પુત્રીના જન્મ પર દુબઇમાં રહેતા ગુજ્જુ પિતાની અનોખી ભેટ, દીકરી માટે ચંદ્ર પર ખરીદી જમીન

નવાઇની વાત એ છે કે આ રાજગોર પરિવારમાં પુત્રીના જન્મ બાદ જમીન ખરીદવાની પરંપરા છે. બિદડા રહેતા ખુશાલભાઇના ઘરે આજથી 30 વર્ષ પહેલા જ્યારે પુત્રીનો જન્મ થયો હતો

રાજેન્દ્ર ઠકકર/ કચ્છ: દીકરી વ્હાલનો દરિયો કહેવાય છે. ખાસ કરીને પિતા માટે પુત્રી વિશેષ લાડલી હોય છે. આ લાડમાં જ મૂળ બિદડા કચ્છના (હાલ દુબઈમાં) રહેવાસી રિનિત ખુશાલભાઈ રાજગોર જેઓના ઘરે પુત્રી રત્નનું અવતરણ થયા બાદ માત્ર 22 દિવસની દીકરી 'જોવી'ને પિતા દ્વારા ચંદ્ર પર એક એકર જમીન ભેટ આપી હતી! અમેરિકન વેબસાઇટ દ્વારા માત્ર કાગળ પૂરતી વેચાતી જમીન આમ તો દુનિયાભરના લોકો પોતાનો શોખ પૂર્ણ કરવા ખરીદે છે. પરંતુ માત્ર એક મહિનાની પુત્રીના નામે ચંદ્ર પર જમીન ખરીદવાનો આ સંભવત: પ્રથમ કિસ્સો હશે.

1/3
image

બીદડાના ખુશાલ નાનજી રાજગોરના પુત્ર રિનિત રાજગોર છેલ્લા 11 વર્ષથી દુબઇમાં સ્થાયી છે. જ્યાં તેઓ એક જાણીતા જ્વેલર્સના શોરૂમમાં હેડ સેલ્સમેનની જવાબદારી સંભાળે છે. તેમના લગ્ન પાંચ વર્ષ પહેલા જીગીશાબેન સાથે થયા હતા. તેમના પારણે પાંચ વર્ષ બાદ આજથી 22 દિવસ પહેલા એક પુત્રી રત્નનો જન્મ થયો હતો. જેનું નામ તેઓએ 'જોવી' રાખ્યું છે. પુત્રીની ખુશીમાં પિતાએ ચંદ્ર પર એક એકર જમીન બુક કરાવી છે. એક અમેરિકન કંપની ચંદ્ર પર જ આવી રીતે જમીન વેચે છે. જોકે આ એક માત્ર શોખ છે. ખરેખર કોઇ ચંદ્ર પર જમીન મેળવી કે ખરીદી કે વેચી શકતું નથી.

2/3
image

નવાઇની વાત એ છે કે આ રાજગોર પરિવારમાં પુત્રીના જન્મ બાદ જમીન ખરીદવાની પરંપરા છે. બિદડા રહેતા ખુશાલભાઇના ઘરે આજથી 30 વર્ષ પહેલા જ્યારે પુત્રીનો જન્મ થયો હતો. ત્યારે પુત્રી 17 દિવસની હતી તે વખતે તેઓએ બિદડામાં પ્લોટ ખરીદ્યો હતો. હવે ખુશાલભાઇના પુત્રએ પોતાની પુત્રીના જન્મની ખુશીમાં ચાંદ પર જમીન ખરીદી છે!

3/3
image

દુબઇ સ્થિત રિનિતભાઇએ જણાવ્યું હતું કે, પોતાને કામકાજ અર્થે લંડન, અમેરિકા અને જાપાનમાં જવુ પડે છે. ત્યાંના મિત્રો દ્વારા આવી રીતે ચંદ્ર પર જમીન ખરીદી શકાય છે તે જાણવા મળ્યુ હતું. પુત્રીનો જન્મ થતા તેના નામે જમીન ખરીદી છે. આમ દીકરી વ્હાલનો દરિયોએ ઉક્તિને પરંપરાગત વધાવીને આ રાજગોર પરિવારે સમાજને એક રાહ ચીંધ્યો છે.