1965, 1971, 1999 યુદ્ધ : પાક. સેનાના કબ્જામાં રહી ચૂકેલા 3 પાઈલટની સ્ટોરી
પાકિસ્તાનની સેનાએ કબ્જામાં લીધેલા વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનને માત્ર 54 કલાકમાં જ છોડી દીધો છે. આ અગાઉ પાકિસ્તાન સાથે થયેલા ત્રણ યુદ્ધમાં ભારતીય વાયુસેનાના ત્રણ પાઈલટ પાકિસ્તાનની સેનાના કબ્જામાં રહી ચૂક્યા છે, આ પ્રસંગે તેમણે પોતાની આપવીતી યાદ કરી હતી...
Trending Photos
ઝી વેબ ડેસ્ક/ અમદાવાદઃ દેશ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર વર્થમાનના 'અભિનંદન' માટે તૈયાર છે. ભારત-પાકિસ્તાન વચ્ચે વધી ગયેલી તંગદીલી અને બંને દેશની વાયુસેનાઓ દ્વારા ચાલેલી ધડબડાટીમાં ભારતનો વીર વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાન પાકિસ્તાનના એફ-16 વિમાનનો પીછો કરતા-કરતા એલઓસી પાર કરી ગયો અને ત્યાં તેનું મીગ-21 ફાઈટર જેટ અચાનક દુર્ઘટનાગ્રસ્ત થઈ જતાં પેરાશૂની મદદથી તેને પાકિસ્તીની ધરતી પર ઉતરાણ કરવું પડ્યું, પાકિસ્તાની સેનાએ તેને કબ્જામાં લઈને ભારતનું નાક દબાવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતની રણનીતિ સામે પાકિસ્તાનને ઘુંટણિયે પડવું પડ્યું અને ભારતીય પાઈલટને સસન્માન પરત કરવો પડ્યો હતો.
જોકે, આ પ્રથમ ઘટના નથી જ્યારે ભારતીય વાયુસેનાનો પાઈલટ પાકિસ્તાનના કબ્જામાં આવી ગયો હોય. અગાઉ પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા જુદા-જુદા યુદ્ધ દરમિયાન ભારતના 3 પાઈલટ પાકિસ્તાની સેનાના કબ્જામાં રહી ચૂક્યા છે. આ ત્રણ ભારતીય પાઈલટ છે કમ્બમ્પતિ નચિકેતા, જે.એલ. ભાર્ગવ અને કરિયપ્પા. કમ્બમ્પતિ નચિકેતા ભારત અને પાકિસ્તાન વચ્ચે 1999માં થયેલા કારગિલ યુદ્ધમાં પાકિસ્તાની સેનાના હાથે ઝડપાઈ ગયા હતા અને તેઓ 8 દિવસ સુધી પાકિસ્તાનની કસ્ટડીમાં રહ્યા હતા. પૂર્વ એર કમાન્ડર જે.એલ. ભાર્ગવ 1971ના યુદ્ધમાં એક વર્ષ સુધી પાકિસ્તાની સેનાની કેદમાં રહ્યા હતા. 1965ના યુદ્ધમાં એર માર્શળ કે.સી. કરિયપ્પાએ પાકિસ્તાની સેનાની કસ્ટડીમાં ચાર મહિના પસાર કર્યા હતા.
કે.સી. કરિયપ્પાઃ ચાર મહિના વિતાવ્યા પાક. સેનાની કેદમાં
એર માર્શલ કે.સી. કરિયપ્પાનું વિમાન યુદ્ધના અંતિમ દિવસા પાક અધિકૃત કાશ્મીરમાં જઈને પડ્યું હતું અને તેઓ પાકિસ્તાનની કેદમાં 4 મહિના પસાર કર્યા બાદ ભારત પરત ફર્યા હતા. કે.સી. કરિયપ્પાને જ્યારે પાકિસ્તાની સેનાએ પકડ્યા ત્યારે તેમની ઉંમર 26 વર્ષ હતી. 4 મહિના સુધી તેમને એવું જણાવાયું ન હતું કે યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે. પાકિસ્તાની સેનાએ જ્યારે તેમને પકડ્યા ત્યારે તેમણે પોતાનું નામ, યુનિટ નંબર અને રેન્ક જ જણાવ્યો હતો. ત્યાર બાદ તેમને જેલમાં નાખી દેવાયા હતા. તેમણે પાકિસ્તાની સેનાને એવું પણ જણાવ્યું ન હતું કે, તેમના પિતા ફીલ્ડ માર્શળ કે.એમ. કરિયપ્પા છે, જે આઝાદ ભારતમાં શસ્ત્ર દળોના પ્રથમ ભારતીય પ્રમુખ હતા.
કરિયપ્પા પણ એ જાણતા ન હતા કે તેમની સાથે શું થવાનું છે. તેમને પોતાના પરિવારની ચિંતા સતાવતી હતી. કરિયપ્પાએ વાતચીતમાં આજના સોશિયલ મીડિયાની ભૂમિકા પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, વિંગ કમાન્ડર અભિનંદને પોતાના અંગત જીવન અંગે ક્યારેય કોઈ માહિતી જાહેર કરી નથી. તેની સામે સોશિયલ મીડિયાએ છેલ્લા બે દિવસમાં તેમના અંગેની એક-એક વાત જણાવી દીધી છે. કરિયપ્પાએ સોશિયલ મીડિયાને અસંવેદનશીલ જણાવ્યું અને કહ્યું કે, તેનાથી એક જવાના જ નહીં પરંતુ તેના પરિવારના સામે પણ જોખમ વધી જાય છે, જે યોગ્ય નથી.
જે.એલ. ભાર્ગવઃ પાક. અધિકારીએ કલમો પઢવા જણાવ્યું હતું
જે.એલ. ભાર્ગવને પાકિસ્તાની સેનાએ કલમો પઢવા માટે જણાવ્યું હતું. જ્યારે તેઓ બોલ્યા નહીં તો તેમને જેલમાં મોકલી દીધા હતા. ભાર્ગવનું વિમાન 5 ડિસેમ્બર, 1971માં પાકિસ્તાનમાં જઈ પડ્યું હતું. તેમણે પાકિસ્તાની સેનાના હાથમાં આવતા પહેલા 12 કલાક સુધી પોતાની ઓળખ છુપાવી રાખી હતી. ભાર્ગવનું વિમાન જેવું પાકિસ્તાને તોડી પડાયું તેમણે વિમાનમાંથી કૂદકો મારી દીધો હતો.
તેઓ પાકિસ્તાનની ધરતી પર પોતાની ઓળખ છુપાવીને સંતાતા ફરતા હતા અને 12 કલાક બાદ પાકિસ્તાની સેનાની હાથમાં આવી ગયા હતા. આ અગાઉ તેઓ લોકોને ખુદને પાકિસ્તાની સેનાનો જવાન જણાવતા રહ્યા હતા. તેમને જ્યારે શરૂઆતમાં તેમને પુછવામાં આવ્યું કે તેઓ ક્યાંના છે તો તેમણે પોતાને રાવલપિંડીના જણાવ્યા હતા. એ સમયે જ્યારે કોઈએ તેમને કહ્યું કે, તેઓ ભારતીય ગામમાં ઊભા છે તો ભાર્ગવ ચાલાકી સમજી ગયા હતા અને પોતાને પાકિસ્તાન મોકલી આપવા વિનંતી કરવા લાગ્યા હતા. જોકે, પાકિસ્તાની રેન્જર દ્વારા તેમને કલમો પઢવા માટે જણાવાયું. જે તેઓ પઢી શક્યા નહીં અને તેમની ધરપકડ કરીને પાકિસ્તાની સેનાને હવાલે કરાયા હતા.
કારગિલ યુદ્ધના હીરો નચિકેતાઃ 8 દિવસ રહ્યો પાકિસ્તાની કેદમાં
નચિકેતા કારગીલ યુદ્ધનો હીરો છે. 1999ના ભારત-પાક. યુદ્ધ દરમિયાન તે પાકિસ્તાની સેનાની પકડમાં આવી ગયો હતો. તેના પર ઘણો અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. નચિકેતા કારગિલ યુદ્ધ દરમિયાન ફ્લાઈટ લેફ્ટનન્ટ હતો. તે 16 મે, 1999ના રોજ કારગિલ યુદ્ધ દરમિયાન બાલટિક સેક્ટરમાં જનારી 9 નંબરની સ્ક્વાર્ડ્રનના પાઈલટોમાંનો એક હતો.
નચિકેતાએ 800 એમએમ રોકેર્ડ દ્વારા દુશ્મન ઠેકાણા પર હુમલો કર્યો હતો. તેણે 30 એમએમ કેનન વડે જ્યારે બીજો હુમલો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેના વિમાનના એન્જિનમાં આગ લાગી ગઈ હતી. નચિકેતા વિમાનમાંથી કૂદી ગયો અને પાકિસ્તાની ધરતી પર ઉતર્યો હતો. પાકિસ્તાનની ધરતી પર ઉતર્યા બાદ પણ બે-ત્રણ કલાક સુધી ખુદને પાકિસ્તાની સેનાથી છુપાવતો રહ્યો હતો.
ત્યાર બાદ પેટ્રોલિંગમાં નિકળેલી પાકિસ્તાની સેનાએ તેને પકડી લીધો હતો અને 8 દિવસ સુધી રાવલપિંડીની આંધારી કોટડીમાં પુરી રાખ્યો હતો. તેના પર ખુબ જ આત્યાચાર ગુજારાયો હતો. ભારત અંગે જાત-જાતની માહિતી માગવામાં આવી હતી અને મિશનની વાતો પણ જાણવા માટે ભરપૂર પ્રયાસ કરાયો હતો.
નચિકેતા 3 જુન, 1999 સુધી પાકિસ્તાનમાં યુદ્ધ કેદી તરીકે રહ્યો હતો. ત્યાર બાદ યુએનના દબાણને કારણે તેને રેડ ક્રોસના આંતરરાષ્ટ્રીય સમુદાયને સોંપાયો હતો. નચિકેતાએ પણ અભિનંદનની જેમ પકડાઈ ગયા બાદ સૌથી પહેલા હવામાં ગોળીબાર કર્યો હતો. ભારત પરત ફર્યા બાદ નચિકેતાને વાયુસેનાના પદકથી નવાજવામાં આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે