Happy BirthDay Ahmedabad: કેવી રહી શહેરની 6 સદીની સફર...અમદાવાદ કલ, આજ ઔર કલ...

"જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહર બસાયા" દોડતું ભાગતું શહેર એટલે અમદાવાદ...

Feb 26, 2021, 01:36 PM IST

ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદઃ દોડતું ભાગતું શહેર એટલે અમદાવાદ...પ્રત્યેક શહેરને પોતાની એક સિકલ અને મિજાઝ હોય છે. એને એનો ચહેરો એના અતીતમાંથી મળે છે. એનો મિજાજ એના પ્રજાજીવન માંથી પ્રગટે છે. તેના વિશે જાણવા માટે તમારે તેના અતીતમાં ડોકિયું કરવું પડશે. આ શહેર તેના સ્થાપનાકાળથી અત્યાર સુધીમાં 600 વર્ષ કરતા લાંબી મજલ કાપી ચૂક્યું છે. સાબરમતી નદીના કિનારે વસેલા આ શહેરે આટલાં વર્ષોમાં અનેક તડકી-છાયડી જોઈ છે. અમદાવાદ તેના અતીતની કોખમાં તેમજ વર્તમાનમાં કંઈ કેટલીય વિશિષ્ટતાઓ અને ખાસિયતો લઈને બેઠું છે. અને હાલ આ શહેર દુનિયા ના ખુબજ ઝડપથી વિકસતા શહેરોની યાદીમાં અગ્રેસર છે. બદલાતા સમયની સાથે શહેરનો મિજાજ પણ બદલાયો છે, એક સમયે ઐતિહાસિક શહેર તરીકે ઓળખાતું અમદાવાદ શહેર હાલ તેના વિકાસ અને બદલાયેલા મિજાજ ને કારણે દોડતા ભાગતા શહેર તરીકે ઓળખાય છે. તો ચાલો ઐતિહાસિક વરસો ધરાવતા અને રોકેટ ગતિએ વિકસતા અમદાવાદ શહેરની કલ આજ ઔર કલ પર કરીએ એક નજર..

આ શહેરનો ક્રાંતિકારી મિજાઝ
નવનિર્માણ જેવાં આંદોલનો એ આ શહેરનો ક્રાંતિકારી મિજાઝ બતાવ્યો, તો વળી કોમી રમખાણોએ તેની પ્રતિષ્ઠાને કાળો દાગ પણ લગાવ્યો. કોમી-રમખાણો બાદ પણ આ શહેર બેઠું થયું અને આજે પણ હિંદુ અને મુસ્લિમ બિરાદરો ભાઈચારાથી હળી મળીને રહે છે. વર્ષ 2008માં આતંકીઓએ અમદાવાદ પર નજર બગાડી અને આ શહેરને રક્તરંજીત કરવાનો પ્રયાસ કર્યો.

 

1/10

"જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહર બસાયા"

અમદાવાદ શહેર... અને આ શહેરની સાથો-સાથ તેનો ઈતિહાસ પણ નિરાળો છે. તેના નામ સાથે જુદી-જુદી દંતકથાઓ જોડાયેલી છે. આશરે સન્ 1000-1100 દરમિયાન સિદ્ધરાજ જયસિંહના પિતા અને ભીમદેવ સોલંકી ના પુત્ર કર્ણદેવે સાબરમતીના તીરે 'આશાવલ ' શહેર વસાવ્યું હતું. સન 1030ની અલ્બેરુની કિતાબ ઉલ-હિન્દમાં આશાવલ્લી શહેરનો ઉલ્લેખ છે. સન 1074 માં કર્ણદેવે આશાવલ્લી કે આશાવલ જીતી પોતાના નામ પરથી કર્ણાવતી નગરી વસાવી. સન્ 1411 માં મુસલમાનોના ભારત પરના આક્રમણ દરમિયાન ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદશાહે તેના પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગા પસંદ કરી.  અમદાવાદની સ્થાપના વિશે એક દંતકથા એમ પણ છે કે જ્યારે સુલતાન અહમદશાહ આ વિસ્તારની લટાર મારવા નીકળ્યા ત્યારે આ વિસ્તારમાં ફરતા સસલાએ સુલતાનના શિકારી કુતરાથી ડરવાને બદલે તેનો સામનો કર્યો. સસલાની આ બહાદુરી જોઈને સુલતાને વિચાર કર્યો કે જે વિસ્તારના સસલા આટલા બહાદુર છે ત્યાંના માણસો કેવા હશે અને સુલતાને અહીં પોતાનું પાટનગર સ્થાપ્યુ. અને એટલે જ આ પંક્તિનો ઉદ્વભવ થયો કે "જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહર બસાયા". તેથી પછી આ શહેરનું નામ 'અહમદાબાદ' તરીકે જાણીતું થયું. સમય જતાં તે અપભ્રંશ થઇને 'અમદાવાદ' તરીકે ઓળખાવા લાગ્યું. સન 1411ની 26મી ફેબ્રુઆરીએ અહમદશાહ બાદશાહે હાલના એલીસબ્રીજ પાસે માણેક બુરાજની ખાંભી લગાવીને સાબરમતીના તટે અમદાવાદ શહેરનો પાયો નાંખ્યીઓ અને નગર વસાવ્યું.

2/10

અમદાવાદના વૈભવ અને વારસાનું રહસ્ય

અમદાવાદના વૈભવ અને વારસાનું રહસ્ય

હંમેશા વેપાર, ધંધા અને વૈભવથી ધમધમતાં આ શહેરમાં આટલો વૈભવ ક્યાંથી આવે છે એની પણ એક રસપ્રદ કહાણી છે. જે તેના ઇતિહાસ સાથે જોડાયેલી છે. જેમાં એવી લોકવાયકા છેકે, લક્ષ્મીજી અહીંથી પસાર થતાં હતાં અને બાદશાહ અહેમદશાહને મળવા માટે  શહેરના ભદ્રના કિલ્લા પાસે રોકાઈ ગયાં. બસ ત્યારથી લક્ષ્મીજી આ શહેરમાં જ ભદ્રના કિલ્લા પાસે રોકાયેલા છે. જેને કારણે કુદરતનો કહેર કે માનસર્જિત આફતો વખતે પણ આ શહેરમાં હંમેશા તેનો વૈભવ જળવાઈ રહે છે. બાર દરવાજાઓ વાળા આ શહેરમાં ભદ્રનો કિલ્લો, સીદી સૈયદની જાળી, જુલતા-મિનારા, સરખેજના રોઝા, હઠીસિંગના ડેરા અને જામા-મસ્જિદ સહિતના અનેક ઐતિહાસિક સ્થાપત્યો વારસા સ્વરૂપે આ શહેરે વર્ષોથી પોતાના ખોળામાં સાચવીને રાખ્યાં છે. સાથે જ અહીંનું પોળ કલ્ચર અને અહીંની ખાણી-પીણી, અહીંના બજારો અને અમદાવાદીઓનો મિઝાજ પણ દુનિયાભરમાં જાણીતો છે.  

3/10

મિલોના માન્ચેસ્ટરથી મેગાસીટીની સફર

મિલોના માન્ચેસ્ટરથી મેગાસીટીની સફર

અંગ્રેજી શાસન દરમ્યાન અમદાવાદ એક આધુનિક અને મોટુ શહેર બની ગયું. અમદાવાદ એક મુખ્ય નગર બની ગયું. અહીં તેમણે કોર્ટ, નગરપાલિકા વગેરે સ્થાપ્યાં. એ સમયે ઈ.સ. 1859માં રણછોડલાલ છોટાલાલે કાપડ વણવાની પહેલી મિલ શરૂ કરી. ત્યાર બાદ અમદાવાદ ત્રણ તારના સૂતર કે રેશમ માટે જાણીતું બન્યું. તે સમયે અહીંના કાપડ ઉદ્યોગની બોલબાલા અને શહેરમાં મોટી સંખ્યામાં ધમધમતી ટેક્સસ્ટાઈલ મિલોને લીધે અમદાવાદ મિલોના માન્ચેસ્ટર તરીકે ઓળખાયું. 

4/10

મહાત્મા ગાંધીની કર્મભૂમિ- આજ શહેરમાં નંખાયો દેશની આઝાદીનો પાયો

મહાત્મા ગાંધીની કર્મભૂમિ- આજ શહેરમાં નંખાયો દેશની આઝાદીનો પાયો

દેશની આઝાદીની લડતનો પાયો મહાત્મા ગાંધીએ આજ શહેરમાંથી નાંખ્યો હતો. તેથી અમદાવાદ મહાત્મા ગાંધીની કર્મભૂમી તરીકે પણ ઓળખાય છે. અહીંની સાબરમતી નદીના કાંઠે આવેલો ગાંધી આશ્રમ એ સમયની યાદોંના સંભારણા સાચવવાનું કામ કરે છે. જોકે, આજે આ ઐતિહાસિક શહેરની સ્થાપનાને આજે 610 વર્ષ થઈ ચૂક્યાં છે. 6 સૈકાનાની જયેષ્ઠ વયમાં આ શહેરે અનેક તડકી છાયડીઓ જોઈ છે. હાલ આ શહેર વિકાસના અનેક આયામો સર કરી ચૂક્યું છે અને વિકાસના પથ પર રોકેટગતિએ આગળ વધી રહ્યું છે. 

5/10

1960 થી અમદાવાદ નવા બનેલા ગુજરાત રાજ્યનું પાટનગર બન્યુ

1960 થી અમદાવાદ નવા બનેલા ગુજરાત રાજ્યનું પાટનગર બન્યુ

અમદાવાદ મે 1960 થી અમદાવાદ નવા બનેલા ગુજરાત રાજ્યનું પાટનગર બન્યુ. સાબરમતી નદીનાં કિનારે વસેલું આ શહેર 1960થી 1970 સુધી ગુજરાતનાં પાટનગર તરીકે જગમજતું રહ્યું. હાલ ગાંધીનગર ગુજરાતનું નવું પાટનગર બનવા છતાં અમદાવાદની મહત્તા એવી જ છે, સામાન્ય રીતે આજકાલ ગાંધીનગરને ગુજરાતનું રાજકીય પાટનગર (political capital) અને અમદાવાદને વાણિજ્યિક પાટનગર (economical capital) કહેવામા આવે છે. 

 

6/10

દુનિયાભરમાં ઝડપથી વિકસતું શહેર

દુનિયાભરમાં ઝડપથી વિકસતું શહેર

ગુજરાતના સૌથી મોટા અને દેશના સાતમાં ક્રમના મેગાસીટી તરીકે ઉભરી આવ્યું છે. જેને આંતરરાષ્ટ્રીય કક્ષાના સુપ્રસિદ્ધ ફોબર્સ મેગેજીને દુનિયાના સૌથી ઝડપથી વિકસતા શહેરોની યાદીમાં ત્રીજા ક્રમના ઝડપથી વિકસતા શહેર તરીકે ઓળખાવ્યું છે. એક સમયે મિલોનું માન્ચેસ્ટર ગણાતું આ શહેર હાલ બદલાયેલા સમયની સાથે મોલ અને મલ્ટીપલેક્સના કલ્ચરથી રંગાયેલું જોવા મળે છે. હાલ 60 લાખથી વધારે વસ્તી ધરાવતું આ શહેર મેગાસીટી અમદાવાદના નામે ઓળખાય છે.

7/10

અનેક નવા આયામોથી ભરેલું અદભુત શહેર એટલે અમદાવાદ

અનેક નવા આયામોથી ભરેલું અદભુત શહેર એટલે અમદાવાદ

મેગાસીટી નામનો રૂપેરી ઓવરકોટ પહેરીને ફરતાં આ શહેરનો મિઝાઝ પણ બદલાતાં સમયની સાથે ઘણો બદલાયો છે. ઐતિહાસિક અહમદાબાદ આજે મેગાસીટી અમદાવાદ બની ગયું છે. સિક્કાના બે પાસાંની જેમ આ શહેરના પણ મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું છે. જૂનું શહેર જે સાબરમતી નદીની પૂર્વ દિશામાં વસેલ છે અને નવું શહેર જે પશ્ચિમ દિશામાં વિકસેલ છે. જુનું શહેર ગીચ છે જ્યારે નવું શહેર ઘણું વ્યવસ્થિત અને પહોળા રસ્તા વાળુ છે. આગામી વર્ષૉમાં સાબરમતી નદીના પટમાં રીવર ફ્રન્ટ યૉજનાથી શહેરની રૉનક બદલાશે તથા આ જિલામાં હાલમા બી.આર.ટી.એસ. સુવિધા શરૂ થઇ ગયેલ છે. જેને લીધે શહેરમા રોનક આવી ગઇ છે. કાંકરિયા લેક ડેવલોપમેન્ટ થકી કાંકરિયાની કાયાપલટ, સાબરમતી નદીના પટમાં રિવરફ્રન્ટના નામે આકાર પામેલો સિંગાપોરનો નજરો, સી-પ્લેન, દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, મેટ્રો રેલનું અમદાવાદમાં આગમન, સુરક્ષાની દ્રષ્ટ્રીએ તમામ ચાર રસ્તાંઓ પર સીસીટીવી કેમેરાની બાજનજરનો પ્રોજેક્ટ અને સીટી ઓફ ફલાય ઓવર જેવા કેટલાંય નીત-નવા આયામો પોતાના ખોળામાં લઈને બેઠેલું આ શહેર પોતાની વૈવિધ્યતા અને વિકાસથી હાલ દેશ અને દુનિયાને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે. 

8/10

ઉદ્યૌગિક વિકાસનો પર્યાય એટલે અમદાવાદ

ઉદ્યૌગિક વિકાસનો પર્યાય એટલે અમદાવાદ

અત્યાર સુધી આ શહેર નિરમા, રિલાયન્સ, ઝાયડસ કેડિલા, હેવમોર આઈસક્રીમ, વાડીલાલ આઈસક્રીમ, વાઘ-બકરી ચા, રામદેવ મસાલા, ગાય છાપ બેસન, ટોરેન્ટ ગ્રૂપ અને અદાણી ગ્રૂપ સહિતના હજારો કરોડના ઉદ્યોગોને જન્મ આપીને ઉછેરી ચૂક્યું છે. સાથે જ રિલાયન્સ ગ્રૂપના ધીરૂભાઈ અંબાણી, નિરમા ગ્રૂપના કરસનભાઈ પટેલ અને અદાણી ગ્રૂપના ગૌતમ અદાણી સહિતના અનેક મોટા ઉદ્યોગપતિઓએ પણ અમદાવાદનું પાણી પી ને જ દેશ અને દુનિયાભરમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. નેતા હોય કે અભિનેતા સૌ કોઈને ઝડપથી વિકસતા મેગાસીટી અમદાવાદે ઘેલું લગાડ્યું છે. ગ્લોબલ સમિટ જેવા બિઝનેસ મેળા થકી છેક, સાતસમુંદર પારથી આવતાં વિદેશીઓ પણ અમદાવાદથી આકર્ષાઈ રહ્યાં છે. અલબેલી ઔદ્યોગિક નગરી અમદાવાદ આજે અનેક નવા સાજ-શણગાર સજી રહી છે. અનેક ગરિમાઓને પોતાના ખોળામાં સમાવીને વિકાસકૂચ કરી રહેલા અમદાવાદ શહેરની વાત જ નિરાળી છે.

9/10

અમદાવાદના અપ-કમિંગ પ્રોજેક્ટસઃ

અમદાવાદના અપ-કમિંગ પ્રોજેક્ટસઃ

1) અમદાવાદથી ગાંધીનગરને જોડતો મેટ્રો રેલ પ્રોજેક્ટ 2) દિલ્હી-મુંબઈ કોરીડોર (DMRC) નો પ્રોજેક્ટ 3) રીવરફ્રન્ટમાં વોટર ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ 4) વેસ્ટ વોટર રિસાયકલિંગની યોજના 5) મીટર પદ્ધતિથી ચોવીસ કલાક પાણી આપવાની યોજના 6) શહેરના દરેક ચાર રસ્તા પર રહેશે સીસીટીવી કેમેરાની બાઝ નજર 7) શહેરના દરેક વોર્ડમાં બનશે મોડેલ રોડ 8) શહેરના દરેક વોર્ડમાં બનશે રૈન-બસેરા 9) શહેરના દરેક વોર્ડમાં બનશે સાઈકલ ટ્રેક 10) ઘરે-ઘરે પાઈપલાઈનથી ગેસ પહોંચાડાશે

10/10

અમદાવાદ વિશે જાણવા જેવુંઃ

અમદાવાદ વિશે જાણવા જેવુંઃ

શહેરની સ્થાપનાઃ સ્થાપનાઃ ઈ.સ.1411 માં 26 ફેબ્રુઆરીના દિવસે સુલતાન અહમદશાહે અમદાવાદ શહેર વસાવ્યું

શહેરનો વિસ્તારઃ શહેરનું ક્ષેત્રફળઃ 466 ચોરસ કિલોમીટર

વસ્તીઃ શહેરની વસ્તીઃ હાલ અંદાજે 60 લાખ કરતાં વધારે દર ચોરસ કિ.મી. દીઠ વસ્તીની ગીચતાઃ 11,970 શહેરમાં વસવાટોની સંખ્યાઃ 16,21,822 (2017-2018) શહેરમાં બિન-વસવાટોની સંખ્યાઃ 5,10,253 (2017-2018) જાતિ પ્રમાણઃ દર હજાર પુરુષોએ અમદાવાદમાં સ્ત્રીઓની સંખ્યા 882 જેટલી છે.

વરસાદઃ 574.98 મી.મી., 22.64 મી.મી. (2016-17) વોર્ડ અને કાઉન્સીલરોની સંખ્યાઃ ઈલેક્શનના વોર્ડઃ 48 મ્યુનિસિપલ કાઉન્સીલરોની સંખ્યાઃ 192

પાણી પુરવઠોઃ દૈનિક પાણી પુરવઠોઃ 125 થી 130 કરોડ લીટર નોન રેવન્યુ વોટર સાથે સરેરાશ માથાદીઠ દૈનિક પાણી પુરવઠોઃ 140 થી 150 લીટર પાણી સમગ્ર શહેરમાં પાણીની લાઈનોઃ 4054.92 કિ.મી.થી વધારે

ડ્રેનેજ લાઈન વરસાદી પાણીના નીકાલની લાઈનોઃ 930 કિ.મી.થી વધારે ગટર કનેકશનોઃ 10,000 કરતા વધારે ભુગર્ભ ગટર લાઈનઃ 2588 કિ.મી.

રસ્તાઓઃ રસ્તાંઓની લંબાઈઃ આસ્ફાલ્ટ રસ્તાઃ 2415.40 કિલોમીટર પી.ક્યુ.સી. રસ્તાઃ 6.05 કિ.મી. કાચા રસ્તાઃ 286.50 કિલોમીટર

લાઈટોઃ  સોડિયમ લાઈટોઃ 50 હજારથી વધારે એલ.ઈ.ડી.લાઈટોઃ 40 હજારથી વધારે સી.એફ.એલ: 25 હજારથી વધારે હાઈમાસ્ટઃ 300થી વધારે ટ્યુબલાઈટ-28 વોટઃ 52 હજારથી વધારે

બ્રિજઃ બ્રિજઃ 40 થી વધારે ફલાય ઓવર, સાબરમતી નદી પર 9 બ્રિજ અને 10 થી વધારે અન્ડર પાસ

વાહનોઃ વૃક્ષોની સંખ્યાઃ શહેરમાં અંદાજે 20 લાખ કરતાં વધારે વૃક્ષો વાહનોઃ શહેરમાં અંદાજે 25 લાખ કરતાં વધારે વાહનો છે...શહેરમાં દોઢ લાખથી વધારે ઓટો રિક્ષા ચાલે છે એ.એમ.ટી.એસ.ની 700થી વધારે બસોમાં રોજ 9 લાખથી વધારે મુસાફરો મુસાફરી કરે છે બી.આર.ટી.એસ.ની 300 કરતા વધારે બસોમાં પણ રોજ દોઢ લાખ મુસાફરો મુસાફરીનો લાભ લે છે

પોલીસઃ શહેરની સુરક્ષા માટે શહેરભરમાં કુલ 9 હજાર કરતાં પોલીસ જવાનોનો કાફલો ફાયરઃ 400થી વધારે ફાયરના સ્ટાફ કર્મીઓ હોટલોઃ શહેરમાં અંદાજે 1000 થી વધારે હોટલો મંદિરો: અંદાજે 1200 થી વધારે હોસ્પિટલોઃ સરકારી અને ખાનગી મળીને અંદાજે 2 હજારથી વધારે મ્યુ.પ્રા.શાળાઓઃ ૪૭૧ શાળાઓમાં ૧૫૨૯૧૯ બાળકો અભ્યાસ કરે છે કોલેજોઃ 110 જેટલી કોલેજો અમદાવાદમાં છે બિલ્ડીંગોઃ 1500થી વધારે હાઈરાઈઝ બિલ્ડિંગો લારી-ગલ્લાઃ શહેરમાં અંદાજે 8 લાખ કરતાં વધારે લારી-ગલ્લા છે. બગીચાઓઃ 200થી વધારે બાગ-બગીચા છે તળાવોઃ 100 જેટલા તળાવો જીમ્નેશ્યિમઃ સરકારી અને ખાનગી મળીને અંદાજે 1000 જેટલા જીમ લાયબ્રેરીઃ ૫૦ થી વધારે સ્વિમિંગ પુલઃ 25 થી વધારે મોલની સંખ્યાઃ 300 થી વધારે મલ્ટી પ્લેક્સઃ 50 થી વધારે બેંકોઃ 500 થી વધારે એ.ટી.એમ. સેન્ટરોઃ 5 હજારથી વધારે