મધરાતે US એ અફઘાનિસ્તાન છોડતા જ ખુશીમાં પાગલ થઈ ગયા તાલિબાનીઓ, ધડાધડ ફાયરિંગ, આતશબાજીથી મનાવ્યો જશ્ન
છેલ્લા વિમાને ઉડાન ભરતા જ અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની 20 વર્ષની સૈન્ય ઉપસ્થિતિ ખતમ થઈ ગઈ.
અમેરિકાએ તાલિબાનની ડેડલાઈનના એક દિવસ પહેલા જ અફઘાનિસ્તાન છોડી દીધું. હવે સમગ્ર દેશ પર સંપૂર્ણ રીતે તાલિબાનનું રાજ આવી ગયું છે. છેલ્લા અમેરિકી વિમાને મધરાતે ઉડાણ ભર્યા બાદ તરત જ તાલિબાનીઓ કાબુલ એરપોર્ટમાં ઘૂસી ગયા અને હવામાં ફાયરિંગ કરીને આઝાદીનો જશ્ન મનાવ્યો. આ દરમિયાન આતંકીઓએ ખુબ આતશબાજી પણ કરી. છેલ્લા વિમાને ઉડાન ભરતા જ અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની 20 વર્ષની સૈન્ય ઉપસ્થિતિ ખતમ થઈ ગઈ.
ખુશીથી ઝૂમી ઉઠ્યા તાલિબાનીઓ
ડેઈલી મેઈલના રિપોર્ટ મુજબ છેલ્લા અમેરિકી વિમાને ઉડાન ભરતા જ કાબુલ એરપોર્ટ બહાર રહેલા તાલિબાનીઓ અંદર આવી ગયા. તેમણે જશ્ન મનાવવા માટે હવામાં ફાયરિંગ કર્યું અને આતશબાજી પણ કરી. અફઘાનિસ્તાનનું આકાશ રંગબેરંગી રોશનીથી ભરાઈ ગયું. જો કે અફઘાનિસ્તાનના નાગરિકોનો ડર વધી ગયો છે. કારણ કે હવે તેઓ સંપૂર્ણ રીતે તાલિબાનના શાસન હેઠળ છે.
અમેરિકી વિમાનો સાથે ફોટા પડાવી રહ્યા છે
અમેરિકી સેના કેટલાક હેલિકોપ્ટરો અને વિમાન કાબુલમાં જ છોડી ગઈ છે. તાલિબાનીઓ આ વિમાનોનું નિરીક્ષણ કરતા જોવા મળ્યા. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે યુએસ સૈનિકોના જતા જ તાલિબાનીઓ ખુશીમાં પાગલ થઈ ગયા. તેઓ ફાયરિંગ કરતા કરતા એરપોર્ટમાં દાખલ થયા અને બાળકોની જેમ યુએસ આર્મી દ્વારા છોડી દેવાયેલા વિમાનો પર સવાર થઈને ફોટા પડાવતા જોવા મળ્યા.
અનેક અફઘાનીઓની આશા પર પાણી ફરી વળ્યું
તાલિબાને વિદેશી સૈનિકો માટે 31 ઓગસ્ટની ડેડલાઈન નક્કી કરી હતી. બ્રિટને રવિવારે પોતાનું રેસ્ક્યૂ મિશન પૂરું કર્યું અને અમેરિકા સોમવારે મધરાતે અફઘાનિસ્તાન છોડીને ગયું. જો કે સેંકડો અફઘાનીઓ કે જેમણે અમેરિકા અને યુકેની મદદ કરી હતી તેઓ હજુ પણ અફઘાનિસ્તાનમાં ફસાયેલા છે. બ્રિટન આવા લગભગ 1000 અફઘાનીઓને છોડી ગયું છેઆ ઉપરાંત લગભગ 200 જેટલા અમેરિકીઓ પણ હજુ અફઘાનિસ્તાનમાં છે.
એરપોર્ટનો નજારો બદલાઈ ગયો
કાબુલ એરપોર્ટનો નઝારો સંપૂર્ણ રીતે બદલાઈ ગયો છે. જ્યાં ગઈ કાલ સુધી અમેરિકી અને બ્રિટિશ સૈનિકો હાજર હતા ત્યાં હવે તાલિબાનીઓ તૈનાત છે. અફઘાનીઓની ભીડ પણ એરપોર્ટથી હટી ગઈ છે. તાલિબાન પહેલેથી લોકોને દેશ છોડીને જતા રોકી રહ્યું હતું. હવે લોકો પાસે ત્યાંથી નીકળવાનો કોઈ રસ્તો નથી. જો કે અમેરિકાએ કહ્યું છે કે તે અફઘાની સહયોગીઓને બહાર કાઢવામાં મદદ કરશે. પરંતુ તેની શક્યતા ધૂંધળી જ જોવા મળી રહી છે.
ફટાફટ એરપોર્ટની અંદર પહોંચી ગયા તાલિબાનીઓ
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના પ્રમુખ જનરલ ફ્રેન્ક મેકેન્ઝીએ જણાવ્યું કે સોમવારે રાતે અમેરિકાના આખરી વિમાને કાબુલથી ઉડાણ ભરી. તેમણે કહ્યું કે અમે અનેક લોકોને ત્યાંથી કાઢી શક્યા નહીં તેનું દુખ રહેશે. જો અમને 10 દિવસ વધુ મળી જાત તો અમે બધાને અફઘાનિસ્તાનથી કાઢી લેત. બીજી બાજુ જેવું તાલિબાનને ખબર પડી કે છેલ્લુ અમેરિકી વિમાન પણ જતું રહ્યું છે તો તેઓ એક પણ પળ ગુમાવ્યા વગર એરપોર્ટમાં ઘૂસી ગયા.
સમગ્ર કાબુલમાં ફાયરિંગના અવાજ
તાલિબાનીઓએ પહેલા એરપોર્ટમાં હાજર યુએસ આર્મીના વિમાનોનું નિરિક્ષણ કર્યું ત્યારબાદ પોતાની ખુશી વ્યક્ત કરવા માટે ફાયરિંગ કર્યું. ઘણા સમય સુધી કાબુલમાં ફાયરિંગના અવાજ સંભળાયા. એટલું જ નહીં આતંકીઓએ આઝાદીનો જશ્ન મનાવવા માટે ખુબ આતશબાજી પણ કરી.
Trending Photos