સૌરાષ્ટ્રવાસીઓનું સપનું રગદોળાયું, આ વર્ષે મેળો માણવા નહિ મળે! રદ કરાયા આ શહેરોના લોકમેળા

Rajkot Lokmelo Cancel : સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાજકોટનો લોકમેળો રદ... ભારે વરસાદની આગાહીના કારણે લોકમેળો રદ કરાયો... રાઈડ્સ અને સ્ટોલના વેપારીઓને મોટું નુકસાન... પોરબંદર અને સુરેન્દ્રનગરનો લોકમેળો પણ રદ કરાયો 
 

સૌરાષ્ટ્રવાસીઓનું સપનું રગદોળાયું, આ વર્ષે મેળો માણવા નહિ મળે! રદ કરાયા આ શહેરોના લોકમેળા

Rajkot News : રાજ્યમાં મેઘાની તોફાની બેટિંગ ચાલી રહી છે. આજે પણ સવારથી 200થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના અનેક જિલ્લા જળબંબાકાર બન્યા છે. ત્યારે આ વર્ષે સૌરાષ્ટ્રના લોકો લોકમેળા નહિ માણી શકે. ભારે વરસાદને કારણે એક પછી એક તમામ લોકમેળા રદ થઈ રહ્યાં છે. પહેલા પોરંબદર અને સુરેન્દ્રનગર બાદ હવે રાજકોટનો લોકમેળો રદ કરાયાની જાહેરાત કરાઈ છે. 

  • રાજકોટનો "ધરોહર" લોકમેળો આજથી રદ કરાયો
  • સ્ટોલધારકોને ૧૦૦ ટકા રકમ પરત અપાશે
  • લોકહિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો

 
સ્ટોલ ધારકોને રકમ પરત મળશે 
રાજકોટ શહેર તથા જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદ તેમજ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને પગલે ‘ધરોહર લોકમેળો’ આજથી રદ કરવામાં આવ્યો છે. તથા સ્ટોલ ધારકોને ભરેલી રકમ તેમજ ડિપોઝિટની રકમ ૧૦૦ ટકા પરત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ તથા શહેર-૧ પ્રાંત અધિકારી ચાંદની પરમારે એક યાદીમાં જણાવ્યું છે કે, રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે લોકમેળો ૨૪થી ૨૮ ઓગસ્ટ દરમિયાન યોજવામાં આવ્યો હતો. પરંતુ પ્રવર્તમાન સમયમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તેમજ હવામાન ખાતાની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ ભારે વરસાદ પડવાની ચેતવણી છે. આથી લોકોની સલામતીના હેતુસર આજે ૨૭મી ઓગસ્ટથી "ધરોહર" લોકમેળો રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોકમેળાના આયોજન માટે મંડપ, ઇલેક્ટ્રિકલ વાયરીંગ તથા અન્ય ખર્ચાઓ મળીને કુલ મળીને આશરે રૂપિયા બે કરોડ જેવો ખર્ચો થયો છે. જેની દરકાર કર્યા વિના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ઉદાર નિર્ણય મુજબ, સ્ટોલધારકોએ ભરેલી ભાડાની ૧૦૦ ટકા રકમ તથા ડિપોઝિટની ૧૦૦ ટકા રકમ લોકહિતમાં પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) August 27, 2024

 

પોરબંદરમાં વેપારીઓએ વળતરની માંગ કરી
પોરબંદરમાં લોકમેળા ગ્રાઉન્ડમાં પાણી ભરાયાં છે. મેળા ગ્રાઉન્ડના અમુક ભાગોમાં ઘૂંટણસમાં પાણી ભરાયાં છે. ત્યારે ચકડોળ ધારકોએ મેળો રદ કરી વળતર ચુકવવા માંગ કરી. તેઓએ ભરેલ પૈસા તેમજ નુકસાનનું વળતર આપવા માંગણી કરી છે. વરસાદની સ્થિતિને જોતા આજના દિવસ પુરતો લોકમેળો રદ કરવામાં આવ્યો છે. રાઇડ્સ ધારકો સહિત ધંધાર્થીઓને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. પોરબંદર જિલ્લામાં ગત રાત્રિથી વરસાદી માહોલ છે. આજે સવારે 6 થી બપોરના 2 વાગ્યા સુધીમાં જિલ્લામાં 3 થી લઈને 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) August 27, 2024

 

સુરેન્દ્રનગરમાં પણ લોકમેળો બંધ રખાયો
ધાંગધ્રામાં ભારે વરસાદના પગલે ફલકુ ડેમ ઓવરફ્લો થયો છે. નદીના પાણી મેળા ફરી વળતા જન્માષ્ટમી લોક મેળો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. પોલીસ તંત્રે પણ મેળામાં સુરક્ષાને ધ્યાને રાખી પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. મેળો સમાપન થયાની જાહેરાત થતાની સાથે જ વિવિધ રાઈડ ટ્રકોમાં ભરવાની કામગીરી શરૂ કરાઈ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news