Coronavirus: કોરોના સામે ઝઝૂમી રહ્યું છે ભારત, US ના દિગ્ગજ ડોક્ટરે આપી લોકડાઉનની સલાહ, આપ્યો 3 સ્ટેપ ફોર્મ્યુલા
થોડા અઠવાડિયાનું લોકડાઉન લગાવો
વોશિંગ્ટન: કોરોના વાયરસના સતત વધતા કેસથી ભારતમાં સ્થિતિ બગડી રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી દરરોજ 3 લાખથી વધુ દૈનિક કેસ નોંધાઈ રહ્યા છે અને આજે તો કેસનો આંકડો 4 લાખને પાર કરી ગયો. આવામાં કોરોના પર રિસર્ચ કરી રહેલા ડોક્ટર એન્થની ફાઉચીએ ભારતને કોરોના વાયરસને પહોંચી વળવા માટે સૂચનો આપ્યા છે. ડોક્ટર એન્થની ફાઉચીએ ભારતમાં થોડાક અઠવાડિયાનું લોકડાઉન લગાવવાની સલાહ આપી છે. આ ઉપરાંત તેમણે દેશમાં રસીકરણની સ્થિતિ ઉપર પણ વાત કરી. અત્રે જણાવવાનું કે ડોક્ટર ફાઉચી અમેરિકામાં રાષ્ટ્રપતિ જો બાઈડેન પ્રશાસનના ચીફ મેડિકલ એડવાઈઝર છે.
ડોક્ટર ફાઉચીનો 3 સ્ટેપ ફોર્મ્યુલા
ધ ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા રિપોર્ટ મુજબ ડોક્ટર એન્થની ફાઉચીએ ભારતમાં કોરોનાને કંટ્રોલ કરવા માટે ત્રણ તબક્કાના ઉપાય ગણાવ્યા છે. જેમાં તત્કાળ, મધ્યમ અને લાંબા સમયના ઉપાયો વિશે કહેવાયું છે.
પહેલો ઉપાય
ડોક્ટર ફાઉચીએ કહ્યું કે હાલ લોકોને રસી આપવી ખુબ જરૂરી છે. આ ઉપરાંત ઓક્સીજન અને બીજી મેડિકલ સુવિધાઓની કમીને પણ તત્કાળ દૂર કરવી જોઈએ. આ માટે એક આયોગ કે ઈમરજન્સી ગ્રુપ તૈયાર કરવાની જરૂર છે. તેમણે વધુમાં કહ્યું કે ઓક્સીજન કેવી રીતે મળશે, સપ્લાય કેવી રીતે થશે અને દવાઓ કેવી રીતે મળશે? તે માટે પ્લાન બનાવવો જોઈએ. ડોક્ટર એન્થની ફાઉચીએ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અને અન્ય દેશો સાથે પણ વાતચીત કરવાનું સૂચવ્યું.
બીજો ઉપાય
મધ્યમ ઉપાય તરીકે ડોક્ટર ફાઉચીએ કહ્યું કે યુદ્ધ સ્તરે હોસ્પિટલ બનાવવી જોઈએ. તેમણે આ માટે ચીનનું ઉદાહરણ આપ્યું. ડોક્ટર ફાઉચીએ ફિલ્ડ હોસ્પિટલના મોડલની વાત કરી. અમેરિકાના અનુભવ શેર કરતા તેમણે ભારતીય આર્મીની મદદ લેવાનું પણ સૂચન કર્યું.
ત્રીજો ઉપાય
લાંબા ગાળાના ઉપાય તરીકે ડોક્ટર એન્થની ફાઉચીએ જણાવ્યું કે વધુમાં વધુ લોકોને રસી આપવી જોઈએ. ડોક્ટર ફાઉચીએ કહ્યું કે તત્કાળ, મધ્યમ અને લાંબા ગાળાના ઉપાયોને અપનાવવાની જરૂર છે. પહેલા તત્કાળ ઉપાયો અજમાવો. ત્યારબાદ મધ્યમ સ્તરના ઉપાયો લાગૂ કરો. અને ત્યારબાદ લાંબા ગાળાના ઉપાયો પર વિચાર કરો.
લોકડાઉન જરૂરી
ડોક્ટર એન્થનીએ દેશમાં કોરોનાની રોકથામ માટે લોકડાઉન જરૂરી ગણાવ્યું. તેમણે કહ્યું કે ભારતમાં લાંબા લોકડાઉનની જરૂર નથી જો કે તમે વાયરસના ટ્રાન્સમિશનને રોકવા માટે અસ્થાયી રીતે લોકડાઉન લગાવી શકો છો.
Trending Photos