ભાજપ સામે બળવો કરનારાઓએ શું ભોગવવો પડ્યો અંજામ? આ જોઈને પણ વરુણ ગાંધી અપક્ષ તરીકે લડશે ચૂંટણી!
ભાજપની જેમ જેમ યાદી બહાર પડતી જાય છે એમ એમ ગરમાવો ચરમસીમાએ પહોંચતો જાય છે. પીલીભીતથી સાંસદ વરુણ ગાંધીનું આ વખતે ભાજપે પત્તું કાપી નાખ્યું છે. એવી અટકળો છે કે વરુણ અપક્ષ તરીકે ચૂંટણી લડી શકે છે. તેમણે ઉમેદવારી પત્રકો પહેલેથી જ ખરીદી રાખ્યા છે. આવામાં હવે એવો સવાલ ઉઠે છે કે ભાજપ સામે બળવો પોકાર્યા બાદ શું વરુણ ગાંધી પોતાના મિશનમાં સફળ થઈ શકશે ખરા? એવા કેટલાક નામો પર નજર ફેરવવી પણ જરૂરી છે જેમણે ભાજપ છોડી તો રાજકારણમાં તેમનું શું થયું? આ યાદીમાં ગુજરાતના પણ બે નેતાઓના નામ સામેલ છે.....
કલ્યાણ સિંહ
એવું કહેવાય છે કે કલ્યાણ સિંહે ભાજપ ન છોડ્યું હોત તો અટલ બિહારી વાજપેયી અને અડવાણી બાદ તેઓ પાર્ટીના સૌથી મોટા નેતા હોત. હિન્દુવાદી નેતાએ ડિસેમ્બર 1999માં પાર્ટી છોડી હતી. રાષ્ટ્રીય ક્રાંતિ નામની નવી પાર્ટી બનાવી. જો કે 2004માં તેમણે પાછા ફરવું પડ્યું. 2009માં એકવાર ફરીથી રાજીનામું આપ્યું. ત્યારબાદ રાજસ્થાનના રાજ્યપાલ પણ રહ્યા. થોડા વર્ષ પહેલા તેમનું નિધન થયું.
યશવંત સિન્હા
અટલ બિહારી વાજપેયીની સરકારમાં યશવંત સિન્હા નાણામંત્રી હતા. જો કે કેન્દ્રમાં મોદી સરકાર બન્યા બાદ તેઓ તેમની જ સરકારના નિર્ણયો પર સવાલ ઉઠાવવા લાગ્યા. આખરે 2018માં તેમણે ભાજપ સાથે છેડો ફાડ્યો અને ટીએમસીમાં જોડાઈ ગયા. વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પણ બનાવવામાં આવ્યા પરંતુ હારી ગયા.
અરુણ શૌરી
વાજપેયી સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા અરુણ શૌરી બાદમાં ભાજપ સાથે બળવો કરી બેઠા. તેમણે ભાજપને ચૂંટણી મશીન સુદ્ધા કહી દીધુ. એવું કહેવાય છે કે તેઓ મોદી સરકારના પહેલા કાર્યકાળમાં મંત્રી બનવા માંગતા હતા. બાદમાં ભાજપે કિનારો કરતા એવું કહ્યું કે તેઓ પાર્ટી સભ્ય નથી. આ રીતે અરુણ શૌરી રાજનીતિક મંચથી નીચે ઉતરી ગયા.
કેશુભાઈ પટેલ
કેશુભાઈ પટેલ ગુજરાતમાં ભાજપના કદાવર નેતા હતા. 2012માં રાજીનામું આપીને તેમણે ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી હતી પરંતુ વિધાનસભા ચૂંટણીમાં કોઈ કમાલ કરી શક્યા નહીં. 2014માં તેમણે પાર્ટીનો ભાજપમાં વિલય કરવો પડ્યો. થોડા વર્ષ પહેલા તેમનું નિધન થઈ ગયું.
શંકરસિંહ વાઘેલા
શંકરસિંહ વાઘેલા પણ ગુજરાત ભાજપના એક કદાવર નેતા હતા. 1995માં ગુજરાતમાં જ્યારે ભાજપે 182માંથી 121 બેઠક જીતી હતી ત્યારે મુખ્યમંત્રી તરીકે વાઘેલા પ્રબળ દાવેદાર ગણવામાં આવતા હતા. જો કે તેમની જગ્યાએ કેશુબાપા સીએમ બન્યા. 17 સપ્ટેમ્બર 1995ના રોજ શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો. 48 ધારાસભ્યો સાથે વાઘેલાએ રાષ્ટ્રીય જનતા પક્ષ રચ્યો. કોંગ્રેસનો બહારથી ટેકો મળ્યો અને નવી સરકાર બની હતી. આગળ જતા તેનો કોંગ્રેસમાં વિલય થયો અને તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા. જો કે 2017માં તેમણે કોંગ્રેસ પણ છોડી. પછી જનવિકલ્પ મોરચા નામનો પક્ષ બનાવ્યો. પણ પછી 2019માં એનસીપીમાં જોડાયા. ત્યાં પણ ન ફાવ્યું અને આખરે હાલ તો રાજકારણથી દૂર છે.
સાવિત્રી બાઈ ફૂલે
યુપીના બહરાઈચથી ભાજપના સાંસદ રહી ચૂકેલા સાવિત્રીબાઈ ફૂલેએ 2018માં રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસમાં ગયા પરંતુ ત્યાથી પણ જલદી નીકળી જવું પડ્યું. સાવિત્રીબાઈ ફૂલે હવે કાશીરામ બહુજન મૂળનિવાસી પાર્ટીના અધ્યક્ષ છે. રાષ્ટ્રીય રાજકારણથી દૂર અને યુપીના રાજકારણમાં પોતાના રાજકારણના મૂળિયા મજબૂત કરવામાં લાગ્યા છે.
સ્વામી પ્રસાદ મૌર્ય
યુપીના મોટા કદના ઓબીસી નેતા સ્વામી પ્રસાદ મૌર્ય આમ તો અનેક રાજકીય પક્ષો સાથે જોડાયા અને નીકળ્યા પરંતુ ભાજપથી દૂર થયા બાદ રાજકીય અસ્થિરતાનો દોર શરૂ થઈ ગયો. થોડા સમય પહેલા તેમણે સપામાંથી રાજીનામું આપ્યું અને હવે તેઓ અલગથલગ પડી ગયા છે. તેમણે હવે રાષ્ટ્રીય શોષિત સમાજ પાર્ટી બનાવી છે.
Trending Photos