ઞાતિના લોકો સાથે જમતા ન હતાં. પરંતુ અસાઈત ઠાકર તે પુત્રીને બચાવવા માટે તેની સાથે  જમ્યા હતા. પરંતુ આ ઘટના બાદ બ્રાહ્મણ સમાજે તેમને નાત બહાર કર્યા હતા. બસ આ બાદ તેમને પોતાના જીવન નિર્વાહ માટે નાટકો ભજવવાનું શરૂ કર્યું. આ બધાં નાટકના વિશિષ્ટ સ્વરૂપમાં ઉન્નતિકરણ પામ્યાં જેને ભવાઈ કહે છે. આભાર વ્યક્ત કરવા  સિવાય હેમા પટેલે એમને જમીનનો એક ટુકડો આપ્યો અને નાણાકીય સહાય પણ કરી જે ભવૈયાઓનું આશ્રય સ્થાન બન્યું. અસાઈત ઠાકરની 360 ભવાઈમાંથી વર્તમાન સમયમાં માત્ર 60 જ પ્રાપ્ય છે. તે પૈકીના એક નાટકમાં તેમણે પોતાની કૃતિને ઈ.સ  1360ની દર્શાવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news