ઓળખો અમદાવાદી આર્કિટેકને જેણે અટલ બ્રિજની ડિઝાઇન તૈયાર કરી, PM મોદી આજે કરશે ઉદઘાટન

ઉર્વીએ આ કલાકૃતિ ક્રાફ્ટ ક્વેસ્ટના આર્કિટેક્ટ તરૂણકુમાર અને ટીમના સભ્ય સિદ્ધાર્થ સક્સેના સાથે મળીને બનાવી છે. 

ભ્રાંતિ ઠાકર,અમદાવાદ: 27 ઓગસ્ટે એટલે કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર બનેલા અટલ બ્રિજ (ફૂટ ઓવર બ્રિજ)નું લોકાર્પણ કરશે અને કેટલાય સમયથી એ અટલ બ્રિજ પર મહાલવાની રાહ જોઈ રહેલા અમદાવાદીઓની આતુરતાનો અંત આવશે. આ બ્રિજનો આકાર અને દેખાવ પંતગની થીમ પર આધારિત છે અને બ્રિજની થીમને અનુરૂપ આર્ટ ઇન્સ્ટોલેશન્સ લગાવીને તેની સુંદરતામાં ઉમેરો કરનારા આર્કિટેક્ચર આર્ટિસ્ટને તમે ઓળખો છો? એ પણ એક અમદાવાદી જ છે. એમનું નામ છે ઉર્વી શેઠ, જે CEPT યુનિવર્સિટીના વર્કશોપ હેડ છે અને આ પ્રકારના સ્થાપત્યોની સુંદરતામાં ઉમેરો કરતાં સ્થાપત્ય કલાકાર છે.

1/7
image

ZEE 24 કલાક સાથેની વાતચીતમાં ઉર્વી શેઠે અટલ ફૂટ બ્રિજની ખાસિયતો અને તેમના આર્ટ ઇન્સ્ટોલેશન વિશે રસપ્રદ માહિતી આપી. તેમણે કહ્યું, “ઉત્તરાયણ અને પતંગ એ અમદાવાદ માટે એક વિશિષ્ટ તહેવાર અને શહેરની અનોખી ઓળખ પણ છે અને આ બ્રિજની પતંગ આધારિત ડિઝાઈન એ શહેરની સંસ્કૃતિ, તેની ઓળખ અને આ તહેવારના સંયોજનથી તૈયાર કરવામાં આવી છે.”

2/7
image

ઉર્વી દ્વારા તૈયાર કરવામાં આવેલું આર્ટ ઇન્સ્ટોલેશન 20 ફૂટ જેટલું ઊંચું છે અને બ્રિજની વચ્ચે છે. આ કલાકૃતિ પવનની દિશા મુજબ ફરતી રહે છે. તેમણે કહ્યું, “જે થાંભલા પર આ ઊભું કરવાનું હતું તે હલે નહીં અને સ્થિર રહે તે જોવું પણ અગત્યનું હતું. તેથી આ આર્ટને સ્થિરતા આપવા માટે પારદર્શક ટેકાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.” 

3/7
image

રસપ્રદ વાત એ છે કે અમદાવાદમાં થોડા દિવસો પહેલાં આવેલો મૂશળધાર વરસાદ આ કલાકૃતિની સ્થિરતા, મજબૂતીનું પરિક્ષણ કરવાની એક તક લઈને આવ્યો. આ કલાકૃતિ એ તોફાની પવન અને વાવાઝોડા સામે અડિખમ રહી.

4/7
image

ઉર્વીએ આ કલાકૃતિ ક્રાફ્ટ ક્વેસ્ટના આર્કિટેક્ટ તરૂણકુમાર અને ટીમના સભ્ય સિદ્ધાર્થ સક્સેના સાથે મળીને બનાવી છે. તેમણે કહ્યું, “અટલ ફૂટ ઓવર બ્રિજની આ ડિઝાઈનને EOLIC નામ અપાયું. જેનો અર્થ થાય છે 'પવન શક્તિ' (Wind Power). લગભગ 2 મહિનામાં આ ઈન્સ્ટોલેશન આર્ટ તૈયાર કરાયું. ”

5/7
image

આ ડિઝાઈન લગભગ 10 વર્ષ સુધી અડીખમ રીતે અટલ ફૂટ ઓવર બ્રિજની શોભા વધારશે. આ આર્ટ બનાવવામાં એન્જિનીયર્સની પણ મદદ લેવામાં આવી.

6/7
image

તમામ વસ્તુઓ સ્ટીલમાંથી બનવાવામાં આવી છે અને જેમ તમે જોઈ શકો છો કે બ્રિજ ખુબ જ કલરફુલ છે તેથી આ ઈન્સ્ટોલેશન આર્ટમાં બ્લેક કલર, બ્રાસ અને કોપર થી મેટાલિક ફિનિશિંગ અપાયું હતું.  

7/7
image

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદને એક નવી ભેટ આપવાના છે અને બ્રિજ પરની આ કલાકૃતિ PM મોદી માટે પણ એક સરપ્રાઇઝ હોઈ શકે છે એમ ઉર્વી શેઠે જણાવ્યું.