FIFA Women's World Cupમાં યૂરોપનો દબદબો, ક્વાર્ટર ફાઇનલમાં 8માંથી 7 ટીમો યૂરોપની

નેધરલેન્ડ અને ઇટાલીએ મંગળવારે રાત્રે રમાયેલી પ્રી ક્વાર્ટર ફાઇનલમાં જીત મેળવી. અમેરિકા, સ્વીડન, ફ્રાન્સ, જર્મની, ઈંગ્લેન્ડ અને નોર્વે પહેલા જ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ચુક્યા છે. 
 

 FIFA Women's World Cupમાં યૂરોપનો દબદબો, ક્વાર્ટર ફાઇનલમાં 8માંથી 7 ટીમો યૂરોપની

રેનેસ (ફ્રાન્સ): નેધરલેન્ડે મહિલા વિશ્વ કપ ફુટબોલ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ઇટાલીની ટીમ પણ અંતિમ આઠમાં પહોંચવામાં સફળ રહી છે. નેધરલેન્ડે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં લાઇકે માર્ટન્સના અંતિમ મિનિટમાં પેનલ્ટી પર કરેલા ગોલની મદદથી જાપાનને હરાવ્યું હતું. ઇટાલીએ ચીનને પરાજય આપ્યો હતો. ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલ લાઇનઅપ નક્કી થઈ ગઈ છે. તેમાં 8માંથી 7 ટીમ યૂરોપની છે. એકમાત્ર બિન યૂરોપીય ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન અને ટાઇટલની પ્રબળ દાવેદાર અમેરિકા છે. 

નેધરલેન્ડે મંગળવારે રમાયેલી પ્રી ક્વાર્ટર ફાઇનલમાં જાપાનને 2-1થી પરાજય આપ્યો હતો. નેધરલેન્ડને 17મી મિનિટમાં માર્ટન્સે લીડ અપાવી હતી. પરંતુ જાપાનની યુઈ હાસેગાવાએ 43મી મિનિટમાં ગોલ કરી સ્કોર બરોબર કરી લીધો હતો. માર્ટન્સે ત્યારબાદ 90મી મિનિટમાં પેનલ્ટીને ગોલમાં ફેરવીને નેધરલેન્ડને જીત અપાવી હતી. નેધરલેન્ડે ફીફા વુમન્સ મહિલા વિશ્વકપમાં પ્રથમવાર ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે. 

ટૂર્નામેન્ટના અંતિમ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ઇટાલીએ ચીનને 2-0થી પરાજય આપ્યો હતો. ઈટાલી તરફથી વેલેન્ટીના ગિયાસિંતી અને ઓરોરા ગેલીએ ગોલ કર્યાં હતા. જાપાન અને ચીનની હારની સાથે ટૂર્નામેન્ટમાં એશિયા મહાદ્વીપનું અભિયાન સમાપ્ત થઈ ગયું છે. જાપાનનું ટૂર્નામેન્ટમાં આટલું જલ્દી બહાર થવું નિરાશાજનક છે કારણ કે ટીમ 2011ની ચેમ્પિયન છે. ચાર વર્ષ પહેલા પણ જાપાનની ટીમ ફાઇનલમાં પહોંચી હતી. 

ટૂર્નામેન્ટમાં ક્વાર્ટર ફાઇનલ લાઇનઅપ નક્કી થઈ ચુકી છે. પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં 27 જૂને નોર્વેનો મુકાબલો ઈંગ્લેન્ડ સામે થશે. 28 જૂને અમેરિકા અને ફ્રાન્સ ટકરાશે. ત્યારબાદ નેધરલેન્ડ અને ઇટાવી ટકરાશે. ચોથા ક્વાર્ટર ફાઇનલમાં સ્વીડનનો મુકાબલો જર્મની સામે થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news