OBC અનામત પર સરકારને મળ્યો વિપક્ષનો 'પૂરેપૂરો સાથ'!, લોકસભામાં Constitution Amendment Bill પાસ

લોકસભામાં આજે બંધારણ સંશોધન બિલ (Constitution Amendment Bill in Lok Sabha) પાસ થઈ ગયું. મત વિભાજન દ્વારા આ બિલ સંસદમાં પાસ થયું છે. આ બિલના પક્ષમાં 385 મત પડ્યા જ્યારે વિરોધમાં કોઈ મત ન પડ્યો. એટલે કે ઓછામાં ઓછું બે તૃતિયાંશ બહુમતીથી આ બિલ પાસ થયું. 

OBC અનામત પર સરકારને મળ્યો વિપક્ષનો 'પૂરેપૂરો સાથ'!, લોકસભામાં Constitution Amendment Bill પાસ

નવી દિલ્હી: લોકસભામાં આજે બંધારણનું 127મું સંશોધન બિલ (Constitution Amendment Bill in Lok Sabha) પાસ થઈ ગયું. મત વિભાજન દ્વારા આ બિલ સંસદમાં પાસ થયું છે. આ બિલના પક્ષમાં 385 મત પડ્યા જ્યારે વિરોધમાં કોઈ મત ન પડ્યો. એટલે કે ઓછામાં ઓછું બે તૃતિયાંશ બહુમતીથી આ બિલ પાસ થયું. 

આ અગાઉ બિલ પર વિસ્તારથી ચર્ચા થઈ. ચર્ચા દરમિયાન સરકાર તરફથી જણાવવામાં આવ્યું કે આ બિલ આવ્યા બાદ રાજ્ય સરકારોને ઓબીસી યાદી તૈયાર કરવાનો અધિકાર મળી જશે અને મરાઠા અનામત જેવા મુદ્દાઓ પર રાજ્ય સરકારો નિર્ણય લેવા માટે સ્વતંત્ર રહેશે. કોંગ્રેસસહિત તમામ પક્ષોએ આ બિલનું સમર્થન કર્યું છે.

આ સત્રમાં આ પહેલો એવો દિવસ હતો કે જ્યારે કોઈ બિલ પર શાંતિપૂર્ણ રીતે ચર્ચા થઈ. સમગ્ર વિપક્ષે ઓબીસી સંલગ્ન આ બિલનું સમર્થન કર્યુ. આ સાથે જ કેટલાક પક્ષોએ સરકાર પાસે એવી પણ માંગણી કરી કે ઓબીસી અનામતની 50 ટકા મર્યાદાને વધારવાની વ્યવસ્થા કરવામાં આવે. 

કેન્દ્રીય મંત્રીએ આપ્યો વિપક્ષના સવાલનો જવાબ
વિપક્ષી સાંસદોના સવાલનો જવાબ આપતા કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી વિરેન્દ્ર કુમારે કહ્યું કે જે પ્રકારે સદને બિલનું સમર્થન કર્યું તે સ્વાગત યોગ્ય છે. તેમણે કહ્યું કે ભાજપની નીતિ અને નિયત સાફ છે. કોંગ્રેસને જવાબ આપતા કહ્યું કે જ્યારે 102મું સંશોધન લાવવામાં આવ્યું હતું ત્યારે પણ કોંગ્રેસે તેનું સમર્થન કર્યું હતું. આથી હવે કોંગ્રેસ પાસે સવાલ ઉઠાવવાનો નૈતિક અધિકાર નથી. 

— ANI (@ANI) August 10, 2021

કોંગ્રેસે બિલનું કર્યું સમર્થન
લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે 2018માં 102મું બંધારણીય સંશોધન લાવવામાં આવ્યું. તમે ઓબીસી કમિશન બનાવ્યું પરંતુ તમે રાજ્યોના અધિકારોનું હનન કર્યું. બહુમતની બાહુબલીથી તમે સદનમાં મનમાની કરી રહ્યા છો. પ્રદેશોથી જ્યારે અવાજ ઉઠવા લાગ્યો અને અધિકારોને ન છીનવવાનો અવાજ ઉઠ્યો તો તમે આ રસ્તે આવવા માટે મજબૂર બન્યા. તેમણે કહ્યું કે અમે આ બિલનું સમર્થન કરીએ છીએ અને તેની સાથે માંગણી કરીએ છીએ કે 50 ટકાની મર્યાદા પર કઈક કરવામાં આવે. કેટલાક પ્રદેશોમાં તેનાથી પણ વધુ છે. તામિલનાડુમાં 69 ટકા અનામત છે. 

આ સિવાય આમ આદમી પાર્ટી, અકાલી દળ, સપા-બસપા, જેડીયુ, સહિત અન્ય પક્ષોએ પણ પોત પોતાના અભિપ્રાય રજુ કર્યા અને બિલનું સમર્થન કર્યું. અપક્ષ સાંસદ નવનીત રાણાએ કહ્યું કે કેન્દ્ર સરકારે આ બિલ લાવીને ઐતિહાસિક નિર્ણય લીધો છે. હું મહારાષ્ટ્ર સરકારને અપીલ કરું છું કે બે દિવસનું અધિવેશન બોલાવીને ઓબીસી સમુદાય સાથે ન્યાય કરો. 

મહારાષ્ટ્રમાં થશે સીધી અસર
OBC Amendment Bill ની સીધી અસર હાલ મહારાષ્ટ્રમાં થશે. જ્યાં મરાઠા સમુદાયને OBC ની યાદીમાં નાખવા માટે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોમવારે ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત પણ કરી હતી. 

આ છે નિયમ
નિયમ મુજબ બંધારણ સંશોધન વિધેયક તરીકે તેને સદનમાં કુલ સભ્યોની સંખ્યા કે બહુમત દ્વારા કે સભામાં ઉપસ્થિત તથા મત આપનારા સભ્યોના ઓછામાં ઓછા બે તૃતિયાંશ બહુમતીથી પાસ થવું જરૂરી હતું. લોકસભામાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડો. વિરેન્દ્ર કુમારે અન્ય પછાત વર્ગો સંબંધિત બંધારણ (127મું સંશોધન) વિધેયક 2021 પર થયેલી ચર્ચાનો જવાબ આપ્યો અને કહ્યું કે સદનમાં આ બંધારણ સંશોધન બિલના પક્ષમાં તમામ પક્ષોના સાંસદોનું મળેલું સમર્થન સ્વાગત યોગ્ય છે. 

50 ટકા અનામતની મર્યાદા વધશે?
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીએ  કહ્યું કે જ્યાં સુધી 50 ટકા અનામતની મર્યાદા વધારવાની વાત છે ત્યાં સરકાર આ ભાવનાને સમજે છે. અનેક સભ્યોએ અનામતની 50 ટકાની મર્યાદાને વધારવાની વાત કરી છે જેને અનેક દાયકાઓ પહેલા નક્કી કરાઈ હતી. તેમણે કહ્યું કે સરકાર સભ્યોની ભાવનાથી માહિતગાર છે અને આથી તમામ બંધારણીય અને કાનૂની આયામો પર સાવધાનીપૂર્વક વિચાર કરવાની જરૂર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news