Photos: આ હીરોઈનો છે ગુજરાતી ફિલ્મોની 'રેખા, હેમા અને માધુરી'! દરેક ફિલ્મોમાં વગાડે છે ડંકો
હિન્દી ફિલ્મોમાં તો અનેક ગુજરાતી અભિનેત્રીઓએ સફળતાના ડંકા વગાડ્યા છે. અહીં એવી મહિલાઓની વાત કરીએ જેમણે ગુજરાતી સિને જગતને ધબકતું રાખ્યું છે. દાયકાઓથી ગુજરાતી ફિલ્મની અભિનેત્રીઓએ દર્શકોને મનોરંજન આપ્યું છે. સ્નેહલત્તાથી લઈને નવોદિતોમાં શ્રદ્ધા ડાંગરે સિનેજગતને તેમના અભિનયથી મંત્રમુગ્ઘ કર્યા છે.
સ્નેહલત્તા-
મૂળ મરાઠી પરંતું ગુજરાતી ફિલ્મોમાં અભિનય થકી અલાયદી ઓળખ ઉભી કરનાર સ્નેહલત્તાએ અનેક વર્ષો સુધી રાજ કર્યુ. ભાદર તારા વહેતા પાણી,મોતી વેરાણા ચોકમાં,મેરુ માલણ, ઢોલા મારું, ઢોલી, રાણી રિક્ષાવાળી, સોન કંસારી, હરિશચંદ્ર તારામતી, હોથલ પદમણી સહિત અનેક ફિલ્મોમાં સ્નેહલત્તાએ અભિનય કર્યો. સિનેપડદે સ્નેહલત્તાની જોડી ઉપેન્દ્ર ત્રિવેદી અને નરેશ કનોડિયા સાથે ખૂબ હિટ નીવડી. સ્નેહલત્તા 'સવાયા ગુજરાતી' તરીકે ઓળખાયા છે. સ્નેહલત્તા હાલ મુંબઈમાં વસવાટ કરે છે તેઓએ વર્ષોથી સિનેજગતને તિલાંજલી આપી દીધી છે.
રોમા માણેક-
'દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા', 'ઊંચી મેડીના ઊંચા મોલ' જેવી અનેક ફિલ્મોમાં અભિનય કરી ગુજરાતી ફિલ્મોમાં રોમા માણેકે તેના નામનો ડંકો વગાડ્યો. 'દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા' ફિલ્મમાં રાધાના અભિનયથી રોમા માણેક રાતોરાત સ્ટાર બની ગઈ. રોમા માણેક પણ મૂળ ગુજરાતની નથી પરંતું તેના અભિનયથી કોઈને લાગ્યું નહીં. રોમા માણેકની જોડી સૌથી વધારે હિતેન કુમાર અને નરેશ કનોડિયા સાથે હિટ રહી. રોમા માણેકની ફિલ્મ 'કાંટો વાગ્યો કાળજે'નું લીલી લીંબડી રે ગીત સુપરહીટ નિવડ્યુ હતું. હાલ રોમા માણેક લાઈમલાઈટથી દૂર છે.
મોના થીબા-
ગુજરાતી ફિલ્મોમાં સ્નેહલત્તા અને રોમા માણેક બાદ જો કોઈ અભિનેત્રીને યાદ કરવામાં આવે તો તે મોના થીબા છે. મોના થીબાની જોડી સૌથી વધારે હિતેન કુમાર અને હિતુ કનોડિયા સાથે જામી. મોના થીબાએ દીકરીનો માંડવો, 'ગગો કે દાદાનો પૈણું પૈણું કરતો હતો', આંસુડે ભીંજાયું ઘરચોળું આંસુડે ભીંજાય ચુંદડી, મીંઢોળ છૂટ્યા માંડવે, જન્મોજન્મ, ચુંદડીના સથવારે સહિતની સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યુ છે. અભિનેત્રી મોના થીબાએ વાસ્તવિક જીવનમાં હિતુ કનોડિયાને 'મનનો માણીગર' બનાવી દીધો. મોના થીબા અને હિતુ કનોડિયા સુખેથી લગ્નજીવન પસાર કરી રહ્યા છે અને બંને રાજવીરના મા-બાપ છે.
આનંદી ત્રિપાઠી-
ગુજરાતી ફિલ્મ રસીકોને જ્યારે પૂછવામાં આવે કે તેમની મનપસંદ ફિલ્મ કઈ તો મોટાભાગના લોકોના 'મોંઢે મૈયરમાં મનડું નથી લાગતું' ફિલ્મ ચોક્કસથી આવે. હિતેન કુમાર અને આનંદી ત્રિપાઠીની જોડીને ચમકાવતી આ ફિલ્મ ખૂબ જ સફળ નીવડી. ફિલ્મના ગીતો આજે પણ તેટલા જ લોકપ્રિય છે તો આનંદી ત્રિપાઠીનો ફિલ્મમાં નિખાલસ અભિનય લોકોને આજે પણ તેટલો જ યાદ છે. આનંદી ત્રિપાઠીએ ત્યારબાદ કેટલીક ફિલ્મોમાં કામ કર્યું અને ત્યારબાદ ગાયબ થઈ ગઈ. એક ફિલ્મ કેટલી સફળતા આપી શકે તેનું આનંદી ત્રિપાઠી જીવંત ઉદાહરણ છે.
મમતા સોની-
અહીં પણ વધુ એક એવી હિરોઈનની વાત જે મૂળ રાજસ્થાનની છે પરંતું તે ગુજરાતી સિનેજગતમાં સ્ટાર બની ગઈ. મમતા સોનીની ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે જોડી સુપરહિટ રહી. મમતા સોનીએ અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યુ. મમતા સોનીના શાયરીના પણ લાખો ફેન્સ છે. મમતા સોનીને GIFA તરફથી સ્પેશિયલ કેટેગરીમાં અવોર્ડ પણ મળ્યો છે. પોપ્યુલર એકટ્રેસ, મિસ ફોટોજેનિક અવોર્ડથી પણ તેનું સન્માન કરાયુ છે. મમતાને તેના ફેન્સ 'રાધા' ના નામથી વધુ ઓળખે છે. મમતા સોનીની પહેલી હિટ ફિલ્મ વિક્રમ ઠાકોર સાથેની 'એકવાર પિયુને મળવા આવજો' હતી. રખેવાળ,એક રાધા એક મીરા, તારી મારી પ્રેમ કહાની સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે.
આરોહી પટેલ-
આરોહી પટેલ નામને આજે કોઈ ઓળખની જરૂર નથી. નવી જનરેશનની અભિનેત્રી કહેવાતી આરોહી પટેલની ફેન ફોલોઈંગ ખૂબ મોટી છે. આરોહી પટેલ તેની પહેલી કોમર્શિયલ હિટ 'લવની ભવાઈ'થી જ સુપરસ્ટાર બની ગઈ. આરોહી પટેલ પ્રોડ્યુસર આરતી પટેલ અને જાણીતા ડિરેકટર સંદીપ પટેલની દીકરી છે. આરોહી પટેલ બાળ કલાકાર તરીકે તેના પિતાની ફિલ્મ 'મોતીના ચોક રે સપનામાં દીઠા'માં જોવા મળી હતી. આરોહી પટેલનો નિખાલસ ચહેરો અને તેના સ્મિતના લાખો ફેન્સ છે. લવની ભવાઈમાં આરોહી પટેલના અભિનયે દર્શકોના દિલ જીતી લીધા. સ્ક્રીન પર જેટલો સહજતાથી તે અભિનય કરે છે તે તેટલી જ મસ્તીખોર છે. 'ચાલ જીવી લઈએ'માં પણ આરોહીએ દમદાર અભિનય કર્યો અને તે દર્શકોના દિલમાં વસી ગઈ. પ્રેમજી- ધ વોરિયર્સ, લવની ભવાઈ, ચાલ જીવી લઈએ અને મોન્ટુની બિટ્ટુ 4 ફિલ્મમાં આરોહીએ અભિનયના ઓજસ પાઠર્યા છે.
શ્રદ્ધા ડાંગર-
શ્રદ્ધા ડાંગર પણ હાલમાં યુવાઓમાં ખૂબ લોકપ્રિય છે.ગુજરાતી નેશનલ અવોર્ડ વિનીંગ ફિલ્મ 'હેલ્લારો'થી શ્રદ્ધા ડાંગરને અલાયદી ઓળખ મળી. ફિલ્મમાં શ્રદ્ધા ડાંગરે મંજરી નામની એવી મહિલાનો અભિનય કર્યો જે પુરૂષ પ્રધાન સમાજમાં પોતાના સપના, ઈચ્છાઓ મારીને જીવતી મહિલાઓને પોતાના માટે જીવન જીવવા માટે પ્રેરણા આપે છે. ફિલ્મમાં શ્રદ્ધા ડાંગરના અભિનયે લોકોને અવા્ક કર્યા હતા. શ્રદ્ધાએ પપ્પા તમને નહીં સમજાય, તારી માટે વન્સ મોર, લવની લવ સ્ટોરીઝ ફિલ્મોમાં કામ કર્યુ છે. તેણે ગુજરાતી આલ્બમ ગીત અને કોમેડી વેબસિરીઝમાં પણ અભિનય કર્યો છે. શ્રદ્ધા ડાંગર સોશિયલ મીડિયા પર પણ ખૂબ લોકપ્રિય છે.
દીક્ષા જોશી-
દીક્ષા જોશી એક એવી અભિનેત્રી જેનો અભિનય જોઈ તમને લાગે કે આ અભિનેત્રી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મક્કમ ગતિએ ખૂબ આગળ વધી રહી છે. દીક્ષા જોશીની પહેલી ફિલ્મ કરશનદાસ પે એન્ડ યુઝ લોકોને ખૂબ જ પસંદ આવી હતી. ત્યારબાદ તે શરતો લાગુ, શુભાંરભ, ધૂનકી, લવની લવ સ્ટોરીઝ જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. દીક્ષા જોશી દરેક પાત્રમાં ખૂબ સરળતાથી ઢળી જાય છે. દીક્ષા જોશીની પ્રતિક ગાંધી સાથેની ઓનસ્ક્રીન જોડી દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે.
Trending Photos