રાજસ્થાનમાં હાલ મોટા પડકારનો સામનો કરી રહેલા આ કોંગ્રેસી નેતાની પર્સનલ લાઈફ પણ હતી પડકારજનક
રાજસ્થાન ચૂંટણીમાં હાલ એક નામ ખુબ ચર્ચામાં છે. તે છે સચિન પાયલટ. દિગ્ગજ કોંગ્રેસી નેતા રાજેશ પાયલટના પુત્ર અને હાલ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સચિન પાયલટ માટે આવનારા દિવસો ખુબ જ પડકારભર્યા છે.
જયપુર: 7 ડિસેમ્બરના રોજ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. સચિન પાયલટ પર અનેક જવાબદારીઓ છે. સચિન પાઈલટે અંગત જીવનમાં પણ અનેક પડકારોનો સામનો કર્યો છે. તેમના લગ્નને જ જોઈ લઈએ.
સચિન પોતે ગુર્જર સમાજમાંથી આવે છે. તેમની પત્ની સારા મુસ્લિમ છે. સારા જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાની પુત્રી છે. સચિન અને સારા બંને લંડનમાં ભણતા હતાં. ત્યાં બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી પ્રેમ.
સચિનનો અભ્યાસ પહેલા પૂરો થઈ ગયો અને તેઓ પાછા ભારત આવી ગયાં. સારા લંડનમાં જ રહી. પરંતુ બંને ફોન, ચેટ અને ઈમેઈલ દ્વારા સતત એકબીજાના સંપર્કમાં રહ્યાં હતાં. (તસવીર-સાભાર ડીએનએ)
પછી બંનેને એવું લાગ્યું કે હવે લગ્ન કરી લેવા જોઈએ. બંનેએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે પરિવારવાળા આ ઈન્ટર રિલિજિયન મેરેજ માટે વાંધો પાડશે. પરંતુ બિલકુલ ઉલ્ટુ થયું. સચિને તો પોતાના પરિવારને મનાવી લીધો. પરંતુ સારાનો પરિવાર ન માન્યો. રોન્ડિવુ વિથ સિમી ગરેવાલ શોમાં સારાએ પોતે જણાવ્યું કે તેમના પિતાએ એક ખ્રિસ્તિ મહિલા સાથે લગ્ન કર્યાં હતાં, ભાઈની પત્ની સિખ છે આથી તેમને લાગ્યું કે તેમના લગ્નનો વિરોધ નહીં થાય પરંતુ આમ છતાં તેઓએ વિરોધ કર્યો.
આમ છતાં બંનેએ 2004માં લગ્ન કરી લીધા. લગ્નમાં સચિનના પરિવારમાંથી તો લોકો આવ્યાં પરંતુ સારાના પરિવારમાંથી કોઈ નહતું આવ્યું. એવું કહેવાયું કે ફારુક લંડનમાં છે અને ભાઈ ઉમર અબ્દુલ્લા સારવાર કરાવી રહ્યાં છે. પરંતુ કહેવાય છે કે આ લગ્નના અનેક રીતે રાજકીય અર્થ તારવી શકાય તેમ હતાં અને આથી સારાના પરિવારે અંતર જાળવ્યું.
આજે સારા અને સચિનના બે પુત્ર છે, આરાન અને વિહાન. થોડા સમય બાદ બંને પરિવારો વચ્ચે સંબંધ પણ સામાન્ય થઈ ગયા છે. લગ્ન બાદ તેઓ અનેકવાર સચિન અને ફારુક અબ્દુલ્લા એકસાથે જોવા મળ્યાં છે. અભ્યાસ બાદ સચિન એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા હતાં પરંતુ પિતા રાજેશ પાઈલટનું એક અકસ્માતમાં અવસાન થતા તેઓ રાજકારણમાં આવી ગયાં. અજમેરથી સંસદ બનેલા અને કેન્દ્રમાં કોરપોરેટ મામલાના મંત્રી પણ રહ્યાં.
જો કે આજકાલ તેઓ રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ છે. તેઓ રાજસ્થાનની વિધાનસભા ચૂંટણીમાં આ વખતે પહેલીવાર એક ઉમેદવાર તરીકે ઊભા રહ્યાં છે. આવનારી ચૂંટણીઓમાં કોંગ્રેસના પ્રદર્શન સાથે તેમની પોતાની જીત પણ પાર્ટીમાં તેમના કદને વધારવા માટે ખુબ જરૂરી છે.
Trending Photos