Happy Birthday: ડાંસિંગ અને કોમેડી કિંગ ગણાતા બોલીવુડના હીરો નંબર-1ની દિલચસ્પ કહાની
ડાંસ હોય કે કોમેડી, એક્શન હોય કે ઈમોશન 30 વર્ષથી બોલીવુડમાં રહીને અદભુત અદાકારીથી કરોડો દર્શકોનું દિલ જીતનારા ગોવિંદાનો આજે 57મો જન્મદિવસ. એ રાજા બાબુ પણ છે અને દુલ્હે રાજા પણ છે, એ કુલી નંબર-1 પણ છે અને આંટી નંબર-1 પણ છે. વિરારનો સામાન્ય છોકરો કઈ રીતે બોલીવુડનો હીરો નંબર-1 બની ગયો તે જાણવા માટે તમારે આ આર્ટીકલ વાંચવો પડશે.
વિરલ પટેલ, અમદાવાદઃ 21 ડિસેમ્બર એટલે હિન્દી ફિલ્મોના એવા અભિનેતાનો જન્મદિવસ જે ડાન્સમાં પણ એક્ટિંગ કરી જાણે છે. જે અભિનેતાએ ન માત્ર કોમેડી પરંતું ગંભીર પાત્રોમાં પણ પ્રાણ રેડી દીધાં છે. જેને ફિલ્મી પડદે જોઈ દર્શકોના ચહેરા પર સ્માઈલ ચોક્કસથી આવી જાય. સલમાન ખાન, રિતીક રોશન જેવા તેના સિક્સ પેક નથી પરંતું તેમ છતાં આ અભિનેતા ચહેરાના હાવભાવ, સેન્સ ઓફ હ્યુમર અને દમદાર અભિનયના કારણે તેને કરોડો ફેન્સના દિલમાં રાજ કરે છે. વાત છે 90ના દાયકામાં હિન્દી ફિલ્મોમાં સિક્કો જમાવનાર અભિનેતા ગોવિંદાની. જેમણે બોલીવુડના મહાન અભિનેતા દિલીપકુમાર, રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન સાથે ફિલ્મોમાં પણ કામ કર્યું. ગોવિંદા એક એવા અદભુત અદાકાર કે જેમની કોઈપણ ફિલ્મ ક્યારેય દર્શકોને બોરીંગ નથી લાગી. હંમેશા ગોવિંદા દર્શકોની અપેક્ષાઓ પર ખરા ઉતર્યા છે.
ગોવિંદાને 'ચીચી ભૈયા'ના નામે પણ ઓળખવામાં આવે છે. ચીચી નો અર્થ થાય છે નાની આંગળી. ગોવિંદા ભાઇ-બહેનોમાં સૌથી નાના હોવાના કારણે તેમનું નામ ચીચી રાખવામાં આવ્યું. ગોવિંદાના પત્ની સુનિતા આહુજા જેની સાથે વર્ષ 1987માં લગ્ન થયા હતા. ગોવિંદાને બે સંતાનો છે ટીના અને હર્ષવર્ધન. ગોવિંદાની પુત્રી ટીના આહુજાએ આલ્બમ સોંગમાં કામ કર્યું છે. ગોવિંદા વર્ષ 2004 થી 2009 દરમિયાન કોંગ્રેસની સરકારમાં સાંસદ પણ રહ્યા હતાં.
હિન્દી ફિલ્મોના દમદાર અદાકાર ગોવિંદા તેમનો 57મો જન્મદિવસ મનાવી રહ્યા છે. 21 ડિસેમ્બર 1963ના દિવસે મુંબઈના વિરારમાં ગોવિંદાનો જન્મ થયો. ગોવિંદાના પિતાનું નામ અરુણ આહુજા અને માતાનું નામ નિર્મલા દેવી છે.
ફિલ્મોમાં આવતા પહેલા ગોવિંદા ડિસ્કો ડાન્સર ફિલ્મથી પ્રભાવિત થયા હતા. ગોવિંદાએ કલાકો સુધી ડાન્સની પ્રેક્ટિસ કરી હતી અને ત્યારબાદ પોતાના ડાન્સની વીડિયો કેસેટ બનાવી. ગોવિંદાએ કારકિર્દીની શરૂઆતમાં જાહેર ખબરમાં પણ કામ કર્યું ત્યારબાદ વર્ષ 1986માં ઇલ્જામ ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરી.
ગોવિંદા પારિવારિક રીતે ફિલ્મી બેકગ્રાઉન્ડ ધરાવતો હતો. તેના પિતા અરુણ આહુજાને એક ફિલ્મમાં ભારે નુકસાન વેઠવું પડ્યું અને તે વચ્ચે તેમની તબિયત પણ ખરાબ રહેવા લાગી હતી. ત્યારે ગોવિંદાના પરિવારની આર્થિક સ્થિતિ પણ કફોડી બની હતી. ગોવિંદાનો પરિવાર કાર્ટર રોડ પરનો બંગલો છોડીને વિરારમાં આવીને રહ્યો. ગોવિંદાએ કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતું.
ગોવિંદાની ફિલ્મની ફરી રિમેકઃ ગોવિંદાની સુપરહિટ ફિલ્મ કુલી નંબર-1ની રિમેક બનાવવામાં આવી છે જેમાં ડેવીડ ધવનના પુત્ર વરુણ ધવને ગોવિંદાનું પાત્ર ભજવ્યું છે તો સારા અલી ખાને કરિશમા કપૂરનું પાત્ર નિભાવ્યું છે. મહત્વનું છે કે કરિશમા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર કુલી નંબર-1નો જૂનો ફોટો શેર કર્યો. કરિશમા કપૂરે ફિલ્મની રિમેક માટે વરૂણ ધવન અને સારા અલી ખાનને અભિનંદન પણ આપ્યા હતા.
ગોવિંદાની ફિલ્મના ગીતો હજી પણ તેટલા જ હિટઃ ગોવિંદાની મોટાભાગની ફિલ્મોના ગીતો એટલા સુપરહિટ નીવડ્યા કે હાલના સમયમાં પણ તે તેટલા જ ફ્રેશ લાગે. આપ કે આ જાને સે, લાલ દુપટ્ટેવાલી તેરા નામ, હુસ્ન હૈ સુહાના, મે તો રસ્તે સે જા રહા થા, સોના કિતના સોના હે, ગોરી તેરે નૈનો પે બસ જાતે સહિતના આવા તો અનેક ગીતો છે જે સુપરહિટ સાબિત થયા. ગોવિંદા માટે મોહમ્મદ અજીજ, ઉદિત નારાયણ, કુમાર સાનુ, સોનુ નિગમ સહિતના ગાયકોએ ગીત ગાયા.
અલાયદી સ્ટાઈલથી ગોવિંદા બન્યો ડાન્સિંગ સ્ટારઃ એક વર્ગ માટે ડાન્સ એટલે માઈકલ જેકશન, પ્રભુદેવા, રિતિક રોશન અને ટાઈગર શ્રોફનો ડાન્સ. તો હિન્દી ફિલ્મોનો બીજો એક બહોળો વર્ગ છે જેના માટે ડાન્સિંગ સ્ટાર એટલે ગોવિંદા. ગોવિંદાએ જેટલી તેની એક્ટિંગ અને કોમેડીના કારણે પ્રસિદ્ધિ મેળવી તેટલી જ નામના તેના યુનિક ડાન્સિંગ સ્ટાઈલના કારણે મેળવી. પ્રભુદેવા, રિતિક રોશન અને ટાઈગર શ્રોફ જેવો ડાન્સ કરવા માટે સામાન્ય દર્શકે બહુ મહેનત કરવી પડે પરંતું ગોવિંદાનો ડાન્સ કોઈ પણ વ્યક્તિ સરળતાથી શીખી શકે. ગોવિંદાના ડાન્સની ખાસિયત રહેતી હતી કે તે પૂરી એનર્જીથી જબરદસ્ત ચહેરાના હાવભાવથી ડાન્સ કરતો. ગોવિંદાનો ડાન્સ જોઈ દર્શકો પણ ખુશ થઈ જતા. થોડા જ વર્ષો પહેલા ગોવિંદાના સુપરહિટ ગીત 'આપ કે આ જાને સે' પર સંજીવ શ્રીવાસ્તવ નામની વ્યક્તિનો ડાન્સ જબરદસ્ત વાયરલ થયો હતો. ગોવિંદા જેવો ડાન્સ કરનાર સંજીવ શ્રીવાસ્તવના ગોવિંદાએ પણ વખાણ કર્યા હતા. ગોવિંદાના એવરગ્રીન હિટ ડાન્સની વાત કરીએ તો અખિયો સે ગોલી મારે, કિસી ડિસ્કો મે જાયે, હુસ્ન હે સુહાના, વોટ ઈઝ મોબાઈલ નંબર,યૂપી વાલા ઠુમકાં, સોની દે નખરે સહિતના ગીતોનો સમાવેશ થાય છે. આ બધા હિટ ડાન્સગીતો આજની તારીખમાં પણ ગોવિંદાને બેસ્ટ ડાન્સિંગ સ્ટારની યાદીમાં સામેલ કરે છે.
આ અભિનેત્રીઓ સાથે ગોવિંદાની સુપરહિટ જોડીઃ
ગોવિંદાએ જે એક્ટ્રેસ સાથે કામ કર્યું તે જોડી હિટ જ રહી પરંતું ગોવિંદા સાથે જોડીની વાત આવે તો સૌથી પહેલા નામ કરીશમા કપૂરનું નામ આવે. 'રાજાબાબુ' ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી એટલી સુપરહિટ નીવડી કે ત્યારબાદ અનેક ફિલ્મો બની જેમાં ગોવિંદા અને કરીશમા કપૂરને સાથે સાઈન કરવામાં આવ્યા. કુલી નંબર-1, હિરો નંબર-1, સાજન ચલે સસુરાલ, હસીના માન જાયેગી,દુલારા જેવી ફિલ્મોમાં બંનેએ સાથે કામ કર્યું તેમાં કુલી નંબર-1 અને રાજાબાબુમાં બંનેની જોડી બ્લોકબસ્ટર સાબિત થઈ. ત્યારબાદ ગોવિંદાની જોડી રવિના ટંડન સાથે સુપરહિટ સાબિત થઈ. પરદેશી બાબુ, આન્ટી નં-1, રાજાજી, બડે મિયા છોટે મિયા,અખિયો સે ગોલી મારે અને સેન્ડવીચમાં આ જોડીએ ધમાલ મચાવી હતી. ગોવિંદાએ શિલ્પા શેટ્ટી રાની મુખર્જી, જૂહી ચાવલા, ટ્વીંકલ ખન્ના,નીલમ સહિતની હીરોઈનો સાથે પણ જોડી જમાવી હતી.
ગોવિંદા અને જોની લીવર ભેગા થયા તો મચી ધમાલઃ હિન્દી ફિલ્મોમાં ચહેરાના હાવભાવથી લોકોને પેટ પકડાવીને હસાવવાની આવડત જે કોઈ કલાકાર ધરાવતો હોય તો તે જોની લીવર છે. ગોવિંદા અને જોની લીવરે સાથે અખિયો સે ગોલી મારે, દુલ્હે રાજા,જોરુ કા ગુલામ, હદ કર દી આપને,કુંવારા, દિવાના મસ્તાના સહિતની અનેક ફિલ્મોમાં કામ કર્યું. ગોવિંદા અને જોની લીવરની જોડીએ પણ કોમેડી ફિલ્મોમાં દર્શકોને ભરપૂર મનોરંજન આપ્યું છે.
ગોવિંદા અને કાદર ખાનની જુગલબંધીએ મચાવી ધૂમઃ
હિન્દી ફિલ્મોમાં ગોવિંદા કદાચ એકમાત્ર અભિનેતા હશે જેમણી અન્ય કિરદારો સાથેની જુગલબંધી સુપરહિટ નીવડી હોય તે પછી શક્તિ કપૂર હોય , સતીષ કૌશીક હોય કે કાદર ખાન હોય. એવા જ એક કલાકાર છે કાદરખાન... ગોવિંદાની અનેક સુપરહિટ ફિલ્મોમાં કાદર ખાને અભિનય કર્યો છે. ગોવિંદા અને કાદર ખાન રાજા બાબુ, જૈસી કરની વૈસી ભરની,કુલી નંબર-1, હિરો નંબર 1, હમ, આંખે અખીયો સે ગોલી મારે,હસીના માન જાયેગી, નસીબ, જોરુ કા ગુલામ જેવી તો અનેક સુપરહિટ ફિલ્મોમાં બંને સાથે કામ કર્યુ હતું.
ગોવિંદાને મળ્યું નંબર-1નું ટેગઃ
હિન્દી ફિલ્મોમાં ડિરેક્ટર એક્ટરની જોડીઓએ અનેક સુપરહિટ ફિલ્મો આપી. જેમકે અમિતાભ બચ્ચન અને પ્રકાશ મહેરાની જોડી એ 6 ફિલ્મો આપી, અમિતાભ બચ્ચન અને મનમોહન દેસાઈની જોડીએ 7 ફિલ્મો આપી, યશ ચોપરા અને શાહરૂખ ખાનની જોડી એ 4 સુપરહિટ ફિલ્મો આપી પણ ડેવીડ ધવન અને ગોવિંદાની જોડી એ 17 ફિલ્મોમાં સાથે કામ કર્યું જેમાં 11 ફિલ્મો સુપરહિટ નીવડી. આંખે, રાજા બાબુ, બડે મિયા છોટે મિયા, કુલી નંબર 1, હીરો નંબર 1, આંટી નંબર-1, હસીના માન જાયેગી, સાજન ચલે સસુરાલ, સોલા ઔર શબનમ, દિવાના મસ્તાના સહિતની ફિલ્મોનો સમાવેશ થાય છે. કુલી નંબર વન અને હિરો નંબર વન બાદ ગોવિંદાને નંબર 1નું ટેગ મળી ગયું.
વર્ષ 1994 ગોવિંદા માટે માઈલસ્ટોન સાબિત થયું. તે વર્ષમાં ગોવિંદને અલગ અંદાજમાં રજૂ કરતી ફિલ્મ 'રાજા બાબુ' રિલીઝ થઈ. રાજાબાબુ ફિલ્મને ગોવિંદાના કરિયરની સૌથી મોટી ગેમ ચેન્જર ફિલ્મ કહીએ તો જરા પણ ખોટું નથી. આ ફિલ્મ સાથે દર્શકોને ગોવિંદા કરિશ્માની નવી જોડી મળી. રાજાબાબુ ફિલ્મથી દર્શકોને નવો જ ગોવિંદા મળ્યો. રાજા બાબુ ફિલ્મમાં ન માત્ર ગોવિંદાની એક્ટિંગ પરંતુ તેના ડાન્સ અને કોમેડીએ દર્શકોના દિલ જીતી લીધા. ફિલ્મમાં ગોવિંદા- કરિશ્મા કપૂરની જોડી ધ સુપરહિટ થઈ પરંતુ સાથે સાથે અન્ય જોડી પણ હિટ થઈ તે છે ગોવિંદા અને શક્તિ કપૂરની. રાજા બાબુ ફિલ્મમાં બંને મિત્રોની જુગલબંધીએ દર્શકોને પેટ પકડીને હસાવ્યા. આ ફિલ્મ બાદ ગોવિંદા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સુપરસ્ટાર તરીકે પ્રસ્થાપિત થયો. કરિશ્મા કપૂર અને શક્તિ કપૂર ગોવિંદા માટે લકી ચાર્મ બની ગયા.
સંઘર્ષથી સુપરસ્ટાર બનવા તરફની સફરઃ
ગોવિંદાને હજી જોઈએ તેવી સફળતા મળી ન હતી. ગોવિંદાએ એ જ સમયમાં નીલમ સાથે ખુદગર્જ ફિલ્મ કરી હતી. ફિલ્મમાં એક ગીત હતું 'આપ કે આ જાને સે' જે ઘણું લોકપ્રિય થયું હતું. ત્યારબાદ ગોવિંદાએ જેસી કરની વેસી ભરની, સ્વર્ગ, હમ જેવી સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યું. તે પછી સોલા ઓર સબનમ, આદમી ખિલોના હૈ , નસીબ અને આંખે જેવી ફિલ્મોથી ગોવિંદાનું કદ વધી ગયું. ગોવિંદાની ફિલ્મો તો હિટ થઈ રહી હતી પરંતું હજી તેને ઈચ્છિત સફળતા મેળવવાની બાકી હતી. ગોવિંદાએ વર્ષો પહેલા ઈન્ટરવ્યૂમાં રસપ્રદ વાત શેર કરી હતી. 'ગોવિંદાને એકસમયે ફિલ્મી કારકિર્દીને લઈ ચિંતિત હતો, તેને વિચાર્યું હતું કે તે 100 થી 150 ટ્રક લઈ લે જેથી ભવિષ્યમાં જો તેની ફિલ્મો હિટ નહીં થાય તો તેનો આ વ્યવસાય ચાલી શકે અને તે તેના પરિવારનું ગુજરાન ચલાવી શકે.
દિલીપકુમાર,રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન સાથે કર્યું કામ:
વર્ષ 1986 પછી ગોવિંદાએ અનેક ફિલ્મો કરી કેટલીક ફિલ્મોમાં સેકન્ડ લીડ તરીકે અભિનય કર્યો. ગોવિંદાએ તેની કારકિર્દીના શરૂઆતના જ વર્ષોમાં દિલીપકુમાર, રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું. ગોવિંદાએ વર્ષ 1990માં આવેલી 'ઈજ્જતદાર' ફિલ્મમાં દિલીપકુમાર સાથે સ્ક્રીન શેર કરી. હિન્દી ફિલ્મોના પહેલા એવા સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે સ્વર્ગમાં ગોવિંદાનો દમદાર અભિનય જોઈ આજે પણ દર્શકોના આંખમાં આંસુ આવી જાય છે. તો વર્ષ 1991માં ગોવિંદાએ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે 'હમ' અને 'બડે મિયા છોટે મિયા' બંને ફિલ્મમાં કામ કર્યું જે ફિલ્મો તો સુપરહિટ રહી પરંતું તેના ગીતો પણ સદાબહાર રહ્યા.
80ના દાયકામાં બોલીવુડમાં ગોવિંદાનું આગમન:
મિત્રો 8૦ના દાયકાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવા બદલાવાનો સમય કહી શકાય છે. વર્ષ 1970 થી 1985 સુધી એક્શન ફિલ્મોની લોકપ્રિયતા ટોચ પર હતી તો બીજી તરફ વર્ષ 1985 પછી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવા રોમેન્ટિક હીરોનું આગમન થઈ રહ્યું હતું. તે પછીના વર્ષોમાં બોલિવૂડને ત્રણ નવા યુવા કલાકારો મળ્યા આમિર,સલમાન અને શાહરૂખ ખાન. આ ત્રણેય કલાકારોની પહેલી ફિલ્મ બ્લોકબસ્ટર નીવડી હતી. રાતોરાત સ્ટાર બનેલા ત્રણ ખાન વચ્ચે એક એવો કલાકાર હતો જે મક્કમ ગતિએ પોતાનો પગ જમાવી રહ્યો હતો અને તે છે ગોવિંદા.
Trending Photos