આ જગ્યાએ થાય છે ઢીંગલા ઢીંગલીના અનોખી રીતે લગ્ન, તેના પાછળ છે અનેક રોચક માન્યતાઓ
દમણના માછી સમાજ દ્વારા 18 જેટલી શેરીઓમાં અનેક ઘરોમાં ઢીંગલા ઢીંગલીના લગ્નની ઉજવણી કરવામાં આવી. દર વર્ષની જેમ આ વર્ષે પણ માછી સમાજની મહિલાઓ અને બાળકોએ દેવ લગ્નની ઉજવણી કરી રહ્યા છે.
Trending Photos
નિલેશ જોશી/વાપી: લગ્ન તો તમે ગણા જોયા હશે અને ઘણા અનોખા લગ્ન જોયા હશે, પરંતુ તમે કદાચ બાળપણમાં રમત રમતા ઢીંગલા ઢીંગલીના લગ્ન કર્યા હશે. પરંતુ સંઘપ્રદેશ દમણના માછી સમાજમાં વર્ષો જૂની પરંપરાથી ઢીંગલા ઢીંગલીના અનોખી રીતે લગ્નની કરવામાં આવે છે. આવા લગ્નની પરંપરા લાંબા સમયથી ચાલી રહી છે. એને દેવ લગ્ન પણ કહેવામાં આવે છે.
દમણના માછી સમાજ દ્વારા 18 જેટલી શેરીઓમાં અનેક ઘરોમાં ઢીંગલા ઢીંગલીના લગ્નની ઉજવણી કરવામાં આવી. દર વર્ષની જેમ આ વર્ષે પણ માછી સમાજની મહિલાઓ અને બાળકોએ દેવ લગ્નની ઉજવણી કરી રહ્યા છે . તેની તૈયારી બે દિવસ પહેલા શરૂ થઈ જાય છે. નવા વસ્ત્રો અને તેમનો શણગાર કરવામાં આવે છે. બંને પરિવારોમાં સાચા લગ્ન જેવો માહોલ થાય છે. ઘરમાં ઢિંગલીના લગ્નમાં વાસ્તવિક લગ્નની જેમ હાજરી હોય છે. પરંપરાગત લોક ગીતો ગવાય છે. લગ્ન સમયે ઢીંગલાના વરઘોડાને બહાર કાઢવામાં આવે છે. ડીજે સાઉન્ડના ગીત ઉપર નાચતા ગાતા બારાત ઢીંગલીના ઘરે પહોંચે છે.
તેમના લગ્ન પંડિત દ્વારા હિન્દુ રીતરિવાજ મુજબ થયા હતા. એની પાછળ ઘણી માન્યતાઓ છે. જેમાંથી એક માન્યતા એવી છે કે ચોમાસા દરમ્યાન રોગચાળો ફાટી ના નીકળે અને લોકો સ્વસ્થ રહે તેના માટે માછી સમાજના લોકો પોતાના જૂના કપડાઓ ભેગા કરી ઢીંગલા ઢીંગલીનું સ્વરૂપ આપવામાં આવે છે. ત્યારબાદ એકાદશીના દિવસે ઢીંગલા ઢીંગલીના વિધિ વાર લગ્ન કરવામાં આવે છે. આખા ગામમાં નાચતાં ગાતા ડીજેની તાલે ગરબા ગાઈને વરઘોડો કાઢીને લગ્નના મંડપમાં મહરાજ લગ્ન વિધિ કરાવે છે.
એવી પણ માન્યતા છે કે કુરુક્ષેત્રના યુદ્ધ વખતે મોટી સંખ્યામાં લોકો શહિદ થયા હતા, ત્યારે દ્રૌપદીએ લોકોમાં મોટો રોગચાળો ના ફેલાય તે માટે લોકોના લોહીથી લથપથ કપડાં ભેગા કરી ઢીંગલા ઢીંગલી બનાવી વિધિસર લગ્ન કરાવ્યા અને લોકોને બીમારીથી બચાવવા ઢીંગલા ઢીંગલીને ભગવાનનું સ્વરૂપ આપી લગ્ન વિધિ કરાવી. માછી સમાજ પણ ક્ષત્રિય છે જેથી કરી આ અનોખા પ્રકારની લગ્ન વિધિ કરી લોકોના કલ્યાણ માટે પૂજાપાઠ કરે છે.
સંઘપ્રદેશ દમણમાં હાલમાં માછીમારોનું વેકેશન ચાલે છે અને તેમના સમાજમાં અષાઢ મહિનાની એકાદશીના દિવસે ઢીંગલા ઢીંગલીના લગ્ન કર્યા બાદ માછી સમાજમાં લગ્ન થતા નથી. ત્યારબાદ દેવ ઉઠી અગિયારસ એટલે કે દેવ દિવાળીથી ફરીથી લગ્ન થાય છે. ત્યારે એક માન્યતા એવી પણ છે કે માછીમારો જ્યારે દરિયો ખેડવા જાય છે, ત્યારે તેમની રક્ષા માટે માછીમારોની મહિલા પોતના ફળિયામાંથી કપડાં ભેગા કરી તેમાંથી ઢીંગલા ઢીંગલીનું સ્વરૂપ આપવામાં આવે છે. ત્યાર બાદ જે રીતે આપણે પીઠી ચોળીને વરઘોડો કાઢીને લગ્ન વિધિ કરીએ છીએ, તે જ રીતે આ ઢીંગલા ઢીંગલીના લગ્નનું પણ તે જ રીતે માછી સમાજની મહિલાઓ દ્વારા કરવામાં આવે છે.
અષાઢ મહિનાની એકાદશીના દિવસે લગ્ન વિધિ કર્યા બાદ 15 દિવસ પછી આ ઢીંગલા ઢીંગલીનું દરિયામાં વિસર્જન કરવામાં આવે છે. દિવાસાના દિવસે જે મોટી ભરતી હોય તે દિવસે ઢીંગલા ઢીંગલીનું વિસર્જન કરવા પાછળ એવી પણ માન્યતા છે કે માછીમારી કરતાં ભાઈઓની રક્ષા દરિયામાં આ ઢીંગલા ઢીંગલી કરશે અને માછીમારોનું આખું વર્ષ સારું જાય તેના માટે કરી આ મહિલાઓ ભગવાન સ્વરૂપે ઢીંગલા ઢીંગલીના લગ્ન કરીને સુખ કારકની પ્રાથના કરે છે અને આ પરંપરા વર્ષો જૂની આજની પેઢીને પણ એની સમજ આપે છે.
સંઘપ્રદેશ દમણમાં વર્ષો જૂની પરંપરાથી ઢીંગલા ઢીંગલીના લગ્ન આજની તારીખમાં પણ કરવામાં આવે છે અને આની પાછળ અનેક માન્યતાઓ છે. ત્યારે આવનાર નવી પેઢી આ પ્રથાને જીવત રાખે તે ખૂબ જ જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે