VADODARA માં પોલીસ અત્યાધુનિક બનશે 650 CCTV,363 નું મહેકમ, 33 બોલેરો અને 52 બાઇક મળશે
Trending Photos
વડોદરા : શહેરને ચાર નવા પોલીસ મથક અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ વધુ 650 CCTV કેમેરા મળશે. 363 નું મહેકમ વધશે અને 33 બોલેરો અને 52 મોટર સાયકલ સ્વરૂપે નવા વાહનો તથા સાધનો મળશે. કોરોના અને ગુના શોધનની ઉત્તમ કામગીરી કરનારા અધિકારીઓ અને પોલીસ જવાનો નું ગૃહ રાજ્ય મંત્રી ના હસ્તે કરવામાં આવ્યું સન્માન. નર્મદા વિકાસ મંત્રીના સૂચન પ્રમાણે લાલબાગ એસ.આર.પી.ગ્રુપમાં અને પોલીસ વડા મથકમાં પોલીસ પરિવારો માટે અર્બન હેલ્થ સેન્ટર શરૂ કરવા મહાનગર પાલિકાને અપીલ કરવામાં આવે છે.
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ શહેર પોલીસ કમિશનર તથા રેન્જ આઇ.જી.અને જિલ્લા પોલીસ વડા સાથે ક્રાઇમ રિવ્યૂ બેઠક યોજીને ગુનાઓ ઝડપવા,ઘટાડવા લેવામાં આવેલા પગલાં અને તેમાં મળેલી સફળતાની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે નર્મદા વિકાસ મંત્રી યોગેશ પટેલ,ધારાસભ્ય જીતુ સુખડીયા, સીમાબેન મોહિલે, મનીષાબેન વકીલ અને શૈલેષ મહેતાને સાથે રાખીને પોલીસ વિષયક બાબતોની અને નિરાકરણના ઉપાયોની ચર્ચા વિચારણા કરી સૂચનાઓ આપી હતી.
ગૃહમંત્રીના હસ્તે નકલી રેમદેસિવિર, નકલી સેનેટાઈઝર બનાવવાના ગુનાઓનો પર્દાફાશ કરનારા, ઓકસીજન સિલિન્ડર ના કાળાબજાર રોકવા, સી.સી.ટીવીના આધારે અછોડા તોડોને ઝડપવા, સાયબર ક્રાઇમમાં સંડોવાયેલી વિદેશી ગેંગને ઝડપવા, આંતર રાષ્ટ્રીય ડ્રગ માફિયાને પાછો લાવવા સહિતની અને કોરોના કાળમાં સેવાની પ્રસંશનીય કામગીરી કરનારા જયદીપસિંહ જાડેજા, અમિતા વાનાની સહિત પોલીસ અધિકારીઓ અને જવાનોનું સન્માન કર્યું હતું. નર્મદા વિકાસ મંત્રીના સૂચન પ્રમાણે તેમણે પોલીસ પરિવારો માટે લાલબાગ એસ.આર.પી.કેમ્પમાં અને પ્રતાપનગર પોલીસ વડા મથકમાં અર્બન હેલ્થ સેન્ટર શરૂ કરવા મેયર કેયુર રોકડીયાને અનુરોધ કર્યો હતો. જેનો તેમણે સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.
ગૃહરાજ્ય મંત્રીએ ટીમ વડોદરા પોલીસની વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ કામગીરીને ઉદાહરણો આપીને બિરદાવી હતી. તેમણે જણાવ્યું કે, મહિલાઓ,બાળકો અને વડીલોને મદદ અને હૂંફ, ગુડ ટચ બેડ ટચ જેવા સંવેદનશીલ પ્રોજેક્ટ, લવ જેહાદના કેસોની તલ સ્પર્શી તપાસ, લેન્ડ ગ્રેબરો સામે પગલાં સહિતની બાબતોમાં ટીમ વડોદરા પોલીસે રાજ્યમાં સહુથી ઉત્તમ કામગીરી કરી છે. શી ટીમ વડોદરાની કામગીરી પણ શ્રેષ્ઠ રહી છે. સાયબર ગુનાઓનો પર્દાફાશ કરવામાં પણ વડોદરા પોલીસની કામગીરી સારી રહી છે.
વડોદરા પોલીસની ઉત્તમ કામગીરીને વધુ ઉત્તમ બનાવવા વડોદરા શહેરના વ્યાપને ધ્યાનમાં રાખીને કુંભાર વાડા,અકોટા,અટલાદરા અને કપુરાઇના નવા પોલીસ મથકો મંજૂર કર્યા છે. આ નવા પોલીસ મથકો માટે 300 નું મહેકમ સાથે શહેર પોલીસ માટેના મહેકમમાં 63 નો વધારો, 33 બોલેરો જીપ અને 52 મોટર સાયકલ વાહનોની ફાળવણી અને સાધન સુવિધાઓ આપવાની જોગવાઈ કરી છે. બોડી વોર્ન કેમેરા આપવામાં આવશે. હાલમાં 1355 જેટલા સી.સી.ટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. વિશ્વાસ પ્રોજેક્ટ ના બીજા ચરણ માં 650 વધુ સી.સી.ટીવી કેમેરા આપવાનું આયોજન છે.
ધારાસભ્યોની રજૂઆતને અનુલક્ષીને તેમણે જણાવ્યું કે, લોનની વસુલાત માટે દાદાગીરી કરનારા રિકવરી એજન્ટો સામે નાગરિકોની ફરિયાદ મળ્યેથીગુનો નોંધવામાં આવશે. તેમણે શહેર પોલીસ મથકના વિસ્તારમાં સી.સી.ટીવી સર્વેલાન્સ સઘન બનાવવા અને યોગ્ય કિસ્સાઓમાં આધાર કાર્ડની ચકાસણી સહિતના પગલાં લેવા સૂચના આપી હતી. નશીલા પદાર્થોને લગતા ગુનાઓ માટે મલ્ટી ડ્રગ ટેસ્ટ ડીવાઈસ કીટના ઉપયોગની વડોદરા પોલીસની પહેલને તેમણે બિરદાવી હતી. અકોટા દાંડિયા બજાર બ્રિજ પર સરવેલાન્સ વધારવા સહિતની રજૂઆતોમાં યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી. મેયર દ્વારા કોરોના કાળમાં વાહનોના દંડની બાબતમાં સહાનુભૂતિપૂર્વક નિર્ણય લેવા વિનંતી કરી હતી. આ ઉપરાંત મહાનગર પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરીમાં પોલીસ સહયોગ સહિતની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.
શહેર પોલીસ કમિશનર ડો.શમશેર સિંહે ગૃહ રાજ્ય મંત્રીને આવકારવાની સાથે ગત વર્ષની સરખામણીમાં ગંભીર ગુનાઓ શોધવામાં થયેલો વધારો, ટ્રાફિક અકસ્માતો ઘટાડવા લેવામાં આવેલા પગલાં સહિતની બાબતોની વિગતવાર જાણકારી પ્રેઝન્ટેશન દ્વારા આપી હતી. તેમણે દરેક પોલીસ મથકમાં ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નરની રચના, કોરોના રસીકરણમાં શહેર પોલીસનો સહયોગ, કોરોના વોરિયર શહીદ જવાનોના પરિવારોને રૂ.25 લાખ પ્રમાણે સહાય સહિતની પહેલોની જાણકારી આપી હતી. તેમણે પોલીસ કામગીરીમાં રાજકીય પાંખના સહયોગને બિરદાવ્યો હતો. અધિક પોલીસ કમિશનર ચિરાગ કોરડિયા અને નાયબ પોલીસ કમિશનરઓ એ બેઠકમાં ભાગ લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે