PM મોદીની મોરબી મુલાકાતમાં Oreva કંપનીનું બોર્ડ ઢાંકી દેવાયુ, આખરે કેમ?

Morbi Bridge Collapse : મોરબીમાં ઓરેવા કંપનીના બોર્ડને ઢાંકવામાં આવ્યું... ઝુલતા પુલ પાસે ઓરેવા કંપનીના બોર્ડ પર સફેદ ચાદર.. શા માટે તંત્રએ ઓરેવા કંપનીના બોર્ડને ઢાંકવામાં આવ્યું...

PM મોદીની મોરબી મુલાકાતમાં Oreva કંપનીનું બોર્ડ ઢાંકી દેવાયુ, આખરે કેમ?

Morbi Bridge Collapse :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીના દુર્ઘટનાગ્રસ્ત થયેલા ઝુલતા પુલની આજે મુલાકાત લીધી હતી. વડાપ્રધાને પુલ તૂટ્યા બાદ મચ્છુ નદીમાં ચાલી રહેલી રાહત-બચાવની કામગીરીનું જાત નિરીક્ષણ કરતા સમીક્ષા કરી હતી. તેમજ મોરબી સિવિલ હોસ્પિટલમાં ઘાયલોના ખબર અંતર પૂછ્યા હતા. સિવિલમાં દાખલ દર્દીઓની સારવારમાં કોઈ કચાશ ન રહી જાય તે જોવા વડાપ્રધાને ખાસ સૂચના આપી હતી. ત્યારે પ્રધાનમંત્રીની મોરબી મુલાકાતમાં ખાસ બાબત જોવા મળી હતી, જે આંખે ઉડીને વળગે તેવું હતું. મોરબીમાં ઓરેવા કંપનીના બોર્ડને ઢાંકવામાં આવ્યું હતું. ઝુલતા પુલ પાસે ઓરેવા કંપનીના બોર્ડ પર સફેદ ચાદર ઢાંકી દેવાઈ હતી. ત્યારે તંત્રની આ હરકત અનેક સવાલો ઉભા કરે છે કે, આખરે શા માટે તંત્રએ ઓરેવા કંપનીના બોર્ડને ઢાંકવામાં આવ્યું.

PM પહોંચે તે પહેલા કાયાપલટ 
મોરબી હોનારતને બે દિવસ થઈ ગયા છે. ત્યારે પીએમ મોદી મોરબી પહોંચે તે પહેલાં સમગ્ર વિસ્તારની કાયાપલટ કરાઈ હતી. મોરબી સિવિલ હોસ્પિટલની સાથે દુર્ઘટના સ્થળ પર પણ ખાસ બદલાવ જોવા મળ્યો હતો. દુર્ઘટના સ્થળ પર ઓરેવા કંપનીનું બોર્ડ હતું, જેને પીએમ મોદીના આગમન પહલા સફેદ ચાદરથી ઢાંકી દેવાયુ હતું. તેમજ જે મોરબી સિવિલ હોસ્પિટલમાં 100થી વધુ મૃતદેહો લાવવામાં આવ્યા હતા. ત્યારે એ જ સિવિલ હોસ્પિટલનું રાત્રે રંગરોગાન કાર્ય ચાલુ કરવામાં આવ્યું હતું હોવાની ચર્ચા ઉઠી હતી.  હોસ્પિટલના કેટલાંક વોર્ડમાં સમારકામ અને રંગરોગાનનું કામ ચાલતુ હોવાની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ફરતી થઈ હતી.

આ પણ વાંચો : મોરબી દુર્ઘટના : FSLમાં મોટો ઘટસ્ફોટ, કેબલ તૂટ્યો તે જગ્યાએ નબળો અને કાટ લાગેલો હતો
 
ઘાયલોના ખબર અંતર પૂછ્યા
વડાપ્રધાન પુલ દુર્ઘટનામાં ઘાયલ લોકોના ખબર પૂછવા મંગળવારે મોરબી આવી પહોંચ્યા હતા. મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે તેમણે ઇજાગ્રસ્ત પાંચ યુવકો તેમજ એક યુવતીના હાલચાલ પૂછ્યા હતા અને તેમની સારવાર વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. મોરબીમાં પુલ દુર્ઘટનામાં ઘાયલ ૬ દર્દીઓ હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.  મહેશ દિનેશભાઈ ચાવડા (ઉ.૧૮), અશ્વિન અરજણભાઈ હડિયલ (ઉ.૩૬), રવિ કિશોરભાઈ પાટડિયા (ઉ.૩૦), સિદ્દીક મોહમ્મદ મોવાર (ઉ.૨૭), નઈમ નૌશાદ શેખ (ઉ.૧૮) તથા સવિતા અનિલભાઈ બારોટ (ઉ.૨૩) - આ તમામ દર્દીઓની હાલત સામાન્ય છે અને તેઓને ડૉક્ટરોના નિરીક્ષણમાં રખાયા છે. વડાપ્રધાને ઘાયલો સાથે વાત કરીને આપવીતી જાણી હતી. ઘાયલોની સારવારમાં કોઈ કચાશ ન રહી જાય અને તેમની ઉત્તમ સારવાર થાય તે જોવા સિવિલ હોસ્પિટલ સ્ટાફને ખાસ સૂચના આપી હતી. 

ઘટના સ્થળનુ નિરીક્ષણ કર્યું 
વડાપ્રધાને આ હોનારત જ્યાં બની હતી તે પુલની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત લઈ નેવી, આર્મી, એરફોર્સ, એસડીઆરએફ, એનડીઆરએફ, ફાયર વિભાગ દ્વારા થઈ રહેલી રાહત-બચાવ અને શોધખોળની કામગીરીનું નિરિક્ષણ દરબારગઢ મહેલમાંથી કર્યું હતું તેમજ આ દુર્ઘટના વિશે વિગતવાર માહિતી મેળવી હતી. તેમજ ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી શરૂ કરનાર ફર્સ્ટ રિસ્પોન્ડન્ટસ અને અલગ-અલગ રેસ્ક્યુ ટીમનાં સભ્યો સાથે વાત કરી તેમના પ્રયાસોની સરાહના કરી હતી. વડાપ્રધાને માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કે.એન. ઝાલા પાસેથી ઝૂલતા પુલ અને હોનારતના ટેકનિકલ પાસાઓ વિશે માહિતી મેળવી હતી. પ્રધાનમંત્રીની આ મુલાકાત દરમિયાન ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી, સાંસદ સી. આર. પાટીલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news