નવરાત્રિમાં ભક્તિના રંગ : તલવારની ઘાર પર ચાલીને પાવાગઢ પહોંચ્યો ભક્ત
નવરાત્રિ પર ગુજરાતના વિવિધ શક્તિપીઠમાં ભક્તોની કેવી ભીડ ઉમટી છે...
ઝી મીડિયા/બ્યૂરો :આજથી નવરાત્રિ (Navratri) ની શરૂઆત થઈ રહી છે. નવરાત્રિના નવ દિવસોમાં ભક્તો ભાવપૂર્વક નવદુર્ગાની પૂજા અર્ચના કરે તો માતાજી તેમને મનોવાંછિત ફળ આપે છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન નવદુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા અર્ચના થાય છે. પ્રથમ દિવસ પર્વતપુત્રીને સમર્પિત છે. ત્યારે માતાના મંદિરે જતા માઈ ભક્તોમાં ભક્તિનો અનેરો રંગ જોવા મળી રહ્યો છે. પાવાગઢ મા કાળીના દર્શને પહોંચેલા એક માઈ ભક્ત તલવારની ધાર પર ચાલતા જોવા મળ્યા હતા.
નવરાત્રિના પાવન પર્વ પર અમદાવાદમાં નગરદેવીના દર્શને લોકોની ભીડ ઉમટી પડી છે. આજથી શરૂ થયેલા નવરાત્રિના પવિત્ર પર્વ માતાની આરાધનાનો પર્વ છે. અમદાવાદની નવરાત્રિના પહેલા દિવસે જ નગરદેવી ભદ્રકાળીના દર્શન કરવા અને માંના મનોહર રૂપના દર્શન કરવા માટે ભક્તો ઉમટ્યા છે. વર્ષમાં 5 નવરાત્રી આવે છે. પરંતુ આસો મહિનાની નવરાત્રિનું વિશે મહત્વ હોય છે.
આજથી શારદીય નવરાત્રિ (Navratri) નો પ્રારંભ થયો છે. શક્તિપીઠ અંબાજી (Ambaji) ધામમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી. આજે નવરાત્રિએ મંદિર 7.30 કલાકે ખૂલતાની સાથે જ ભક્તો દર્શન માટે તૂટી પડ્યા હતા. શ્રદ્ધાળુઓ મોડી રાતથી જ લાઇનમાં ઉભા રહ્યા હતા અને સવારે દર્શન કર્યા હતા. ત્યારે આજે અંબાજી મંદિરમાં પરંપારિક રીતે ઘટ સ્થાપના વિધિ કરવામાં આવી હતી. વૈદિક મંત્રોચ્ચાર સાથે વહીવટદારના હસ્તે ઘટ સ્થાપન વિધિનું પૂજન કરાવામાં આવ્યું.
આસો નવરાત્રિના પ્રથમ નોરતે યાત્રાધામ પાવાગઢ ભક્તોનુ ઘોડાપૂર ઉમટી પડ્યુ છે. કોરોના કાળમાં માતાજીના પ્રત્યક્ષ દર્શન ભક્તો માટે બંધ હતા. ત્યારે આ નવરાત્રિમાં માતાજીના પ્રત્યક્ષ દર્શનની છૂટ આપવામાં આવતા માઇ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. વહેલી સવારે 5 વાગે મંદિર ખુલતા જ માતાજીના જય ઘોષથી પરિસર ગુંજી ઉઠ્યું હતું. હજારો ભક્તોએ વહેલી સવારે જ મંદિર સુધી પહોંચી જઈ કર્યા માતાજીના દર્શન અને અનુભવી ધન્યતા અનુભવી છે.
આજથી આસો નવરાત્રિનો શુભારંભ થઈ રહ્યો છે. ત્યારે કચ્છના કુળદેવી માં આશાપુરાના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે આ વર્ષે માઇ ભક્તો સવારના 4 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી આશાપુરા માના દર્શન કરવા ઉમટી પડ્યા છે. પરંતુ દર વર્ષે જે મેળો યોજાતો હતો તેની મંજૂરી આ વર્ષે વહીવટી તંત્ર દ્વારા આપવામાં નથી આવી. માતાના મઢ ખાતે પરંપરાગત ધાર્મિક વિધિ સાથે ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું. મઢ જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહ રાજાબાવાના હસ્તે કુંભ ઘટ સ્થાપન કરાયું હતું.
પાટણ સિધ્ધરાજ જયસિંહ સંસ્થાપિત પાટણનાં નગરદેવી કાલિકા માતાજીનું મંદિર આવેલુ છે. જ્યાં આજથી નવરાત્રિની ખાસ ઉજવણી કરાશે. આ પ્રાચીન મંદિરમાં નવરાત્રિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાય છે. માતાજીને વિવિધ અલંકારો પહેરાવાશે. નવ દિવસ સુધી માતાજીને દરરોજ નવીન ભાતીગળ સાડીઓ ધરાવવામાં આવશે.
Trending Photos