11 વિશ્વકપમાં ભારતે ઉતાર્યા 6 કેપ્ટન, જુઓ કોણ કેટલું સફળ

ઈંગ્લેન્ડમાં શરૂ થઈ રહેલા આગામી વિશ્વ કપ 12મો વિશ્વકપ હશે. 1975થી શરૂ થયેલો ક્રિકેટ કુંભ દર ચાર વર્ષ બાદ આયોજીત થાય છે. અત્યાર સુધી રમાયેલા 11 વિશ્વ કપમાં ભારતીય ટીમનું નેતૃત્વ 6 કેપ્ટનોએ કર્યું છે. વિરાટ કોહલી 7મું કેપ્ટન હશે, જે વિશ્વકપમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળશે. આગળની સ્લાઇડ્સમાં જુઓ ક્યા કેપ્ટનના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાનું કેવું રહ્યું પ્રદર્શન... 

May 15, 2019, 04:07 PM IST
1/7

એસ. વેંકટરાઘવન (1975-1079)

એસ. વેંકટરાઘવન (1975-1079)

વેંકટરાઘવનની ઓળખ સ્માર્ટ ક્રિકેટર તરીકે હતી. તેમણે 1975 અને 1979 વિશ્વકપમાં ભારતની કમાન સંભાળી હતી. આ દિવસોમાં વનડે ક્રિકેટમાં ભારતીય ટીમની કોઈ ખાસ ઓળખ નહતી અને ટીમ ઈન્ડિયા ત્યારે વિશ્વકપમાં રમેલી 6 મેચોમાં માત્ર એકમાં જીત મેળવી શકી હતી. આ છ મેચોમાં વેંકટરાઘવન એકપણ વિકેટ પોતાના નામે ન કરી શક્યા. 

2/7

કપિલ દેવ (1983 અને 1987)

કપિલ દેવ (1983 અને 1987)

ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં કપિલ દેવે પોતાની ખાસ ઓળખ બનાવી છે. તેમને ભારતના મહાન ઓલરાઉન્ડર ક્રિકેટર માનવામાં આવે છે. જ્યારે-જ્યારે કપિલ દેવની ખ્યાતીની વાત થાય છે તો 1983ના વિશ્વકપની વાત સૌથી મહત્વની છે. ભારતીય ટીમ તે વિશ્વકપની દાવેદાર નહતી અને લીગ સ્ટેજમાં ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે સામે ખખડી ગઈ હતી. પરંતુ અહીંથી કપિલ દેવે અણનમ 175ની ઈનિંગ રમીને ટીમને ન માત્ર જીત અપાવી પરંતુ ટીમમાં જીતનો નવો વિશ્વાસ પણ જગાવ્યો હતો. 

ત્યારબાદ કપિલ દેવના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા ફાઇનલ રમી અને જ્યાં કપિલ દેવે સર વિવિયન રિચર્ડસનો શાનદાર કેચ ઝડપીને ટીમ ઈન્ડિયાને પ્રથમ વિશ્વકપ અપાવ્યો. ભારતનો આ પ્રથમ વિશ્વકપ વિજય તેમના સૂવર્ણ ઈતિહાસમાં નોંધાયેલો છે. ત્યારબાદ કપિલ દેવે 1987 વિશ્વકપમાં પણ ટીમની કમાન સંભાળી પરંતુ આ વખતે ટીમ 1983ની સફળતાનું પુનરાવર્તન ન કરી શકી. 

3/7

મોહમ્મદ અઝહરુદ્દીન (1992, 1996 અને 1999)

મોહમ્મદ અઝહરુદ્દીન (1992, 1996 અને 1999)

વિશ્વકપમાં સૌથી વધુ વખત ભારતીય ટીમની આગેવાની કરવાનો શ્રેય મોહમ્મદ અઝહરુદ્દીનના નામે છે. તેણે સતત ત્રણ (1992, 1996 અને 1999) વિશ્વકપમાં ભારતીય ટીમની કમાન સંભાળી હતી. 1992માં અઝહરની આગેવાનીમાં રમેલી ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ખાસ ન રહ્યું. અહીં આઠ મેચ રમીને ટીમ ઈન્ડિયાએ માત્ર બે જીત મેળવી હતી. પરંતુ ચાર વર્ષ બાદ સચિન તેંડુલકરની મદદથી ટીમ ઈન્ડિયા વિશ્વકપના સેમીફાઇનલમાં પહોંચી હતી. આ ટૂર્નામેન્ટમાં સચિને ઘણીવાર માત્ર પોતાની દમદાર રમતથી ટીમને જીત અપાવી હતી. ત્યારબાદ 1999માં ટીમ ઈન્ડિયાએ ફરી એકવાર નિરાશ કર્યાં અને આ વખતે ટીમ સુપર સિક્સ રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી. ટીમનું પ્રદર્શન ચઢાવ-ઉતાર ભર્યો રહ્યો અને આ વિશ્વકપ બાદ અઝહરને સુકાની પદેથી હટાવી દેવામાં આવ્યો હતો. 

4/7

સૌરવ ગાંગુલી (2003)

સૌરવ ગાંગુલી (2003)

સાઉથ આફ્રિકામાં રમાયેલા 2003ના વિશ્વકપમાં ભારતીય ટીમની કમાન સૌરવ ગાંગુલીના હાથમાં હતી. આ વિશ્વકપમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ગાંગુલીએ વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ટૂર્નામેન્ટમાં 3 સદી ફટકારી હતી. ભારતીય ટીમે વિશ્વકપમાં 11માંથી માત્ર બે મેચ ગુમાવી હતી. આ બંન્ને મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો પરાજય થયો હતો. ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા બે વિકેટે 359 રન ફટકારી દીધા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ માત્ર 234 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

5/7

રાહુલ દ્રવિડ (2007)

રાહુલ દ્રવિડ (2007)

વેસ્ટઈન્ડિઝમાં રમાયેલા આ વિશ્વકપમાં ભારતની કમાન અનુભવી બેટ્સમેન રાહુલ દ્રવિડના હાથમાં હતી. આ વિશ્વકપ ભારત માટે નિરાશાજનક રહ્યો હતો. ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ જેવી ટીમ સામે હારીને પ્રથમ રાઉન્ડમાં બહાર નિકળી ગઈ હતી. ટીમે આ વિશ્વકપમાં કુલ 3 મેચ રમી જેમાં માત્ર એક મેચમાં બરમુડા સામે વિજય મેળવી શકી હતી. ત્યારબાદ દ્રવિડ પાસેથી સુકાની પદ લઈ લેવામાં આવ્યું હતું. 

6/7

એમએસ ધોની (2011, 2015)- પાર્ટ- 1

એમએસ ધોની (2011, 2015)- પાર્ટ- 1

2007ના વિશ્વકપમાં ભારતીય ટીમ પ્રથમ રાઉન્ડમાં બહાર નિકળી ગયા બાદ ભારતે 2007માં રમાયેલો પ્રથમ ટી20 વિશ્વકપ યુવા વિકેટકીપર-બેટ્સમેન ધોનીના હાથે જીત્યા બાદ ધોનીને તમામ ફોર્મેટમાં ટીમની કમાન સોંપી દેવામાં આવી હતી. 2011નો વિશ્વકપ ભારતીય ઉપ-મહાદ્વિપમાં રમાયો હતો. જેમાં ધોનીની આગેવાનીમાં ભારતે 28 વર્ષ પછી બીજી વખત વિશ્વકપ જીતીને સચિન તેંડુલકરનું સપનું પૂરુ કર્યું હતું. ભારતે આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરતા ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને સેમીફાઇનલમાં પાકિસ્તાન અને ફાઇનલમાં શ્રીલંકાને પરાજય આપીને ટ્રોફી પોતાના નામે કરી હતી. શ્રીલંકાએ ભારતને જીતવા માટે 276 રનનો લક્ષ્ય આપ્યો હતો. આ મેચમાં ધોની અને ગંભીરે શાનદાર પ્રદર્શન કરીને ટીમને જીત અપાવી હતી. 

7/7

એમએસ ધોની (2011, 2015)- પાર્ટ- 2

એમએસ ધોની (2011, 2015)- પાર્ટ- 2

2015નો વિશ્વકપ ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડમાં રમાયો હતો. આ વિશ્વકપમાં ટીમ ઈન્ડિયા ફરી ધોનીની આગેવાનીમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઉતરી હતી. ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરતા સેમીફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ટીમે સેમીફાઇનલ સુધી તમામ મેચ પોતાના નામે કરી હતી. આ વિશ્વકપમાં ભારતે કુલ સાત મેચ જીતી હતી. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી સેમીફાઇનલમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ ભારતને 95 રનથી પરાજય આપીને ધોનીનું સતત બીજી વખત ટાઇટલ જીતવાનું સપનું તોડી દીધું હતું.