Pics : અમદાવાદની આ ઈમારતમાં 10 વર્ષ રહ્યા હતા સરદાર પટેલ, આજે અહીં ચકલુ પણ માંડ ફરકે છે
અતુલ તિવારી/અમદાવાદ :31 ઓક્ટોબર 1875માં નડિયાદમાં જન્મેલા અને લોખંડી પુરુષ તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Vallabhbhai Patel) ની અનેક યાદો અમદાવાદ સાથે જોડાયેલી હતી છે. અમદાવાદ (Ahmedabad) ના ભદ્ર વિસ્તારમાં આવેલું અને હાલ 'સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ભવન' તરીકે ઓળખાતી ઈમારત સરદાર વલ્લભભાઈ પટેલનું આશરે 10 વર્ષ સુધી સ્થાયી નિવાસ સ્થાન રહ્યું હતું. હાલ આ સ્મારક ભવનની શું છે સ્થિતિ, શા ઉપયોગમાં લેવામાં આવે છે આ સ્મારક ભવનને આવો જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં...
અમદાવાદના ભદ્રમાં આવેલું સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ભવન વર્ષ 1917થી લઈને 1928 સુધીના સમયગાળા દરમિયાન તેઓનું નિવાસસ્થાન હતું. લોકસભાના પ્રથમ અધ્યક્ષ એવા ગણેશ માવળંકરે આ જગ્યા સરદારને આપી હતી. આ સમયગાળા દરમિયાન તેઓ વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા હતા. સરદાર પટેલના મૃત્યુ બાદ તેમનાં આ નિવાસસ્થાનની સારસંભાળ તેમના પુત્રી મણિબેન પટેલ દ્વારા લેવાતી હતી. પરંતુ વર્ષ 1990માં સરદારના પુત્રી મણીબેનનું અવસાન થતા સરદારના આ સ્મારક ભવનની સારસંભાળ લેવાની જવાબદારી 'સરદાર પટેલ મેમોરીયલ ટ્રસ્ટ'ના શિરે આવી પડી હતી. 1990માં ચીમનભાઈ પટેલે સ્મારક ભવનનું ઉદઘાટન કર્યું હતું. તે સમયે દિનશા પટેલ, કેશુભાઈ પટેલ, કરશનભાઈ પટેલ, બાલુભાઈ પટેલ ટ્રસ્ટી પદે હતા. ત્યારથી અત્યાર સુધી આ સ્મારક ભવનનું અનેક વખત સમારકામ કરાવવું પડ્યું અને હાલ પણ સ્થિતિ એવી છે કે નાણાંની કટોકટીને કારણે જોઈએ તેવી આ સ્મારક ભવનની સારસંભાળ લેવામાં ટ્રસ્ટ અથવા સરકાર નિષ્ફળ નીવડી રહ્યું છે.
થોડા વર્ષો પહેલા સરદાર વલ્લભભાઈ સ્મારક ભવનમાં એક લાઈબ્રેરી હતી. પરંતુ આ લાઈબ્રેરીની જાળવણી કરવામાં ટ્રસ્ટ નિષ્ફળ રહ્યું અને લાઈબ્રેરીને બંધ કરી દેવાની ફરજ પડી. હાલ લાઈબ્રેરીના બદલે અહીં સરદાર પટેલ સાથે જોડાયેલી કેટલીક યાદો અને તેમના કાર્યો તસ્વીર સ્વરૂપે મૂકવામાં આવ્યા છે. તસવીર વર્ષો જૂની હોવાથી કેટલીક તસવીરોની હાલત પણ ખરાબ થઈ ચૂકી છે. ત્યારે સ્મારક ભવનમાં આવેલા બેઠક કક્ષની જગ્યાએ શૌચાલય બનાવી દેવાયું છે.
સ્મારક ભવનની ઉપર આવેલા ખંડને ભાડે આપવામાં આવે છે. આ જગ્યા પ્રાર્થના સભા, અભ્યાસ શિબિર, વાર્ષિક સભા કે સાંસ્કૃતિ કાર્યક્રમો માટે 500થી 3000ના નજીવા ભાડામાં અપાય છે. તેમજ ખાલી પડેલી કમ્પાઉન્ડની જગ્યાને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને પાર્કિંગ માટે ભાડે આપી દેવાયું છે. હાલ તો ટ્રસ્ટ પાસે સરદારના આ સ્મારક ભવનની સારસંભાળ માટે આ બે જ મુખ્ય આવકના સ્ત્રોત છે. સ્મારક ભવનની સારસંભાળ લેવાના હેતુથી કેટલાક દિવસો પહેલા અમદાવાદ મેયર તરફથી ટ્રસ્ટને પત્ર પણ લખવામાં આવ્યો હતો, પરંતુ તેનો જવાબ પણ ટ્રસ્ટ તરફથી આપવામાં ન આવ્યો.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષથી સરદારની જન્મ જયંતીને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વરા ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે. સરદારને ન્યાય અપાવવાના હેતુથી નર્મદા ખાતે વિશ્વની સૌથી ઉંચી એવી 182 મીટરની પ્રતિમા બનાવવામાં આવી છે. પરંતુ સરકાર સરદાર સાથે જોડાયેલા સ્થળો તેમની યાદોની સારસંભાળ લેવામાં ક્યાંક કચાશ રાખતું હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ, સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળનારાઓનો આંકડો લાખોને પાર કરી જાય છે, ત્યાં આ સ્મારક ભવનની મુલાકાત મહિનામાં માંડ 50 જેટલા લોકો લેતા હશે.
Trending Photos