Photos : અનાથ બાળકો પ્રત્યે વડાલી પોલીસે દાખવેલો પ્રેમ જોઈને આંખમાંથી આસું આવી જશે
શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા :આમ તો પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરતી હોય છે પણ સાબરકાંઠાના વડાલી પોલીસે સેવાની ફરજ પણ પૂરી કરી. પોલીસને વડાલી નગરમાં અવાવરું જગ્યાએથી એક બાદ એક એમ પાંચ બાળકો મળી આવ્યા હતા. આ બાળકોને પોલીસ કર્મચારીઓ તેમની આંગળી પકડી પા...પા... પગલી કરી પોલીસ સ્ટેશન લઈ આવ્યા. તેઓને બાળકને રમકડા પણ આપ્યા અને માતા-પિતાની હુંફ પૂરી પાડી હતી. એટલું જ નહિ, હવે તેમના અભ્યાસ અને તેમના ઉછેરની પણ તજવીજ હાથ ધરી છે.
મોટે ભાગે આમ તો પોલીસ માટે છાપ લોકોના મનમાં કંઇક અલગ જ હોય છે. પરંતુ આ કિસ્સો જાણીને તમારી પોલીસ પ્રત્યેની નજર બદલાઇ જશે. સાબરકાંઠાના વડાલીની પોલીસને એક બાદ એક પાંચ બાળકો મળી આવ્યા હતા અને આ બાળકો વરસતા વરસાદ વચ્ચે અવાવરુ જગ્યાએ સુઇ રહેલી હાલતમાં મળી આવ્યા હતા. જે જોઈને પોલીસ કર્મચારીઓનું મન ભરાઈ આવ્યું હતું. પોલીસ તેમને વરસાદી માહોલ વચ્ચે જ વડાલી પોલીસ સ્ટેશનમાં લઈ આવી હતી અને તેમને પહેલા તો જમવાનુ આપ્યું હતું. છેલ્લાં કેટલાક દિવસથી ભૂખ્યા-તરસ્યા આ બાળકો જાણે કે જમવા અને ખાવા પર રીતસરના તૂટી પડ્યા હતા. આ દ્રશ્યોએ પોલીસ સ્ટેશનમાં હાજર સૌ કોઇ પોલીસ કર્મીઓને ભાવુક બનાવી દીધા હતા. ત્યારે તેઓએ બાકોનુ રક્ષણ કરવાનુ અને તેમના વાલીને શોધવા માટે મન મક્કમ કર્યુ હતુ. પરંતુ પોલીસને માટે તેમના પરિવારને શોધવા માટે નિરાશા સાંપડી હતી. કારણ કે જ્યારે બાળકોએ આપેલા સરનામાં પર ખેડબ્રહ્માના અંતરીયાળ વિસ્તારમાં તપાસ કરતા પહોંચી તો બાળકોના પિતા આ દુનિયામાં જ હયાત જ નહી હોવાની જાણકારી મળી, તો તેની માતા પણ બાળકોને મૂકીને બીજે જતી રહી હતી. આમ પોલીસ કર્મચારીઓ આ વાત જાણીને હચમચી ઉઠ્યા હતા. ત્યારે પોલીસ કર્મચારીઓ મક્કમતા કરી કે, બાળકો માટે હવે પોલીસ જ પાલક બનશે અને પોલીસે પાલક તરીકેની તમામ જવાબદારીઓને ઉઠાવી લીધી છે.
આ વિશે સાંબરકાંઠા એસપી ચૈતન્ય મંડલિકે જણાવ્યું કે, આ બાળકો બહુ જ માસુમ છે. પોલીસ સ્ટેશનમાં અમે તેમને નવા કપડા પહેરાવીને તેમના વાળ કપાવ્યા, અને તેમને સ્વચ્છ કર્યા હતા. હવે અમે તેમના શિક્ષણ અને અન્ય તમામ જરૂરિયાતો પૂરી પાડવા પ્રયાસ હાથ ધર્યો છે. બાળકોને હાલ શેલ્ટર હોમમાં મોકલી આપ્યા છે.
પોલીસે વધુ માહિતી આપી કે, બાળકોના કાકા બાળકોને વડાલી લાવ્યા હતા. તેમના કાકા પણ અપરણીત હતા અને તેઓ તેમને અહી મૂકીને ક્યાંક ચાલ્યા જતા આખરે તેઓ એકલા પડી ગયા હતા. બાળકોએ દિવસભર બજારમાં ફરીને ભીખ માંગીને પેટ ભરવા પ્રયાસ કર્યો હતો. મોટે ભાગે પેટનો ખાડો પણ પૂરો ભરી શકતા નહોતા અને સૂવા માટે કોઇ જગ્યા નહિ હોઇ અવાવરું જગ્યાએ જઇ સૂઈ જતા હતા. પોલીસે વડાલી પોલીસ મથકમાં બાળકોને રાખીને તેમને પહેલા તો સ્વચ્છ કરીને તેમને સ્વચ્છ કર્યા હતા. આમ, પોલીસ કર્મચારીઓએ બાળકોને હુંફ અને હેત આપી તેમને ફરીથી હસતા-રમતા કરી દીધા હતા. બાળકોને તેમના મનગમતા રમકડાંઓનો પણ ઢગલો ખડકી દીધો હતો. આમ બાળકોને પણ પોલીસ સ્ટેશન ઘર કરતા પણ વધુ ગમવા લાગી ગયુ હતું. પોલીસે તેમને બે દિવસ પોલીસ મથકમાં રાખીને આખરે હવે બાળગૃહમાં મોકલી આપ્યા છે. હવે શિક્ષણ માટે પણ તેમને શાળામાં પ્રવેશ માટેની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ બાળગૃહમાં પણ રહેવા સાથે તેમના પાલક તરીકેની જવાબદારી પણ પીએસઆઇ પરેશ જાનીએ સ્વીકારી છે. આમ, વડાલી પોલીસે સમાજને એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરુ પાડ્યું છે.
Trending Photos