ભૂતાનના રાજા બન્યા ગુજરાતના મહેમાન! થાળીમાં પીરસાઈ ગુજરાતી વાનગી
Butan King In Gujarat : ભૂતાનના રાજા જીગ્મે ખેસર અને પ્રધાનમંત્રી શેરિંગ તોગબેએ લીધી સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત,,, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ એરપોર્ટ પર કર્યું શાનદાર સ્વાગત,,, સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના નિર્માણની ગાથા સાંભળીને ભૂતાનનું પ્રતિનિધિ મંડળ થયું અચંબિત,,,
ભૂતાનના મહેમાનોએ ગુજરાતી વાનગીઓની લિજ્જત માણી
ભારતના પડોશી દેશ ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને વડાપ્રધાન શેરિંગ તોબગે હાલ ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે છે. ગુજરાતમાં એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધા બાદ તેઓ અમદાવાદ પધાર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભૂતાન નરેશ અને વડાપ્રધાનનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. ગરબા અને ઢોલના તાલે મહેમાનોના સ્વાગત બાદ મુખ્યમંત્રીએ તેમના સમ્માનમાં ગાંધીનગરની ધ લીલા હોટેલ ખાતે સ્નેહ ભોજનનું આયોજન કર્યું હતું. ભૂતાનના મહેમાનોએ ગુજરાતની ભૂમિ પર સ્વાદિષ્ટ ગુજરાતી વાનગીઓની લિજ્જત માણી હતી.
ખાસ સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરવામાં આવી
અહીં પ્રતિનિધિમંડળ માટે ખાસ સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. મહેમાનોએ કૉન્ટિનેન્ટલ વાનગીઓ સાથે ખમણ ઢોકળા, સુરતી ઊંધિયું, થેપલા જેવી ગુજરાતી વાનગીઓનો સ્વાદ માણ્યો હતો. મહેમાનોને વેલકમ ડ્રિંક તરીકે વૉટરમેલન અને ઓરેન્જ જ્યુસ, સૂપ વગેરે તેમજ એપેટાઇઝરમાં તંદૂરી રૂમાની પનીર, સબ્ઝ ઔર માવા કી ગલોટી, મૅક્સિકન ઍલેપિનો ઍન્ડ પેપર રૂલાડે પીરસવામાં આવ્યા હતા.
શું શું પીરસાયું
દહીં ભલ્લા, ખમણ ઢોકળા, પર્લ મિલેટ (બાજરી) ઍન્ડ એસ્પેરાગસ સૅલડ, મિડલ ઈસ્ટર્ન ફેટૂશ જેવા સ્ટાર્ટર બાદ મહેમાનોએ પનીર ટમાટર કા કૂટ, સુરતી ઊંધિયું, વેજિટેબલ લઝાનિયા, ડ્રાય નટ્સ અને મસાલાથી ભરપૂર રેડ રાઇસ પિલાફ, સ્ટીમ જીરા રાઇસ, દાલ મખની, નાન, થેપલા, પરાઠાની લિજ્જત માણી હતી. ત્યારબાદ તેમણે ગુજરાતીઓના પ્રિય એવા મોહનથાળ તેમજ અંગૂર બાસુંદી, કેરેમલ ચૉકલેટ કેક સહિતની મીઠાઈઓનો સ્વાદ પણ માણ્યો હતો.
બંને દેશના મહાનુભાવો વચ્ચે ચર્ચા
મુખ્યમંત્રી અને ભૂતાનના રાજવીએ આ ભોજન બેઠક દરમ્યાનની વાતચીતમાં ગુજરાત ભૂતાન વચ્ચે પરસ્પર વ્યાપારિક અને સાંસ્કૃતિક સંબંધો વધુ ગાઢ બનાવવા અંગે વિચાર વિમર્શ કર્યો હતો. પ્રોટોકોલ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્યસચિવ રાજકુમાર તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
Trending Photos