સોજિત્રાના પરિવારનો માળો વિખેરાયો, એકસાથે ત્રણ અર્થી નીકળી, સ્વજનોના આક્રંદથી હાજર બધા રડી પડ્યા
બુરહાન પઠાણ/આણંદ :આણંદના સોજિત્રા પાસે ત્રિપલ અકસ્માતમાં 6 લોકોના મોતથી ચકચારી મચી ગઈ છે. કાર, બાઈક અને રિક્ષા વચ્ચેના અકસ્માતમાં 6 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય પૂનમ પરમારના જમાઈએ કેતન પઢિયારે અકસ્માત સર્જીને સોજિત્રાના પરિવારનો માળો વિખેરી નાંખ્યો હતો. આજે સોજીત્રામાં ભારે હૈયે મૃતકોની અંતિમક્રિયા કરાઈ હતી. મોટી સંખ્યામાં સગાવ્હાલા ઉમટી પડ્યા હતા. તો પરિવારજનોએ ભારે કલ્પાંત કરતા વાતાવરણ ગમગીન બન્યુ હતું.
સોજીત્રા પાસે ગોઝારા અકસ્માતમાં 6 નાં મોત થયા છે. એક જ પરિવારના માતા અને બે પુત્રી સહિત ત્રણનાં મોત થયા છે. જેથી સોજીત્રાનો મિસ્ત્રી પરિવારનો માળો વિખેરાઈ ગયો. પરિવારમાં હવે માત્ર પિતા જીવિત બચ્યા છે. ચોર લોકોના પરિવારમાંથી ત્રણનાં મોત થતા આજે અંતિમ વિધિમાં ભારે આક્રંદ જોવા મળ્યુ હતું. મૃતકના ઘરે સગા સબંધીઓ ઉમટી પડ્યા હતા. એકસાથે ત્રણ અર્થીઓ ઉઠી હતી. જેથી સગા વ્હાલાઓએ ભારે હૈયે પરિવારને વિદાય આપી હતી.
ગોઝારો અકસ્માત સર્જનારી કારનો ચાલક ધારાસભ્યનો જમાઈ નીકળ્યો છે. કૉંગ્રેસના ધારાસભ્ય પૂનમ પરમારના જમાઈ કેતન પઢીયારે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત કરેલી કાર પર MLA નું બોર્ડ લાગેલું હતું. સાથે જ કાર ચાલક નશાની હાલતમાં હોવાના પણ આરોપ ઉઠ્યો છે. પરિવાર રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી પરત આવી રહ્યા હતા ત્યારે સોજિત્રા પાસે ડાલી ચોકડી પર રિક્ષા અને બાઈકને પુરપાટ આવી રહેલી કારે ટક્કર મારી હતી. અકસ્માત બાદ પૂનમ પરમારના જમાઈ કેતન પઢિયારની અટકાયત કરાઈ હતી. તે નશામાં છે કે નહીં તે માટે મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે અકસ્માત સર્જ્યો ત્યારે કેતન પઢિયાર નશાની હાલતમાં હતો કે નહીં. રિપોર્ટ આવ્યા બાદ જ ધરપકડની કાર્યવાહી થઈ શકશે.
અકસ્માત સર્જનાર સોજીત્રાના ધારાસભ્ય પુનમ પરમારના જમાઈ કેતન પઢીયાર નીકળ્યા છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યએ અકસ્માત અંગે નિવેદન આપ્યુ કે, ગુનેગાર હોય તો સજા મળવી જોઈએ. મારી ધારાસભ્ય તરીકેની પ્લેટ તેમની કારમાં કેવી રીતે આવી તે મને ખબર નથી. પરંતું મારા જમાઈ દારુ પીતા જ નથી તે વાત ઉપજાવી કાઢવામા આવી છે. આજે હુ અંબાજીમાં માતાજીને મૃતકોના પરિવારને સાંત્વાના આપવા પ્રાર્થના કરવા આવ્યો છું. આ અકસ્માતને રાજકીય રંગ અપાઈ રહ્યો છે. કાયદો કાયદાનુ કામ કરશે, હુ તેમા દખલ નહિ કરું. હું કાયદાનું માન રાખુ છું. ગુનેગારને કડકમાં કડક સજા થવી જોઈએ.
તેમજ તેમણે કહ્યુ હતું કે, શ્રાવણ મહિનાના લીધે જમાઈ દારૂ નથી પીતા. મારા નામનો જમાઈ ઉપયોગ નથી કરતો. પરંતુ ગાડીમાં MLA નું બોર્ડ લાગેલું છે તે હકીકત છે. તેઓએ જાણી જોઈને અકસ્માત નથી કર્યો. દારૂ પીવાની વાત રાજકીય ષડયંત્ર છે. ધારાસભ્ય તરીકે મૃતકોના પરિવારની મદદ કરીશ. મૃતકના પરિવારને જે જરૂર પડશે તે તમામ મદદ કરીશ. પોલીસ તપાસમાં જ્યાં જરૂર પડશે ત્યાં સહયોગ આપીશ. જવાબદાર સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
Trending Photos