1965 War: રક્તરંજિત રણમાં ભારતના વીરોએ રંગ રાખ્યો, પાકિસ્તાનીઓને સાથીઓની લાશો મૂકીને ભાગવું પડ્યું
9 April શૌર્ય દિનઃ એક જ રાતમાં ભારતીય જવાનોએ પાકિસ્તાનના 34 સૈનિકોને ઢાળી દઈને સરદાર ચોકી જાળવી રાખી. 1965માં પાકિસ્તાનની લશ્કરી બ્રિગેડને આપણા પોલીસ જવાનોએ ધૂળ ચટાડી, પાકિસ્તાનીઓ સાથીઓની લાશો મૂકીને ભાગ્યા હતા.
ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદઃ એવા અનેક કિસ્સાઓ છે જેમાં ભારતીય સેનાના જવાનોએ દુશ્મનના દાંત ખાટા કર્યા હોય. ત્યારે આવો જ એક કિસ્સો 9 એપ્રિલ 1965માં બન્યો હતો, જેણે ઈતિહાસ સર્જી દીધો. તે સમયે પાકિસ્તાનની આખી લશ્કરી બ્રિગેડ સામે ભારતીય ફોજના અર્ધલશ્કરી દળોની એક નાનકડી ટૂકડીએ મળીને રણમાં યુદ્ધ કરીને નાપાક પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. અને તેમને આપણી સરહદ પરથી ઉભી પૂંછડીએ ભગાડ્યા હતાં. વર્ષ 2001થી સરકારે આ દિવસને એટલેકે, 9 એપ્રિલને શૌર્ય દિન તરીકે મનાવવાની શરૂઆત કરી હતી.
નાપાક પાકિસ્તાને બદઈરાદાને અંજામ આપવા માટે ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો અને ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલી સરહદ પર હુમલો કરી દીધો. પૂર્વ નિયોજિત ષડયંત્રના ભાગરૂપે નાપાક પાકિસ્તાન પોતાની આખી લશ્કરી બ્રિગેડ સાથે કચ્છની સરહદ પર ઉતરી આવ્યું હતું.
તે સમયે કચ્છ સરહદ પર ભારતીય સેનાની વિશાળ ટૂકડી નહોંતી. જોકે, તેમ છતાં આપણા અર્ધલશ્કરી દળો અને પોલીસે ભારતની આન બાન અને શાનની રક્ષાનું બીડું ઝડપી લીધું. સીઆરપીએફ અને એસઆરપીના 200થી વધારે જવાનોએ માતૃભૂમિની રક્ષા કાજે મેદાને જંગમાં જંપલાવી દીધું.
કચ્છની સરહદ પર એ સમયે જે માહોલ હતો તેના વિશે માત્ર સાંભળીને જ રુંવાળા ઉભા થઈ જાય છે. કચ્છની સરહદ પર તોપથી સતત ગોળાબારી થઈ રહી હતી. નાપાક પાકિસ્તાન પોતાની આખીયે લશ્કરી ટૂકડી અને ટેંકનો કાફલો લઈને આપણી સીમા પર કબજો કરવાના ઈરાદાથી આગળ વધી રહ્યું હતું. અક્ષયકુમારની કેસરી ફિલ્મમાં જે દ્રશ્ય સર્જાયું હતું આબેહુબ કંઈક આજ પ્રકારની પરિસ્થિતિ તે સમયે કચ્છ સરહદ પર હતી.
આંતરરાષ્ટ્રીય સરહદે સરદાર ચોકી, વીઘાકોટ, છાડબેટ, હનુમાનમઢીમાં પાકિસ્તાનની આખી લશ્કરી બ્રિગેડ હતી. તેની સામે ભારતીય અર્ધલશ્કરી દળ અને પોલીસના કુલ મળીને 200થી વધારે જવાનો સંઘર્ષ કરી રહ્યાં હતાં.
9 એપ્રિલ 1965ના દિવસે એક જ રાતમાં ભારતીય જવાનોએ નાપાક પાકિસ્તાનના 34 સૈનિકોને ઠાર મારીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતના જવાનોની બહાદુરીના કારણે તે સમયે આપણે સરદાર ચોકી બચાવવામાં સફળ રહ્યાં હતાં. અને આ જવાનોની બહાદુરીએ ત્યારે ઈતિહાસ સર્જી દીધો.
કચ્છની સરદાર ચોકી પર દુશ્મન હુમલો કરી રહ્યો હતો. ભારતીય જવાનો પાસે દારૂગોળો ધીરેધીરે ઓછો થઈ રહ્યો હતો. જોકે, ત્યારે આવી સ્થિતિમાં એ બાહોશ જવાનોએ એવી તરકીબ અજમાવી કે જેનાથી દુશ્મનનો ખાતમો બોલાવી દીધો. ભારતીય જવાનોએ નાપાક પાકિસ્તાનીઓને જાણી જોઈને સરદાર ચોકીની નજીક આવવા દીધાં. અને ગોળીબાર કરવા દીધો. જેવા નાપાક પાકિસ્તાનીઓ સરદાર ચોકીની એકદમ નજીક પહોંચ્યા ત્યારે સરદાર ચોકી પરથી ભારતમાંના લાલની બંદૂકોમાંથી અને મશીન ગનોમાંથી એક સાથે ગોળીઓ ધણધણી ઉઠી.
આ ગોળીબારમાં 20 નાપાક જવાનોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યાં. ચોકીની બીજી બાજુ પણ ભારતીય જવાનોએ આજ રીતે વ્યવસ્થા ગોઠવી રાખી હતી. એ તરફથી હુમલાના ઈરાદે નજીક આવેલાં 14 પાકિસ્તાનીઓને પણ ઠાર મારી દેવામાં આવ્યાં. તે સમયનો મોતનો એ મંઝર એવો હતોકે, નાપાક પાકિસ્તાનીઓએ પોતાના સાથીઓની લાશો મૂકીને પોતાનો જીવ બચાવીને ભાગવાનો વારો આવ્યો.
Trending Photos