મા મહાકાળીના ધામમાં નવરાત્રિનો ભવ્ય પ્રારંભ : ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, મંદિરમાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર
Navratri 2023 જયેન્દ્ર ભોઈ/પંચમહાલ : આસ્થા અને આદ્યશક્તિની ઉપાસનાનું મહાપર્વ ગણાતી નવરાત્રિનો આજથી પ્રારંભ,,, ખેલૈયાઓમાં જબરદસ્ત થનગનાટ,,, તો આસો નવરાત્રિના પ્રથમ દિવસે કરો માં મહાકાળીના દર્શન... પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
શક્તિ ઉપાસના ના મહાપર્વ એટલે આસો નવરાત્રિનો પ્રારંભ થઇ ચુક્યો છે, ત્યારે નવરાત્રી દરમ્યાન શક્તિપીઠ દર્શનનો વિશેષ મહિમા રહેલો છે. નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધનાના આ મહાપર્વમાં આજે પ્રથમ નવરાત્રિના પાવન દિવસે અમે આપને દર્શન કરાવી રહ્યા છે શક્તિપીઠ પાવાગઢના. અહીં માન્યતા છે કે માં મહાકાળીના ધામ પાવાગઢ ખાતે નવરાત્રીમાં દર્શન કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે.
આજથી શરૂ થઈ રહેલા પાવન નવરાત્રી પર્વ માં રાજ્ય સહિત સમગ્ર દેશ અને દુનિયામાંથી માં મહાકાળીના પાવન યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. આસો નવરાત્રિના પ્રથમ નોરતે પાવાગઢ ખાતે અંદાજીત 2 લાખ ભક્તોનૂ ઘોડાપુર ઉમટી પડ્યું છે. નવરાત્રિના નવે નવ દિવસ માં મહાકાળીને વિશેષ શણગાર કરવામાં આવે છે.
નવરાત્રિના પ્રથમ દિવસે પાવાગઢના માંચીથી જ ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે. ગુજરાત સહિત મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યોમાંથી પણ આવતા ભક્તો વિશેષ આસ્થા સાથે માં મહાકાળીના દર્શને આવે છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી આવતા માઇ ભક્તો અમાસના દિવસે માતાજીના મંદિરમાંથી અખંડ જ્યોત પોતાના વતન લઈ જતા હોય છે અને ત્યારબાદ પોતાના ગામ અને પોતાના ઘરે નવરાત્રી પર્વ દરમિયાન માતાજીની ઉપાસના કરતા હોય છે. જેથી છેલ્લા બે દિવસથી અહીં બે લાખથી ઉપરાંત માય ભક્તોએ માતાજીના મંદિર ખાતે આવી અખંડ જ્યોત લઈ પોતાના માટે વતન જવા રવાના થયા હતા.
અમાસના દિવસે અહીં આવેલા ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાથે સાથે જ માતાજી દ્વારા પોતાની તમામ મનોકામના પૂર્ણ થતી હોવાનું પણ જણાવ્યું હતું. હાથમાં તલવાર અને ખડગ સહિતના શસ્ત્રો સાથે માં મહાકાળીના વેશમાં આવતા ચોંકાવનારા કરતબો અને શ્રદ્ધાના પુરાવા આપતા જોવા મળે છે. મંદિર પરિસર સહિત પગથિયાં સુધી જાણે હૈયેથી હૈયું દળાતું હોય તેવા દ્રશ્યો પણ મંદિરના ગર્ભ ગૃહમાં જોવા મળ્યા. તો બીજી તરફ દર્શન માટે લાંબી કતારો પણ જોવા મળી. તો દૂર દૂર થી આવેલા ભક્તો પણ માં મહાકાળી ના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
પંચમહાલના કલેક્ટર આશિષકુમારે જણાવ્યું કે, નવરાત્રિના દિવસોમાં લાખોની સંખ્યામાં આવતા ભક્તોના ઘસારાને પહોંચી વળવા અને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા જિલ્લા વહીવટી તંત્ર તેમજ મંદિર પ્રસાશન વિશેષરૂપે સુચારુ આયોજન કરાયું છે. ત્યારે હાલ ચાલી રહેલ આશો નવરાત્રિમાં પ્રતિદિન દોઢથી બે લાખ ભક્તો માં મહાકાળીના દર્શનાર્થે આવવાની શક્યતાઓ જોતા આ વખતે આરોગ્યને લગતી સેવાઓમાં વિશેષ વધારો કરવામાં આવ્યો છે.
સાથે જ માચી ખાતે દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેના બાદ હાલ હરાજી કરી ખાણીપીણીના સ્ટોલ ઉભા કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ દ્વારા યાત્રાળું ઓની સુરક્ષાને લઈ ખાસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. યાત્રાળુઓને તમામ સુવિધાઓ મળી રહે તે માટેની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. બીજી તરફ યાત્રિકોની સુવિધાના ભાગરૂપે નવરાત્રી દરમિયાન ખાનગી વાહનો ઉપર લઈ જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સાથે સાથે જ અહીં એસટી બસની ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
એવી જ રીતે મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રી દરમિયાન વહેલી સવારથી માતાજીના મંદિરના નિજ દ્વાર ખોલી મોડી રાત્રી સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ નવરાત્રીથી જ દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એકમ, આઠમ અને પૂનમના દિવસે સવારે 4.00 કલાકે મંદિરના કપાટ દર્શન માટે ખુલશે, તો બાકીના દિવસોમાં સવારે 5.00 કલાકે દર્શન માટે મંદિરના કપાટ ખોલવામાં આવનાર છે. તમામ દિવસો એ રાત્રે 9.00 કલાકે મંદિરના દ્વાર દર્શન માટે બંધ કરવામાં આવશે. તો બીજી જ્યારે રોપવે સંચાલકો દ્વારા પણ રોપવેના સમયમાં મંદિરના સમય મુજબ જરૂરી ફેરફાર કરવામાં આવ્યો છે તેવું મહાકાળી મંદિર ટ્રસ્ટના સેક્રેટરી અશોક પંડ્યાએ જણાવ્યું.
Trending Photos