હાથ-પગ બાંધીને લાલુને પેરોલ પર છોડવામાં આવ્યા છે, RJDનો આરોપ
આરજેડીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શિવાનંદ તિવારીએ આજે આરોપ લગાવ્યો કે તેમની પાર્ટીના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને 'હાથ-પગ બાંધીને' પેરોલ પર છોડવામાં આવ્યાં છે
- પુત્રના લગ્નમાં સામેલ થવા માટે લાલુ પટણા પહોંચ્યા
- રાંચી જેલથી 3 દિવસના પેરોલ પર પટણા પહોંચ્યા લાલુ પ્રસાદ યાદવ
- લાલુ પટણા પહોચ્યાં ત્યારે સમર્થકોએ ખુબ નારેબાજી કરી
Trending Photos
પટણા: આરજેડીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શિવાનંદ તિવારીએ આજે આરોપ લગાવ્યો કે તેમની પાર્ટીના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને 'હાથ-પગ બાંધીને' પેરોલ પર છોડવામાં આવ્યાં છે અને પેરોલની શરત અને શરતોના પાલનની નિગરાણી માટે સુરક્ષાના નામે ઝારખંડ પોલીસની તહેનાતી 'બિહાર ભાજપના એક નેતા'ના દિમાગની ઉપજ છે. શિવાનંદે આરોપ લગાવ્યો કે પેરોલ પાંચ દિવસના માંગવામાં આવ્યાં હતાં પરંતુ 3 દિવસના જ અપાયા. તેમણે કહ્યું કે લાલુ કોઈ પણ નેતા-કાર્યકર્તાને મળશે નહીં.
આ દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા અને બિહારના ડેપ્યુટી સીએમ સુશીલકુમાર મોદીએ કહ્યું કે ચારા કૌભાંડના ચાર કેસોમાં દોષિત ઠરેલા લાલુ પ્રસાદ રેલવેની 2 હોટલોના બદલે જમીન લેવાના મામલે પણ આરોપી છે. આમ છતાં તેમની પાર્ટીએ લાલુ સંબંધિત દરેક ચુકાદાને લઈને ન્યાયપાલિકા પર શંકા વ્યક્ત કરી. સજા કેટલી હોય, સારવાર અંગે, એમ્સમાં ક્યાં સુધી રાખવામાં આવશે, પેરોલ કેટલા દિવસની અપાય, આ બધા પર આરજેડી નેતાઓએ બેજવાબદારીવાળા નિવેદનો કર્યાં.
અત્રે જણાવવાનું કે કરોડો રૂપિયાના ચારા કૌભાંડમાં દોષિત ઠરેલા આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ જેલમાં સજા કાપી રહ્યાં છે. મોટા પુત્ર તેજપ્રતાપ યાદવના લગ્ન સમારોહમાં ભાગ લેવા માટે ખાસ 3 દિવસના પેરોલ પર આજે સાંજે પટણા પહોંચ્યાં. ચારા કૌભાંડમાં સજા પામ્યા બાદથી ગત વર્ષ ડિસેમ્બરથી તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આજે સાંજે લાલુનું સ્વાગત કરવા માટે તેમના સમર્થકો પટણા એરપોર્ટ પહોંચ્યાં હતાં.
પટણાના જયપ્રકાશ નારાયણ એરપોર્ટ પર સાંજે લગભગ 6.40 વાગ્યે લાલુનું સ્વાગત કરવા માટે મોટી પુત્રી અને સાંસદ મીસા ભારતી, મોટા પુત્ર તેજપ્રતાપ યાદવ, નાના પુત્ર અને પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, જમાઈ શૈલેશ, આરજેડીના પ્રદેશ અધ્યક્ષ રામચંદ્ર પૂર્વે અને ભાઈ વીરેન્દ્ર સહિત પાર્ટીના અનેક ધારાસભ્યો અને નેતાઓ પહોંચ્યા હતાં.
#WATCH Bihar: Lalu Prasad Yadav, who is out on parole, arrives in Patna to attend son Tej Pratap Yadav's wedding. pic.twitter.com/14WjuPYBYO
— ANI (@ANI) May 10, 2018
એરપોર્ટ પહોંચ્યા બાદ લાલુને ભારે સુરક્ષા વચ્ચે વ્હીલ ચેર દ્વારા ગાડીમાં બેસાડીને દસ સર્ક્યુલર રોડ સ્થિત તેમની પત્ની અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના નિવાસ સ્થાને લઈ જવાયા. પટણાના વીરચંદ પટેલ સ્થિત આરજેડીના પ્રદેશ હેડક્વાર્ટરમાં પણ પાર્ટી સમર્થકો લાલુના પેરોલ પર બહાર આવવાથી ખુશ જોવા મળ્યાં. જો કે સાથે નારાજગી પણ હતી. પાર્ટી કાર્યકરોનું કહેવું હતું કે પૂર્વ મુખ્યમંત્રીને આ પ્રકારના અવસરે પરિવાર સાથે રહેવા માટે ઓછામાં ઓછા એક મહિનાનો સમય આપવો જોઈતો હતો.
આરજેડીના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ મનોજ ઝાએ આરોપ લગાવ્યો કે તેમાં કોઈ શંકા નથી કે લાલુ સાથે અન્યાય થઈ રહ્યો છે અને આ માટે જવાબદાર લોકોને જનતા પાઠ ભણાવશે.
(ઈનપુટ ભાષામાંથી)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે