ફિલ્મ ‘તારે જમીન પર’ની વાર્તા કાલ્પનિક હતી, જ્યારે સુરતના હેરિકની કહાણી હકીકત છે
ઑટિઝ્મ એ એક ગંભીર ન્યૂરોલૉજિકલ ડિસઑર્ડર છે, જેમાં પીડિત બાળપણથી જ બીજા બાળકોની જેમ પોતાના પરિવારના સભ્યો અથવા આસપાસના વાતાવરણ સાથે ભાવનાત્મક કે સામાજિક રીતે જોડાઈ શકતા નથી. એટલે કે તેમને બીજાની વાત સમજવામાં, પોતાની વાત સમજાવવામાં અથવા બીજાની વાત પર પ્રતિક્રિયા આપવામાં મુશ્કેલી પડે છે.
Trending Photos
સુરત: શારીરિક અને માનસિક અનેક સમસ્યાઓનું નિવારણ માત્ર દવા અને દુઆથી જ નહિ, પરંતુ વ્યક્તિને હૂંફ, સ્વીકાર અને યોગ્ય સમયે આપેલા સધિયારાથી પણ થતું હોય છે. ઑટિઝ્મ સામે લડવામાં પણ ધીરજ સાથે વ્હાલ અને વાત્સલ્યભાવ રામબાણ ઈલાજ બને છે. ઑટિઝ્મગ્રસ્ત બાળકની સંવેદનાસભર માહોલમાં સારસંભાળ રાખવામાં આવે તો અન્ય સ્વસ્થ બાળક જેવું જ હસતું-રમતું બની શકે છે, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ સુરતના ગોપીપુરા વિસ્તારમાં રહેતા અને ઑટિઝ્મથી પીડાતા ૭ વર્ષીય હેરિક જરીવાલાએ પૂરૂ પાડ્યું છે. ઑટિઝ્મથી પીડિત હોવા છતાં પેઈન્ટિંગ અને અલગ-અલગ રંગોને પારખવાની કુશળતા ધરાવતા હેરિકની કહાની ફિલ્મ ‘તારે જમીન પર’ના કિરદાર 'ઈશાન અવસ્થી'ને હુબહુ મળતી આવે છે. ૩૦ વર્ષીય માતા ગાયત્રીબહેન જીવનના તમામ સંઘર્ષો અને અવરોધોને ઓળંગી હેરિકનો પ્રેમાળ ઉછેર કરી અન્ય માતા-પિતા માટે પ્રેરણાસ્રોત સાબિત થયા છે. માતાપિતાના હૂંફભરેલા ઉછેરથી ઑટિઝ્મગ્રસ્ત ૭ વર્ષીય હેરિકના જીવનમાં નવી રોનક છવાઈ છે.
પુત્ર હેરિક અને પતિ કૃણાલભાઈ પોતાના પિયરમાં રહેતા ગાયત્રીબહેન જરીવાલા જણાવે છે કે, હું જોબ કરતી હોવાથી હેરિકના જન્મના નવ મહિના બાદ ડે કેરમાં પરિચિત મહિલાની દેખરેખમાં હેરિકને રાખ્યો હતો. તેના દૂધ, ખોરાકથી લઈ સુવા સુધીની તમામ બાબતોમાં આ પરિચિત મહિલા સાથે ઘનિષ્ઠતા અનુભવતો હતો. અઢી વર્ષનો થયા બાદ હેરિકને એક પ્રિ-સ્કૂલમાં દાખલ કર્યો, પરંતુ તેનો વ્યવહાર અન્ય બાળકો કરતા જુદો માલુમ પડતા તેના શિક્ષકે અમને મનોચિકિત્સકના નિદાન કરવાની સલાહ આપી હતી. વર્ષ ૨૦૧૮માં મનોચિકિત્સકે પ્રાથમિક નિદાન કરતાં રિપોર્ટમાં હેરિકને ઑટિઝ્મના ગંભીર લક્ષણો હોવાનું જણાયું હતું.
હેરિકને નાની-નાની વાતોમાં ગુસ્સે થવું, અન્ય સમવયસ્ક બાળકો સાથે ન રમવું, સમયસર પ્રતિક્રિયા ન આપવી, મૌખિક કમાન્ડ અને ઈશારાની પ્રતિક્રિયા આપવામાં સમસ્યા, ઊંઘ ન આવવી વગેરે લક્ષણો દેખાયા હતા. ઑટિઝ્મ તેમના માટે નવો પડકાર હતો, તેમ છતાં સામાન્ય આર્થિક પરિસ્થિતિના કારણે ગાયત્રીબહેને એકલા હાથે તમામ વિકટ પરિસ્થિતિઓનો સામનો કરી હેરિકને એક નવું જીવન આપવા પ્રયત્નો શરૂ કર્યા હતા. હેરિકની ઑટિઝ્મની થેરાપી શહેરના સારનાથ ચાઈલ્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ખાતે શરૂ કરી હતી, અહીંની ચાઈલ્ડફ્રેન્ડલી થેરાપીના કારણે બાળકના વ્યવહારમાં હાલ ઘણો સુધાર આવી રહ્યો છે.
ગાયત્રીબેહેને વધુમાં જણાવ્યું હતું કે, મારા બાળકને ઑટિઝ્મની સમસ્યા હોવાથી સામાજિક કાર્યક્રમોમાં પણ હાજરી આપી શક્તિ નથી. હેરિકને પરિવારના અન્ય સભ્યો અને પાડોશીઓના બાળકોના દુર્વ્યવહારનો પણ સામનો કરવો પડતો હતો. બાળક એ ઈશ્વરની દેન છે. જેથી બાળક જેવું પણ હોય તે પરિસ્થિતિમાં તેને સ્વીકારવું એ માતા-પિતાનું પ્રમુખ કર્તવ્ય છે. મેં ‘તારે જમીન પર’ ફિલ્મ જોઈ છે, આ ફિલ્મમાં ડિસ્લેકસીયાથી પીડિત ઈશાનની કહાની મારા બાળક સાથે મેચ થાય છે. હેરિકની આવી સ્થિતિનો સામનો કરવા અને તેના માનસિક વિકાસને સતેજ કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો, અને ઘરમાં જ હેરિકને સામાન્ય કરવા વિવિધ કવાયતો શરૂ કરી. જેમાં પઝલ, કલર બ્લોક્સ, વિઝન બોર્ડ, કાર્ડ્સ જેવી સુવિધાઓ તેમજ રમતો હેરિકને આ સમસ્યામાંથી ઉગારી લેવા કારગર સાબિત થઇ રહી છે. હેરિક એક રંગોના અનેક પેટા રંગોને તુરંત ઓળખી શકે છે. તેની રંગો પારખવામાં માસ્ટરી છે.
કોરોનાકાળ અને લોકડાઉનના સમયનો સદુપયોગ પણ હેરિકના માનસિક વિકાસ માટે કર્યો હતો એમ જણાવતાં ગાયત્રીબહેને અન્ય વાલીઓને શીખ આપતા કહ્યું હતું કે, માતાપિતાએ સૌપ્રથમ તો બાળકની મર્યાદાઓને ન અવગણતા તેનો સહજભાવે સ્વીકાર કરવો જોઈએ, અને તેની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા પ્રયાસ કરવો જોઈએ, તેની ક્ષતિઓને નહિ, પણ સંવાદ અને પ્રતિસાદને મહત્વ આપી ભરપૂર પ્રેમ અને સહકાર આપવો જોઈએ. તો જ બાળક આ સમસ્યાનો સામનો કરવાં માટે મજબૂત બનશે.
શહેરના નિષ્ણાંત બાળ ચિકિત્સક ડો.હિના દેસાઈ જણાવે છે કે, ઑટિઝમ કોઈ બિમારી નથી, પરંતુ એક સ્પેક્ટ્રમ ડિસઑર્ડર છે. જેનો ભોગ ખાસ કરીને ૨૬ અઠવાડિયા પહેલા જન્મતા અથવા ૧ થી ૩ વર્ષની વયના બાળકો બનતા હોય છે. ઑટિઝમગ્રસ્ત બાળકના માતા-પિતા યોગ્ય સમયે બાળકની સારવાર શરૂ કરાવે તે ખૂબ અગત્યનું છે. તેમણે બાળકોના સર્વાંગી વિકાસ માટે ઘરનું વાતાવરણ, મેદાની રમતો તેમજ સમતોલ આહારને હિતાવહ ગણાવ્યા હતા. સુરતના સારનાથ ચાઈલ્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટના મેનેજર અને કાઉન્સેલર શ્રીમતી અમિતાબેન મહેતાએ જણાવ્યું હતું કે, ઑટિઝ્મની સમસ્યાને વહેલી તકે આઇડેન્ટિફાય કરી નિષ્ણાત તબીબની સારવાર લેવામાં આવે તો તેનાથી છૂટકારો મળી શકે છે. દરેક શાળામાં બાળકોનો ‘આઈ.ક્યુ.’ ટેસ્ટ કરવામાં આવે તે આવશ્યક હોવાનું તેમણે સૂચન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સુરત જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ઑટિઝ્મના ૨૭ કેસ નોંધાયા છે. ઑટિઝમ ધરાવતા બાળકો, માનસિક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓની સારવાર અર્થે રાજ્ય સરકારની “નિરામયા યોજના” હેઠળ દવાઓ, પેથોલોજી, ડાયગ્નોસ્ટિક ટેસ્ટ વગેરે ઉપલબ્ધ છે. નિયત ચાર્ટમાં ઓ.પી.ડી. સારવાર માટે રૂ. ૧ લાખ સુધીના આરોગ્ય વીમા કવચનો લાભ હાલમાં માનસિક દિવ્યાંગ અને ઑટિઝ્મગ્રસ્ત ૧૨૯૯ લાભાર્થીઓ લઈ રહ્યા છે. આ સિવાય “મનોદિવ્યાંગ યોજના” અંતર્ગત ઑટિઝ્મના ૭૫%કે તેથી વધુ અસર ધરાવતા બાળકોને રાજ્ય સરકાર દ્વારા દર મહિને રૂ.૧૦૦૦ ની સહાય ચૂકવવામાં આવે છે.
ઑટિઝ્મ શું છે? તેની સારવાર કઈ રીતે કરાવી શકાય?
ઑટિઝ્મ એ એક ગંભીર ન્યૂરોલૉજિકલ ડિસઑર્ડર છે, જેમાં પીડિત બાળપણથી જ બીજા બાળકોની જેમ પોતાના પરિવારના સભ્યો અથવા આસપાસના વાતાવરણ સાથે ભાવનાત્મક કે સામાજિક રીતે જોડાઈ શકતા નથી. એટલે કે તેમને બીજાની વાત સમજવામાં, પોતાની વાત સમજાવવામાં અથવા બીજાની વાત પર પ્રતિક્રિયા આપવામાં મુશ્કેલી પડે છે. ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર નર્વસ સિસ્ટમને અસર કરે છે અને બધા બાળકોમાં તેના અલગ-અલગ લક્ષણ જોવા મળે છે. આ ઉપરાંત ક્યારેક-ક્યારેક તેઓ એટલા આક્રમક થઇ જાય છે કે તે પોતે જ પોતાની જાતને ઈજા પહોંચાડતા હોય છે.
સામાન્ય રીતે ઑટિઝ્મની કોઇ સારવાર નથી હોતી, પરંતુ સ્પીચ થેરાપી અને મોટર સ્કિલ થેરાપી જેવી કેટલીય પદ્ધતિ છે, જેનાથી ઑટિઝ્મને કંટ્રોલ કરી શકાય છે. આ સાથે જ સાવધાની અને પ્રેમ-હૂંફ આપવાથી ઑટિસ્ટિક બાળક પણ અન્ય સામાન્ય બાળકોની જેમ જીવન જીવી શકે છે. મોટાભાગના માતા-પિતા સમાજમાં નીચા દેખાવાના બિનજરૂરી ભયથી પોતાના બાળકની આ પ્રકારની પરિસ્થિતિને સ્વીકારી શકતા નથી, અને બાળકની અવગણના કરવા લાગે છે. એટલે જ ઑટિસ્ટિક બાળકનું જીવન સરળ અને સામાન્ય નથી હોતું, પરંતુ આવા વિકટ સમયમાં તેને આપવામાં આવતી હૂંફ અને વ્હાલ સ્વસ્થ થવામાં ખૂબ કારગર સાબિત થતા હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે